મને હમણાં જ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સર,અમારા પટેલોના કુળદેવી ઉમિયા માતાજી છે કે ખોડિયાર માતાજી ?
આ લેખ વાંચવાથી ઘણા લોકોને પોતાના પ્રશ્નનો સચોટ જવાબ મળે તે હેતુથી આ લેખ લખું છું.
માં ઉમિયા એટલે કે માં ઉમાનો ઉલ્લેખ દેવી ભાગવત પુરાણમાં છે જયારે ખોડિયાર માતાજી કેટલાક વર્ષો પહેલાં ચારણ કન્યા સ્વરુપે થઈ ગયા તેથી દેવી ભાગવત પુરાણમાં ક્યાંય ખોડિયાર માતાજીનો ઉલ્લેખ નથી.
બારોટના ચોપડામાં પટેલ સમાજ હજારો વર્ષથી કુળદેવી તરીકે ઉમિયા માતાને પૂજે છે તેમ ઉલ્લેખનીય છે.
મારું માનવું છે કે પટેલ સમાજે ખોડિયાર માતાને ચડાઉ દેવી તરીકે ચોક્કસ પૂજવા પણ કુળદેવી તરીકે ઉમિયા માતાજીને માનવા જોઈએ.
હું જાણું છું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ ખોડિયાર માતાજીને કુળદેવી તરીકે પૂજે છે.
મારે મન ખોડિયાર માતા ઉમિયા માતાજી જેવા જ વંદનીય અને પૂજનીય છે.મેં અહીંયા કોઈ પણ રીતે ખોડિયાર માતાનો વિરોધ કર્યો નથી માટે અભણ લોકોએ સમજ્યા વગર મારી પાસે વાદ-વિવાદ કરવા આવવું નહીં.
મારા ૫૦૦ થી વધારે પટેલ સમાજના મિત્રો અને ગ્રાહકો છે.મેં જોયું છે કે કેટલાક પટેલ સમાજના લોકોના ઘરે કુળદેવી તરીકે બહુચર માં પૂજાય છે અથવા કેટલાક પટેલ સમાજના લોકો બાબરી બહુચરાજી ઉતારે છે તો આમ કેમ ? તો આનો સરળ અને સચોટ જવાબ એમ છે કે તેમના ઘરે વર્ષોથી તેમના પૂર્વજો બહુચરાજીને પૂજતા આવ્યા હોય એટલે તેઓ બહુચરાજી ને પૂજતા હોય છે.
સ્પષ્ટ શબ્દોમાં સમજાઉ તો કુળદેવી એટલે કુટુંબ પરિવાર ની દેવી.તમારા ઘરમાં કુળદેવી તરીકે પ્રધાન દેવી એક જ પૂજાવા જોઈએ જેમકે તમે અને તમારા પૂર્વજો વર્ષોથી ખોડિયાર માતાજીને અથવા બહુચર માતાજીને અથવા ઉમિયા માતાજી ને કુળદેવી તરીકે પૂજો છો તો એમને જ કુળદેવી માનવા.
હકીકતમાં આપણે સૌ જગદંબાના અલગ અલગ સ્વરુપોને આપણા ઘરે પોતાના કુળદેવી તરીકે પૂજતા હોઈએ છે બાકી જગદંબા તો એક જ છે.
અંતે આપણું લક્ષ્ય તો જગદંબાનું શરણ જ હોવું જોઈએ.
જય ઉમિયા માં. જય ખોડીયાર માં.
જય બહુચર માં.