28 C
Ahmedabad
Friday, September 20, 2024

આપણા પ્રશ્નોનું સમાધાન કેવી રીતે મળે ?

એક ત્રીસ વર્ષનો યુવાન હતો. એને આર્થિક સુખ નહોતું એટલે કે વારે ઘડીએ વ્યવસાયમાં નુકસાન થાય,ધંધામાં ખોટ કરે અને ઘણીવાર ધંધો પડી ભાંગે. આ યુવાનને શારીરિક સુખ પણ નહી એટલે કે વારે વારે બીમાર પડે ને માંદોને માંદો રહે. ત્રીસ વર્ષની ઉંમર થઈ પણ Bachelor ( કુંવારો ). લગ્ન કરવા લાયક કન્યા મળે નહી.

આ સાહેબ કંટાળ્યા હતા એટલે એમને થયું કે કોઈ વિદ્વાન બ્રાહ્મણને જઈને કહું અને મારી સમસ્યાનું સમાધાન મેળવું.વિદ્વાન બ્રાહ્મણે કહ્યું કે “સર્વ પ્રશ્નોનું સમાધાન તો ચુંવાળ પંથકમાં બિરાજમાન શ્રી બાલા બહુચર આપી શકે”. “તું ચુંવાળ બહુચરાજી પગપાળા જા. તને ચોકક્સ તારા પ્રશ્નોનું સમાધાન મળશે પણ એટલી શરત છે કે તારે માતાજીને કોઈ પણ ત્રણ પ્રશ્નો પૂછવાના” પેલા યુવાને હામી ભરી અને ચુંવાળ પગપાળા જવાનું નક્કી કર્યું.

ચુંવાળના રસ્તે ચાલી નીકળેલા યુવાનને રસ્તામાં એક ઘરડા ડોસી મળ્યા જે મંદવાડના ખાટલે પડયા હતા. આ યુવાનને પૂછયું કે ભાઈ કયાં જાય છે ? આણે કહ્યું કે “ચુંવાળ જાઉં છું”. તો એ ડોસીએ આ યુવાનને કહ્યું કે માતાજીને પૂછજે કે મને સારું કયારે થશે”. પેલા યુવાનને ડોસી પર દયા આવી એટલે કહ્યું કે “હા ચોકકસ પૂછીશ”.

થોડો આગળ ગયો તો એક સુંદર સ્ત્રી મળી જેણે યુવાનને પૂછયું કે કયાં જાઓ છો ? તો એણે કહ્યું કે “ચુંવાળ”. તો એણે એની વીસ વર્ષની દીકરીને અંદરના રુમમાંથી બહાર બોલાવીને કહ્યું કે મારી આ સ્વરૂપવાન દીકરી છે પણ જન્મથી બોલી શકતી નથી તો મને એ ચિંતા છે કે આ બોલતી કયારે થશે ને એના લગ્ન કયારે થશે અને કોણ આની સાથે લગ્ન કરશે ! એટલે તમે માતાજીને પૂછજો કે “મારી દીકરી કયારે બોલી શકશે ને એના લગ્ન કયારે થશે ?? આ ભાઈને ફરીથી દયા આવીને એણે કહ્યું કે ” હા ચોકકસ પૂછીશ”.

થોડો આગળ ગયો તો એક બેહાલ હાલતમાં ફાટેલા કપડા અને કેટલાય દિવસથી નાહ્યો ના હોય એવો મેલો ને ઘેલો ભૂખથી તડપી રહેલો વ્યકિત મળ્યો જેણે આ યુવાનની પાસે જમવા માટેના માત્ર વીસ રૂપિયા માંગ્યા અને કહ્યું કે કયાં જાવ છો ભાઈ ? આ યુવાને કહ્યું કે “ચુંવાળ જાઉં છું”. ત્યારે પેલા વ્યકિતએ આ યુવાનને કહ્યું કે માતાજીને પૂછજો કે “મારી હાલત કયારે સારી થશે “? આ યુવાનને દયા આવી એટલે એણે કહ્યું કે ” હા ચોકકસ પૂછીશ”.

આ યુવાન પગપાળા ચુંવાળ બહુચરાજી પહોંચ્યો.

ચુંવાળ પહોંચીને માં બહુચરના પ્રત્યક્ષ દર્શન કરીને આ યુવકને મન ઘણો “આનંદ” થયો. હવે પેલા વિદ્વાન બ્રાહ્મણની શરત પ્રમાણે એણે માતાજીને એના જીવનના નિરાકરણ માટે, એના પ્રશ્નોના સમાધાન માટે ત્રણ પ્રશ્નો પૂછવાના હતા.

પરંતુ પોતાના ત્રણ પ્રશ્નોના સમાધાન કરતા એને પેલા રસ્તામાં મળેલા ઘરડા ડોસી,પેલી સ્વરૂપવાન સ્ત્રીની મૂંગી દીકરી તથા બેહાલ થયેલા વ્યકિતની તકલીફ વધારે લાગી તેથી તે યુવકને પોતાના ત્રણ પ્રશ્નો કરતા આ ત્રણ જણના પ્રશ્નો પૂછવા વધારે યોગ્ય લાગ્યા. આ યુવાને માથું નમાવીને સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરીને માં બહુચરને આ ત્રણે લોકોના પ્રશ્નો પૂછયા. એને મૂર્તિમાંથી જવાબ આવ્યો કે “તું અહીંયાથી પાછો જાય તો એ ત્રણેને મળતો જજે એ ત્રણેના પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હશે”.

