બે દિવસ પહેલાની વાત છે. મારી એક મિત્રનો મારી પર ફોન આવ્યો.પહેલા એણે મને કેમ છે કેમ નહી એમ કહીને મારા ખબરઅંતર પૂછયા પછી એણે મને કહ્યું કે “તને યાદ છે તે મારી બેસ્ટ ફ્રેન્ડની કુંડળી જોઈ હતી અને એને ગમતા પાર્ટનર સાથે કુંડળી મેળાવીને તે તેને લગ્ન કરવાની હા પાડી હતી” થોડા ભૂતકાળમાં જતાં મને એની એ બહેનપણી વિશે થોડું થોડું યાદ આવ્યું.
પછી એણે વાત આગળ વધારી કે “એનું લગ્નજીવન ખૂબ સારું છે પણ…… ! એ વાત કરતા થોડી થોભી.તેથી મેં ઉત્સુકતાથી પૂછયું કે પણ ? તેણે કહ્યું કે “એની સાસુનો ખૂબ ત્રાસ છે,એને ખૂબ હેરાન કરે છે”. એણે મને કહ્યું કે “તું કંઈક ઉપાય બતાવ ને !” હું ખડખડાટ હસી પડયો અને મે મજાક કરતા ક્હયું કે એક જ ઉપાય છે.એણે પૂછયું શું ? મેં કહ્યું કે એને કહે “સાસુનું ગળુ દબાઈ દે એટલે પાર આવે”. મારી એ મિત્ર પણ હસવા માંડી.ઉપરની વાત તમે સૌ હસો એટલા માટે કહી છે કોઈએ અનુકરણ કરવું નહી.
આવા કિસ્સામાં જયોતિશાસ્ત્રના ઉપાયની ઓછી પણ પ્રેકટિકલ થવાની વધારે જરૂર છે. આધુનિક છોકરીઓ અને આધુનિક સાસુઓ એટલી હોંશિયાર થઈ ગઈ છે કે કુંડળી મેળાપક કરવા માટે અમારી પાસે આવે ત્યારે પોતાના ભવિષ્યમાં થનારા જીવનસાથીની કુંડળી સાથે સાસુની કુંડળી પણ લઈને આવે અને ધરાહર પૂછે પણ ખરી કે સાસુ હેરાન તો નહી કરે ને ? એવું જ કંઈક સાસુના કિસ્સામાં હોય છે.આધુનિક સાસુઓ પોતાની આવનારી વહુની કુંડળી એમની કુંડળી સાથે મેચ કરાવડાવે અને પૂછે કે મારી વહુ મને ઘરડાઘરમાં નહી મૂકી આવે ને ? આ સમગ્ર સાસુ-વહુની એકબીજા પ્રત્યેની અસુરક્ષિતા ( Insecurity ) હોય છે પણ ઘણા ખરા કિસ્સામાં સાસુ-વહુને “માં-દીકરી” કરતા પણ વધારે સારું બનતું હોય છે.
જયોતિષશાસ્ત્રના તેજનો દિવ્ય પ્રકાશ પાડું તો જન્મકુંડળીમાં આઠમું સ્થાન સાસરીયા પક્ષના સુખનું છે. આઠમા સ્થાનનો માલિક ( અષ્ટમેશ ) પાપ ગ્રહ સાથે હોય અથવા આઠમાં સ્થાનમાં ક્રૂર ગ્રહો હોય તો સાસરીયા પક્ષનું જોઈએ તેવું સુખ મળતું નથી.
જન્મકુંડળીમાં દસમું સ્થાન સાસુનું અને ચોથુ સ્થાન સસરાનું હોય છે. આ બંનેમાંથી કોઈ પણ સ્થાનમાં ક્રૂર ગ્રહો હોય અથવા બંનેમાંથી કોઈ પણ સ્થાનમાં સૂર્ય-શનિનો સંબંધ, મંગળ-શનિનો સંબંધ, સૂર્ય-રાહુનો સંબંધ થતો હોય તો સાસુ અથવા સસરા વહુ માટે વિલન જેવા હોય છે. એ ઉપરાંત દશમેશ અને ચતુર્થેશ છઠ્ઠે,આઠમે કે બારમે પાપકર્તરીમાં હોય તોય વહુ બિચારી સાસુ કે સસરા તરફથી મૃત્યુતુલ્ય દુ:ખ પામે છે.
લગ્નમેળાપક વખતે અમે છોકરા છોકરીની કુંડળીમાં સૌ પ્રથમ નવપંચમ યોગ મેળવીએ છે.ધારો કે મેષ રાશિના ચંદ્રથી પાંચમી સિંહ રાશિ આવે અને નવમી ધન રાશિ આવે તેથી મેષ રાશિને સિંહ રાશિ અને ધન રાશિ સાથે મન મળે. આવી જ રીતે તમારી રાશિથી જે રાશિ પાંચમે કે નવમે આવતી હોય તેમાં તમારું અને તમારા ભવિષ્યમાં થનારા જીવનસાથીનું મન મળે. મન મળે એ માટેની એક પ્રાચીન કહેવત છે કે “મન હોય તો માંડવે જવાય” ( A will will find a way ).
અમે હવે આ “નવપંચમ યોગ” નો સહારો અમારા આગવા સંશોધન મુજબ સાસુ-વહુના મન મેળવવા માટે કરીએ છે કારણકે જો વહુની કુંડળીના ઉચ્ચના કે સ્વગૃહી થતા ચંદ્રને અથવા કોઈ પણ રીતે શુભ થતા ચંદ્રને સાસુની કુંડળીમાં રહેલો શનિ જોતો હોય તો કાયમ સાસુ વહુની દરેક બાબતમાં ( નકારાત્મકતા ) ખામી જ શોધતી હોય છે. જયારે અન્ય એક કિસ્સામાં સાસુની કુંડળીમાં સારી ગુણવત્તાનો ચંદ્ર હોય અને વહુની કુંડળીમાં બેઠેલો રાહુ સાસુની કુંડળીના ચંદ્રની સાથે દષ્ટિસંબંધમાં હોય ત્યારે આવા કિસ્સામાં વહુ સાસુનું સત્યનાશ કાઢી નાખે છે.
આ બધી બાબતોથી બચવાનો સરળ ઉપાય છે કે તમારા જીવનસાથીની સાથે તમારા ભવિષ્યના સાસુની કુંડળીનો મેળ કરાવવો અને સાસુએ ભવિષ્યમાં થનારી વહુની કુંડળી તેમની કુંડળી સાથે મેળવી દેવી જોઈએ.
હાલના સમયમાં જે વહુ સાસુનો અને જે સાસુ વહુનો ત્રાસ ભોગવી રહી છે તેમને ઈશ્વર આ ત્રાસમાંથી મુક્ત કરાવીને સાસુ-વહુના કડવા સંબંધોને સુમધુર બનાવે એવી મારી ઈશ્વરને પ્રાર્થના.
આપ સૌ હંમેશા ખુશખુશાલ રહો.
જય બહુચર માં.