શ્રી બહુચર માતાના વિવિધ નામો છે જેમાં અહીં ઘણા મુખ્ય નામોના વર્ણન કરવાનો એક પ્રયત્ન કર્યો છે જે નીચે પ્રમાણે છે.
• કૌમારી
માર્કંડેય પુરાણના દુર્ગા સપ્તસતી ચંડીપાઠના અધ્યાયમાં દેવીના વિવિધ સ્વરૂપોનું અને ચરિત્રોનું વર્ણન કર્યું છે. આ સપ્તસતી ના આઠમાં અધ્યાયમાં ૧૭ માં શ્લોકમાં “કૌમારી” શક્તિનું વર્ણન કર્યું છે.
કૌમારી શક્તિહસ્તા ચ મયૂરવર વાહના,
યોદ્ધમભ્યાયયૌ દૈત્યાનમ્બિકા ગુહરુપિણી.
અર્થ – હાથમાં શક્તિ ( શસ્ત્ર ) ધારણ કરીને મયૂર ( મોર ) ઉપર સવારી કરેલી “કૌમારી શક્તિ” દૈત્યો સાથે યુદ્ધ કરવા આવી…
અહીં માર્કંડેય મુનિ એ પ્રસંગ ટાંકે છે કે ચંડ અને મુંડનો વધ કર્યા પછી દેવી શુંભની દાનવસેનાનો વધ કરવા માટે મયૂર ( મોર ) પર સવાર થઈને આવી હતી.
હજી આગળ અગિયારમાં અધ્યાયમાં ૧૫ માં શ્લોકમાં ફરીથી “કૌમારી શક્તિ” નું વર્ણન આપતા મારંકડેય મુનિ કહે છે કે
मयुरकुक्कुटवृते महाशकितधरेडनधे ।
कौमारीरुपसंस्थाने नारायणि नमोस्तुते ।।
અર્થાત્
હે મયૂર ( મોર ) અને કૂકડાથી ઘેરાયેલી, મહાન શક્તિ ( શસ્ત્ર ) ધારણ કરેલી,પાપરહિત ( પુણ્યરૂપ ), કુમારી ( બાલ્યાવસ્થામાં રહેનારી ) નારાયણી તમને નમસ્કાર છે.
તેથી મોર અને કૂકડા જેનું વાહન છે તે કૌમારી દેવી શ્રી બાળા બહુચરા છે.
• બર્હિચરા
શ્રી બહુચર માતાના “બર્હિચરા” નામના શબ્દની અંદર “બર્હિન” શબ્દ આવે છે તેનો અર્થ “કલગીવાળુ પક્ષી” ( મોર કે કૂકડો ) તેમ થાય છે.કલગીવાળા પક્ષી મોર કે કૂકડા પર બિરાજમાન “બર્હિચરા” કહેવાય છે.
• બહુચરા – બહવ:ચરા:યસ્યા અર્થાત્ જેને ઘણા સેવકો છે તે બહુચરા.
• બહુચરી – જે બહુ રાક્ષસોને ચરી જાય તે બહુચરી . ચરી જવું ( ભક્ષણ કરવું ) …
દુર્ગા સપ્તશતી ચંડીપાઠના આઠમાં અધ્યાયનો પંદરમો એક શ્લોક મળી આવે છે.
ભક્ષયન્તિ ચર રણે તદુપ્તનાન મહાસુરાન
બહુ દૈત્યોને ચપોચપ ભક્ષણ કરી રણમાં ઘૂમનારી શક્તિ તે બહુચરી કહેવાય છે. ( બહુન રાક્ષસાન્ ચરતિ-સંહરતિ )
• બર્હિચરી
બર્હિણા ચરતીતિ બર્હિચરી ..
– બર્હિણ એટલે પીંછા જેને છે તેવા પક્ષી પર ફરતી હતી ( ચરતીતિ ) ( ગમન કરવું ) તે બર્હિચરી.
સંપૂર્ણ રચના આમ થાય કે.
ચરન્તીતિ ચરા: બર્હિણ: ચરા: યસ્યા: સા બર્હિચરી
– પીંછાવાળા મોર,કૂકડો હંસ જેના વાહન છે તે બહુચરી છે.
• બાલા
જે મૂળ બાલ્યાવસ્થામાં છે.જે બાર વર્ષથી નાની છે તે નવ વર્ષની દેવી બાલા છે.
• બહુલા
તંત્ર ચૂડામણિ ગ્રંથમાં એકાવન શક્તિપીઠોના વર્ણનમાં બહુલા નામ મળી આવે છે.જેમાં બહુલાનો અર્થ જયાં સતીનો ડાબો હાથ પડયો છે તે બોરુવનમાં વાસ કરતી શક્તિ બહુચરા તેમ થાય છે.
