તમને શું લાગે છે ભગવાન પૂજા પાઠ, વિધિ, યજ્ઞ, તંત્ર-મંત્ર, ધ્યાન, યોગથી પ્રસન્ન થાય છે. હા ચોકકસ થાય છે પણ ભગવાન અતિપ્રસન્ન કયારે થાય છે એ જાણવા માટે ચલો આપણે સૌ પરમાત્મા આદિ અનાદિ ઈશ્વર મહાદેવ પાસે જઈએ. એના માટે કૈલાસ જવું પડે ને ?
ચાલો કાલ્પનિક રીતે આપણે બધા કૈલાસ પહોંચીએ. વિચારો કે કૈલાસમાં મહાદેવજીનો દરબાર ભરાયો છે. એક શિલા પર મહાદેવજી અને માતા પાર્વતી બિરાજમાન છે. પુત્ર ગણેશ અને કાર્તિકેય વંદન કરીને ઉભા છે. નંદી, વીરભદ્ર પણ શિવા સહિત શિવને પ્રણામ કરીને સાવધાનની સ્થિતિમાં ઉપસ્થિત છે. ઈન્દ્ર,વરૂણ વગેરે દેવતાઓ સભામાં હાજર છે. સપ્તઋષિ પોતાના શિષ્યગણો સાથે શિવના ચરણોને વંદન કરી રહ્યા છે. કેટલાક શિવના પરમ ભકતો પણ કૈલાસમાં સ્વયં પરમાત્માને નિહાળીને આનંદિત થઈ રહ્યા છે.
આ બધાને મન એવો વિચાર છે “હું શિવનો પરમ ભકત છું અને મારી જ ભકિત શિવને સૌથી પ્રિય છે” બધા મનોમન પોતે જ શ્રેષ્ઠ શિવભકત છે એવું વિચારી રહ્યા છે ત્યારે પરમાત્મા શિવ સર્વને સંબોધીને કહે છે કે હું પૂજા જપ તપ મંત્રોચ્ચાર, તંત્ર, યજ્ઞ, ધ્યાન, યોગ વગેરે પ્રકારની આપ સૌની ભકિતથી પ્રસન્ન છું પણ આ બધી ભક્તિ કરતા પણ એક એવી ભકિત છે જે મને અતિપ્રસન્ન છે અને અત્યારે મારો શ્રેષ્ઠ ભકત તે કરી રહ્યો છે.
જેટલા પણ શિવસભામાં હાજર છે એ બધાને મનોમન પ્રશ્ન થાય છે કે અમારાથી કોની ભકિત સર્વશ્રેષ્ઠ હશે અને બધા એકબીજાની સામુ જોઈને એવું વિચારે છે અમારાથી એવો તો કયો ભકત છે જેને શિવજી શ્રેષ્ઠ ભકત કહીને એની શ્રેષ્ઠ ભકિતથી અતિપ્રસન્ન થયા છે.
કૈલાસમાં અચાનક જ ચંદનની સુવાસ મહેકે છે, સુસવાટા ભર્યો પવન લહેરાય છે, જે વાતાવરણ છે એના કરતા વધારે રમણીય થાય છે. પૂછો આવું કેમ થાય છે ? કૈલાસમાં ભગવાન વિષ્ણુનું આગમન થાય છે પણ વિષ્ણુ ભગવાન ખાલી હાથે કેમ ? એવો દરેકના મનમાં પ્રશ્ન થાય છે કારણકે ભગવાન વિષ્ણુ જયારે મહાદેવજીની પૂજા અર્થે, દર્શનાર્થે આવે ત્યારે ઘણા ઉપહાર લઈને આવતા હોય છે.
વિષ્ણુ ભગવાન શિવા સહિત શિવને બે હાથ જોડીને વંદન કરીને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવજીને કહે છે કે હે મહાદેવ ! આપને વંદન કરતા આપની ક્ષમા માંગુ છું કે હું આજે ખાલી હાથે આવ્યો છું પણ હું જયારે કૈલાસ આવતો હતો ત્યારે મને રસ્તામાં એક ગરીબ વ્યકિત મળ્યો જેના પહેરવા માટે અંગ પર વસ્ત્ર નહોતું અને એનો દીકરો ભૂખથી તડપી રહ્યો હતો તેથી હું આપની પૂજા માટે જે કંઈ ઉપહાર લાવી રહ્યો હતો એ બધુ જ અર્પણ કરીને આવ્યો. ત્યારે શિવ બોલ્યા કે હે વિષ્ણુ ! તમે મને તેથી જ અતિપ્રિય છો. તમે કોઈ જ અપરાધ નથી કર્યો પણ હું તમારા પર અતિપ્રસન્ન થયો છું અને તમે જ મારા સર્વશ્રેષ્ઠ ભકત છો.
શિવ ભરીસભામાં સૌને આ શીખ આપે છે કે જયારે કોઈ એક જીવ કર્મની પીડા ભોગવી રહ્યો હોય ત્યારે બીજો જીવ એને મદદરૂપ થાય છે ત્યારે મને અતિપ્રસન્નતા થાય છે.હું છેક સુધી એવું ઈચ્છું છું કે કોઇ જીવ બીજા જીવને સહાય થાય પરંતુ જયારે એને કોઈ જીવ મદદ નથી કરતો ત્યારે હું અતિવ્યાકુળ થઈ જઉ છું અને છેવટે હું સહાયરૂપ થઉ છું.
પૃથ્વી પરનો કોઈ જીવ દુ:ખી છે તો મારે મન ઘણી અશાંતિ હોય છે. પૃથ્વી પર કોઈ હિંસા કરીને અન્ય જીવને દુખી કરે છે ત્યારે મને અતિઅણગમો થાય છે. મારી ખરી ભકિત એ જ છે કે પૃથ્વી પરના મારા દરેક જીવનું પાલન પોષણ થાય અને એ સુખીથી આનંદિત થઈને જીવે કારણકે દરેક જીવમાં હું “શિવ” સ્વરૂપે છું.
શિવજી આટલું કહીને વાણીને વિરામ આપે છે અને સમગ્ર કૈલાસ હર હર મહાદેવ ના નાદથી ગૂંજી ઉઠે છે.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માં.