યુવાનને મનોમન નવાઈ લાગી કે ” આટલું Fast Result ( ત્વરિત પરિણામ ). મનના એક ખૂણે એમ પણ થયું કે મેં મારા પ્રશ્નો પૂછયા હોત તો ? પણ પછી પાછું મનને સમજાવ્યું કે “માં એ સૂઝાડયું એ ખરું” ! યુવાન પાછો ગયો.

સૌથી પહેલા પેલો બેહાલ થયેલો વ્યકિત સુંદર મજાનો મસ્ત નાહેલો ધોયેલો સરસ કપડા પહેરેલો મળ્યો જેણે આ યુવાને જમવા માટે વીસ રુપિયા આપ્યા હતા. પેલા યુવાને આતુરતાથી પૂછયું કે “આમ બધુ અચાનક કેમ થયું ? ત્યારે પેલા વ્યકિતએ કહ્યું કે તું અહીંથી ગયો પછી મારો મોટો ભાઈ અમેરિકાથી મને શોધતો શોધતો આવ્યો અને મારા દુશ્મનોએ પચાવી પાડેલી મારી બધી જ મિલકત અને જમીન જાયદાદ મને પાછી અપાવી. હું પાછો સદ્ધર થઈ ગયો. ચોકકસ તે માતાજીને મારો પ્રશ્ન પૂછયો હશે તેથી માં એ મારી સામે જોયું. તને મારી શહેરમાં રહેલી વીસ વીગા જમીન આપું છું. જેના એક વીગાનો ભાવ એક કરોડ છે. એ જમીનનો તું ઉપયોગ કરીને વ્યવસાય કરજે. આ તારા મદદની બદલામાં મારી મદદ નથી પણ મારા તરફથી તને ભેટ છે. વીસ વીગા જમીનના દસ્તાવેજો ઉપર સહી કરીને આ યુવાનને આપી દીધા.

આ યુવાન થોડો આગળ ગયો ત્યાં પેલી સ્વરૂપવાન સ્ત્રી મળી જેણે હરખભેર આ યુવાનનું પોતાના ધરે સ્વાગત કર્યું. પોતાની સ્વરૂપવાન દીકરીને રુમમાંથી બહાર બોલાવીને કહ્યું કે “આ છોકરાએ ચોકકસ માતાજીને આપણો પ્રશ્ન પૂછયો હશે એટલે જ બધું સારું થયું” પેલી દીકરીએ આ યુવાનને જે જન્મથી મૂંગી હતી એણે બોલીને “Thank you” કહ્યું. યુવાન અચંબો પામ્યો કે આ બોલતી પણ થઈ ગઈ ! પેલી સ્વરૂપવાન સ્ત્રીએ કહ્યું કે “મને લાગે છે કે આ દુનિયામાં તારાથી સારો કોઈ જ છોકરો મને નહી મળે તેથી હું મારી દીકરીનો હાથ તારા હાથમાં આપું છું”.યુવાન હજી થોડો આગળ ગયો અને પેલા ડોસી જે મંદવાડના ખાટલે પડયા તા એ હેમખેમ ગાયોને ચરાવતા મળ્યા. પેલા ડોસીએ આ યુવાનને કહ્યું કે “તે ચોકકસ માતાજીને મારા સ્વાસ્થયને લગતો પ્રશ્ન પૂછયો હશે તેથી હું સારી થઈ ગઈ” તને હું આશીર્વાદ આપું છું કે ” તું સો વર્ષનો થા અને તું આજીવન તંદુરસ્ત રહે”

આમ આ ત્રણે જણાના પ્રશ્નોના સમાધાન સાથે આ યુવાનના પણ “Health,Wealth & Marriage ( સ્વાસ્થય, સંપત્તિ અને લગ્ન ) ના પ્રશ્નોના સમાધાન થઈ ગયા.આ આખી સ્ટોરી કાલ્પનિક છે જે બહુચર માતાએ મારે મન સૂઝાડી છે પણ આ સ્ટોરીની સમીક્ષા એ છે કે “તમે અન્યના પ્રશ્નોનું સમાધાન કરશો તો તમારા પ્રશ્નોનું સમાધાન એની જાતે થઈ જશે” .કુદરતે તમને જે આપ્યું છે એ જ્ઞાન, ભકિત, ધન, સ્વાસ્થય આ બધુ જ થોડામાંથી થોડું અન્યને વહેંચો. કોઈનું સારું કર્યાના આનંદની મજા કંઈક અલગ જ છે સાહેબ. પોતાની પાસે કદાચ કંઈ ના પણ હોય ને તો પણ તમારાથી થાય એટલું અન્ય માટે કરો. પોતાની લીટી ટૂંકી કરીને બીજાની લીટી લાંબી કરવામાં બુદ્વિ લગાવો પછી જુઓ ઈશ્વરને તમને આપવામાં કેવો “આનંદ” અનુભવે છે.

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page