• ત્રિપુરા
ત્રિપુરા ત્રિજગદવિધા ત્રિમૂર્તિસ્ત્રિદશેશ્વરિ”
( લલિતા -સહસ્ત્રનામ ગ્રંથ)
આ પંક્તિનો અહી એવો અર્થ થાય છે કે વિશ્વની ત્રણ પ્રધાન શક્તિ શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી, શ્રી મહાસરસ્વતી અથવા ત્રણ પ્રધાન દેવતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કરતાં પણ પરબ્રહ્મસ્વરૂપ એટલે કે સર્વસ્વરૂપ શ્રી વિશ્વેશ્વરી આદિ છે.આ જગદંબા આદિ સ્વરુપ શ્રી બાલા બહુચર “ત્રિપુરા” છે.
આ નામ શ્રી હયગ્રીવ ભગવાને ( વિષ્ણુ ભગવાન નો ચોથો અવતાર ) અહી બતાવ્યું છે.
કાલિકા પુરાણ અનુસાર “ત્રિપુરા”
જગતની જે વસ્તુઓ ત્રિવર્ગાત્મક છે જેમ કે ત્રણ લોક, ત્રણ દેવ ,ત્રણ દેવી ,ત્રણ અગ્નિ ,ત્રણ વેદ એમ ત્રણ ત્રણ વસ્તુઓનો યોગ ઘડનાર આદિ અનાદિ શક્તિ “ત્રિપુરા” છે તે આ સર્વને ઉત્પન્ન કરનારી છે.
“તત્વત્રયેણાભાદિ” સૂત્ર નો અર્થ થાય છે કે “એક જ બ્રહ્મ ત્રણ તત્વ ( આત્મતત્વ, વિધ્યાતત્વ તથા શિવતત્વ ) થી ત્રણ પ્રકારના ભેદને પામ્યું છે એટલે ત્રણે તત્વની પહેલા જે બ્રહ્મ તત્વ છે એ “ત્રિપુરા”.આ સૂત્ર નું ભાષ્ય કરીએ તો ત્રણ ગુણ ( સત્વ , રજસ્ , તથા તામસ્ ) થી પણ પૂરા એટલે “ત્રિપુરા” કહેવાય. આ સૂત્ર આદિગુરુ શંકરાચાર્યે આપ્યું છે.
“ત્રિપુરાણેવ” ગ્રંથ અનુસાર સુષુમ્ણા,પિંગલા તથા ઈંડા એ ત્રણ નાડી અને મન.બુદ્ધિ તથા ચિત એ ત્રણ નગર જેમાં પ્રાણરુપે જે વસે છે એટલે કે આત્મારુપે જે વ્યાપ્ત છે તે “ત્રિપુરા” છે.
“લઘુસ્તવ” ગ્રંથ મુજબ “જે પરબ્રહ્મની પરમા એટલે ઉત્તમ શક્તિ છે એનું નામ ત્રિપુરા છે.
• બાળા ત્રિપુરા સુંદરી
( લલિતા સહસ્ત્રનામ ગ્રંથ )
શ્રી માતા મહારાજ્ઞીએ પહેલો શ્લોક આવે છે એમાં “માતા” નો વિશાળ અર્થ કંઈક આવો છે કે ઈશ્વર્ ઈશાન શબ્દ જેમ શિવના વાચક છે તેમ જગતમાતા જગદંબા પણ ક્યાંક અંશ અવતારથી “માતા” કહેવાય છે તો તે “ત્રિપુરા સુંદરી” છે.
ત્રિપુરા સુંદરી નવ વર્ષનું બાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે બાળા ત્રિપુરા સુંદરી કહેવાય છે.
• બિરદાળી
બિરદાળી એટલે દયા કરનારી.
• કુર્કુટેશ્વરી
કુર્કુટ પર બિરાજમાન થનારી ઈશ્વરી એટલે કુર્કુટેશ્વરી.
• ત્રિપુરેશ્વરી
જે ત્રિપુર નામનું લોક છે તેની ઈશ્વરી તે ત્રિપુરેશ્વરી.
• બળધારી
બળધારી એટલે અતિ શક્તિશાળી.
• ત્રિશક્તિ
મહાલક્ષ્મી,મહાસરસ્વતી અને મહાકાલી એમ ત્રણ શક્તિઓની મૂળમાં રહેલી દેવી એટલે ત્રિશક્તિ.
• ત્રિગુણાત્મિકા
સત્વ,રજો અને તમો ગુણોથી જે પર છે તેવા ત્રિગુણાત્મિકા.
• આનંદદાયિની
આનંદદાયિની એટલે નિરંતર આનંદ આપનારી.
આવા જ બહુચર માતાના વિવિધ નામો છે જે નામોનું વર્ણન વાંચનારનું હંમેશા કલ્યાણ થાય છે.
આપ સૌ આનંદ કરતા રહો અને નિત્ય નિજ આનંદમાં રહો તેવી શ્રી બહુચર માતાને પ્રાર્થના છે.
જય બહુચર માં.