જેમ નાણાકીય સલાહકાર ( Financial advisor ) હોય છે, જેમ શેર-સર્ટિફિકેટના સલાહકાર ( Stock Advisor ) હોય છે, જેમ ધંધાકીય સલાહકાર ( Business Advisor ) હોય છે, જેમ કાયદાનું જ્ઞાન ધરાવતા કાયદાકીય સલાહકાર ( Legal Advisor ) હોય છે તેવી જ રીતે જયોતિષનું જ્ઞાન ધરાવતા જયોતિષીય સલાહકાર ( Astro Advisor ) હોય છે.
તમે જેમ તમારા નાણાના રોકાણ ( ફાઈનાન્સના ઈન્વેસ્ટ ) માટે કે ગ્રોથ માટે ફાઈનાન્સિલ એડવાઈઝરની ફી ચૂકવી માર્ગદર્શન મેળવો છો તેમ જયોતિષનું જ્ઞાન ધરાવતા જયોતિષી પાસે તમારે વર્તમાનમાં કેવી રીતે આગળ વધવું અને ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત (Secure) કરવું તે માટેનું માર્ગદર્શન ફી ચૂકવીને મેળવવાનું હોય છે.
એક જયોતિષી તરીકે મારું નૈતિક કર્તવ્ય તે છે કે મારી પાસે આવેલા વ્યકિતનુ હું કઈ રીતે સારુ કરું ? મારો વ્યકિતગત અભિગમ તે છે કે જયોતિષે ભાગ્ય ઓછું ભાખવું જોઈએ પણ માર્ગદર્શન વધારે આપવું જોઈએ.
તમે કોઈની પણ પાસે જાઓ તમને કેટલાક રૂઢિવાદી જયોતિષો ગામ ભરની ભવિષ્યવાણીઓ ભાખી દેતા હોય છે. એક તો તમે તમારું સારું કરવા ગયા હોય ત્યાં નવું ટેન્શન લઈને ઘરે આવો છો.
ઉદાહરણ આપું તો કોઈની પાસે જશો તો કહેશે હવે આવનારા સમયમાં સાચવજો તમારી શનિની મહાદશા ચાલુ થવાની છે. એટલે પતી ગયું ! રાહુની મગજમારીમાંથી માંડ છૂટવા ગયા હોય ત્યાં શનિનું હલાડું ગાલે.
મારો વ્યક્તિગત અભિગમ એવો હોય છે કે કોઈને એની કુંડળીના દોષ કહેવા કરતા કુંડળીમાં થતા યોગ કહીએ તો તેને આગળ જીવન જીવવાની પ્રેરણા મળે. હું માનું છું કે દરેકની કુંડળીમાં કોઈકને કોઈ દોષ થતા હોય છે પણ આપણે તેને સીધા ઉપાયો કહીને એનું નિરાકરણ આપી શકીએ છે કારણકે દોષ તો આપણામાં પણ હોય છે અને આપણી કુંડળીમાં પણ થતા હોય છે.
એક બહેન બે દિવસ પહેલા મારી ફી ચૂકવીને તેમના બાબાની કુંડળી મને બતાવવા આવ્યા હતા. મેં તેમને કહ્યું કે તમારો બાબો શું કરે છે અને આગળ એનો શું પ્લાન છે ? મને બહેને એમ કીધું કે મારો બાબો અત્યારે દસમાં ધોરણમાં છે અને આગળ અગિયારમાં ધોરણમાં કોમર્સમાં મૂકીશું.એનું એટલું બધું મગજ નથી ચાલતું ભણવામાં….
મેં તે બાબાની કુંડળી જોઈ. મેં બહેનને કીધું તમારા બાબાનું ભણવામાં મગજ ના જ ચાલે ને ? એ તો એન્જિનિયર બને તેમ છે. બહેને પૂછયું કે તમે શું કહેવા માંગો છો હું સમજી નહી ? મેં કીધુ એ કારીગર છે તેને નવી નવી વસ્તુઓ બનાવવામાં અને કેવી રીતે બને તેમાં રસ છે તો પછી એને કયાંથી આ બધા ભણતરમાં રસ પડે. બેન કહે હજી હું સમજી નહી ?
મેં કહ્યું તમારા બાબાની કુંડળીમાં એન્જિનિયર બનવાના પૂર્ણ યૉગ છે. તેને આગળ ભણાવવો હોય તો દસમા ધોરણ પછી ડિપ્લોમા કરાવીને એન્જિનીયરીંગ કરાવો તેમાં જ તે આગળ વધશે. કોમર્સમાં ભણાવીને તેને બિનાકામનું બી.કોમ કરાવતા નહી અન્યથા તમારો બાબો મિકેનિકલ એન્જીનીયર બનવાને બદલે મીકેનિકના ત્યાં નોકરી કરતો હશે અથવા વધી વધીને પોતાનું ગેરેજ ખોલશે…
કોઈની કુંડળીમાં શનિ કે રાહુની દશા બતાવવાને બદલે તેને સાચી દિશા બતાવવામાં આવે તો જયોતિષશાસ્ત્ર અને જયોતિષીઓ પર પણ લોકો વિશ્વાસ કરશે.
જયોતિષવિદ્યા અમૃત સમાન વિદ્યા છે તેનું યોગ્ય મૂલ્ય હોવું જોઈએ તેવું દરેક જયોતિષે પણ સમજવું જોઈએ અને જયોતિષવિદ્યાથી માર્ગદર્શન લેવા આવનાર વ્યક્તિએ પણ…….!
હું ઈચ્છું છું કે મારો નહી પણ આ પૃથ્વી પરના તમામ જયોતિષોનો ઉત્કર્ષ થાય.દરેક જયોતિષો સારું અર્થોપાજન કરી શકે પણ એના માટે આપણે નીતિ સારી રાખવાની જરૂર હોય છે.કોઈને ઉલ્લું બનાવીને કે છેતરીને કમાયેલું ધન કયારેય કામ આવતું નથી.
જય બહુચર માં.