સ્કંદપુરાણમાં નાગરખંડ નામે આખો એક અધ્યાય છે જેમાં આનર્ત પ્રદેશનો ઉલ્લેખ વર્ણાવાયો છે. આ આનર્ત પ્રદેશ એટલે આનંદપુર જે અત્યારનું વડનગર કહેવાય છે. આનંદ પ્રદેશ વડનગર એટલે કહેવાય છે કે નાગર બ્રાહ્મણોના વડવાઓનું આ નગર છે જયાં તેમના “ઈષ્ટદેવતા” શ્રી હાટકેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે વસે છે.
સ્કંદપુરાણ અનુસાર આકાશે તારકેશ્વર, મૃત્યુલોકે મહાકાલ અને પાતાળલોકે હાટકેશ્વરનું ખૂબ માહાત્મય છે.
દેવી સતીએ પિતા દક્ષ રાજાના યજ્ઞમાં પિતાએ કરેલા શિવના વિદ્રોહના કારણે દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ સતીના વિરહમાં દિગંબર અવસ્થામાં પૃથ્વીલોક પર ભ્રમણ કરી રહ્યા હતા.તે સમયે પૃથ્વી ભ્રમણ કરતા ભગવાન શિવ ઋષિલોકમાં પહોચ્યા હતા.
ઋષિપત્નીઓએ શિવને દિગંબર અવસ્થામાં જોઈને કામાંધ બની હતી. આ કારણે ઋષિઓએ ક્રોધિત થઈને શિવનું લિંગ ખરી પડવાનું શ્રાપ આપ્યો હતો.શિવનું લિંગ ખરીને પાતાળલોકમાં પડયું જેથી ત્રિલોકમાં ઉત્પાત મચી ગયો હતો.
બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્રાદિ દેવોએ શિવને પ્રાર્થના કરી કે હે શિવ ! આ ઉત્પાતનું કંઈક સમાધાન જણાવો. શિવ બોલ્યા કે “આપ સર્વે મારા પ્રતિક સમાન શિવલિંગની પૂજા કરો, આ પ્રલય તરત સમી જશે”. ત્યારે બ્રહ્માએ કહ્યું “હું સર્વપ્રથમ પૂજા કરીશ”.
બ્રહ્માજીએ એક સુવર્ણ જેવું શુદ્ધ લિંગ બનાવીને આનર્તપ્રદેશમાં પૂજા કરી તે “હાટકેશ્વર”. જયાં હાટક અર્થાત્ સોના જેવું શુદ્ધ તેમ થાય છે.આ શિવલિંગ સુવર્ણ જેવું શુદ્ધ ત્યારે થાય છે જયારે તે શક્તિનો આધાર પામે છે.
ઐતિહાસિક પુરાવાઓના આધારે હાટકેશ્વર મહાદેવની સર્વપ્રથમ સ્થાપના ચૈત્ર સુદ ચૌદસે વડનગરમાં થઈ હતી તેથી વડનગરમાં હાટકેશ્વર મહાદેવમાં આ શુભ દિવસે વિશેષ પૂજા થાય છે. આખા વડનગરમાં મહાદેવજીની શાહી સવારી નીકળે છે.
હાટકેશ્વર એટલે ઐશ્વર્ય આપનાર ઈશ્વર. હાટકેશ્વરના પત્ની ગૌરી દેવી અંબિકા અન્નપૂર્ણા સ્વરૂપે તેમને પૂજતા તમામ લોકોને ધન ધાન્યથી સુખી રાખે છે.
નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ એવા હાટકેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં વડનગરમાં આવેલું છે જે તેરમી સદીથી છે.કહેવાય છે કે મહાભારત સમયે પણ આ મંદિર હતું. આ મંદિર શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલું છે. મંદિરના દરેક પથ્થરમાં શિલ્પકૃતિ અને કોતરણીકામ છે.
સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ નાગર બ્રાહ્મણે કરાવ્યા હતા. ભગવાન શિવે દક્ષિણા સ્વરૂપે નાગર બ્રાહ્મણોને આ ક્ષેત્ર વસવાટ માટે અર્પણ કર્યુ હતું.
ભગવાન હાટકેશ્વર દાદાએ નાગર બ્રાહ્મણોને ત્રણ વરદાન આપેલ છે જે મને જાતિભાસ્કર ગ્રંથમાં મળી આવેલ છે કલમ, કરછી અને બડછી અર્થાત્ સર્જનાત્મક વિચારો દ્વારા સાહિત્ય લખાય તેવી સુંદર કલમ. સ્વાદિષ્ટ ભોજન બનાવી તે ભોજનને પીરસવી શકાય તેવી કરછી (અર્થાત્ તેમની પાસે જે જ્ઞાન છે તે જગત કલ્યાણ માટે વહેંચવું ). દુષ્ટોની સામે લડવા માટેનું શસ્ત્ર એટલે બરછી (ભાલા જેવું હોય છે ). જયારે સોમનાથ મંદિર પર હુમલો થયો ત્યારે નાગર બ્રાહ્મણો મુગલો સામે બરછીથી લડયા હતા તેવું ઈતિહાસના પન્નાઓમાં લખાયેલું છે.
શ્રી હાટકેશ્વર દાદાની કૃપાથી વડનગરમાં ખૂબ જ મહાન લોકો અને તેમના મહાન કાર્યોની ચર્ચા આજે પણ ઈતિહાસના પાનાઓમાં કંડારેયલી છે. જેમ કે વડનગરના નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતાની શ્રી કૃષ્ણ ભક્તિ કોણ નથી જાણતું ? નાગર કન્યાઓ તાના રીરી મલ્હાર રાગ ગાવાની છટા જેનાથી તેઓ પૃથ્વી પર વરસાદ લાવી શકતી હતી. શ્રી બહુચર માતાએ ચતુર્વેદી બ્રાહ્મણ યદુરામના પુત્રના લગ્નમાં આવીને આખા વડનગરને પાવન કર્યુ હતું.
નરસિંહ મહેતાના પુત્ર શામળશાના વિવાહ વડનગરમાં થયા હતા જેમાં શ્રી કૃષ્ણે સ્વયં આવીને હાજરી આપી હતી. શામળશાના વિવાહ વડનગરના ગૃહસ્થ નાગર એવા શ્રી મદનલાલ મહેતાની દીકરી સાથે યોજાયા હતા.
મારા જીવનમાં મને પ્રગતિના પંથે લઈ જવામાં બ્રાહ્મણોનો ખૂબ જ ફાળો રહ્યો છે તેમાં સૌથી વધારે નાગર બ્રાહ્મણોનું યોગદાન છે જેથી હું નાગર બ્રાહ્મણોનો અને નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર દાદાનો હ્દયપૂર્વક આભારી છું અને કાયમ રહીશ.
આજે ચૈદ સુદ ચૌદશ નિમિત્તે નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવતાના સ્થાપના દિને શ્રી હાટકેશ્વર દાદાને સત સત નમન.
નમામિ હાટકેશ્વરમ ।
ભજામિ હાટકેશ્વરમ ।।
જય હાટકેશ.
જય બહુચર માં.