પ્રિય વાંચકો, વ્યક્તિ પોતાના કર્મથી મહાન બને છે પણ આ કર્મ કરવાની સૂઝબૂઝ કયાંથી આવે છે ? તો એ આવે છે ધર્મથી.
ના સમજયા ?
ઉદાહરણ આપીને સમજાવું તો મારી પાસે એક ભણેલો ગણેલો યુવાન આવ્યો હતો તે ઉચી ઉંચી બડાઈ મારતો હતો કે વિશાલભાઈ, હું ધર્મમાં નથી માનતો પણ કર્મમાં માનું છું. મને તમારા લોકોની જેમ મંદિરે જવું કે ભગવાન ભગવાન કરવું કે આ પૂજા પાઠ કરવું એ નથી ફાવતું. બસ આપણે તો સારા કર્મ કરીએ ને તો આપણું બધુંય સારું !
મેં એને કહ્યું કે તારી વાત સાચી કે કર્મમાં માનવું પણ પછી મેં એને પૂછયું કે કર્મનો જન્મ કયાંથી થયો ? તો એણે કીધું એ બધુ કંઈ ખબર નહી !
મેં એને કહ્યું કે કર્મનો જન્મ ધર્મમાંથી થયો છે.એણે મને પૂછયું કે કેવી રીતે ? તેથી મેં એને ઉદાહરણ આપીને સમજાવા કહ્યું કે શું તું માંસાહાર કરે છે ? I Mean નોનવેજ ખાય છે ? તેણે કહ્યું કે બિલકુલ નહી. મેં એને ફરીથી પૂછયું કે તને નોનવેજ ખાવાની કોણે ના પાડી ? એણે કીધું મમ્મીએ ! મેં કીધું જા,મમ્મીને પૂછી આવ કે નોનવેજ ખાવાની કેમ ના પાડી ? તે મમ્મીને પૂછવા ગયો તો એની મમ્મીએ તેને કહ્યું કે ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે માંસાહાર ના કરવું જોઈએ. એ છોકરાએ આવીને એની મમ્મીની કહેલી આ વાત મને કહી.
હવે મેં એને મૂળભૂત મુદો સમજાવ્યો કે દોસ્ત, કયું કર્મ સારું અને કયું કર્મ ખરાબ એ ધર્મએ આપણને શીખવ્યું નહીતર તું માંસાહાર કરવાને સારૂં જ કર્મ ગણતો ને ! પ્રિય વાંચકો, મનુષ્યના કર્મો એને મહાન બનાવે છે તે વાતમાં કોઈ સંદેહ નથી પણ મૂળભૂત પાયો ત્યાં ધર્મનો લાગેલો હોય છે.
મેં મારા જયોતિષના અભ્યાસકાળ દરમિયાન એક એવું સંશોધન કર્યું છે જે વાંચીને તમે દંગ રહી જશો.
જયોતિષશાસ્ત્રમાં શનિને કર્મનો ગ્રહ ગણ્યો છે જયાં ગુરુને ધર્મનો ગ્રહ કહ્યો છે તેથી જેની પણ કુંડળીમાં ગુરુ શનિની યુતિ,પ્રતિયુતિ કે ગુરુ શનિનો યેનકેન પ્રકારે સંબંધ થતો હોય છે તે જાતક ધર્મના શીખવેલા કર્મના સિદ્ધાંત પર ચાલે છે અને મહાન બને છે.
આખા જગતને કર્મનો સિદ્ધાંત શીખવનાર શ્રી કૃષ્ણની વૃષભ લગ્નની કુંડળીમાં ત્રીજે કર્કનો ગુરુનો અને તુલાનો શનિ તેથી શનિની દસમી દષ્ટિ ગુરુ પર છે.અહીં મેં ગુરુ શનિનો સંબંધ જોયો.
ડોઁ.બાબાસાહેબ આંબેડકરે ભારતને સંવિધાન આપ્યું અને દરેક વર્ણને સમાનતાનો દરજજો આપ્યો. તેમની મીન લગ્નની કુંડળીમાં છઠ્ઠે સિંહનો શનિ અને બારમે કુંભનો ગુરુ છે તેથી ગુરુ અને શનિની પ્રતિયુતિ થાય છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી રામ જન્મભૂમિનો ઉકેલ લાવ્યા, આતંકવાદનૉ ખાત્મો બોલાવ્યો અને બીજા ઘણાય નેક કાર્યો કર્યૉ. તેમની તુલા લગ્નની કૂંડળીમાં અગિયારમે સિંહનો શનિ અને પાંચમે કુંભનો ગુરુ છે.
માઁ કાલીના પરમ ઉપાસક શ્રી રામકૃષ્ણ પરમહંસજીએ તેમના શિષ્ય સ્વામી વિવાકાનંદને વિશ્વ ભરમાં સનાતન હિંદુ ધર્મનો પાયો નાંખવા માટે પ્રેરણા આપી અને તેમણે જગતને શીખવ્યું કે “બીજાનો ધર્મ શું કરે છે એની આપણને શું પંચાત ? આપણું લક્ષ્ય જગદંબાની પ્રાપ્તિનું હોવું જોઈએ.શ્રી પરમહંસજીની કુંભ લગ્નની કુંડળીમાં લગ્ને શનિ અને પાંચમે મિથુનનો ગુરુ છે તેથી ગુરુની નવમી દષ્ટિ શનિ પર પડે છે.
ભારતના મહાન ઉદ્યોગપતિ રતન ટાટા એકસો થી પણ વધારે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો ધરાવે છે. તેમના અનેક ઉદ્યોગોથી અઢળક કર્મચારીઓને રોજી રોટી મળે છે. આ સિવાય રતન ટાટા સાહેબ પોતાની કમાણીનો ૬૬ % નફો દાન કરી દે છે. રતન ટાટા સાહેબની ધન લગ્નની કુંડળીમાં મકરના ગુરુનું મીનના શનિ સાથે પરિવર્તન યોગ થાય છે.
દોસ્તો, ગ્રહોનો પોતાનો વર્ણ હોય છે ધારો કે ગુરુ બ્રાહ્મણ વર્ણનો છે અને શનિ શૂદ્ર વર્ણનો છે પરંતુ ગ્રહો જયારે મનુષ્યની કુંડળીમાં ફળ આપતા હોય છે ત્યારે તે મનુષ્યનો વર્ણ નથી જોતા કે મનુષ્ય બ્રાહ્મણ વર્ણનો છે કે શૂદ્ર વર્ણનો છે અર્થાત્ ગ્રહો મનુષ્યના કર્મો અનુસાર ફળ આપે છે.
પ્રિય વાંચકો, તમારી કુંડળીમાં ગુરુ-શનિનો સંબંધ થતો હોય કે ના થતો હોય તમે ધર્મએ શીખવેલા કર્મના સિદ્ધાંત પર ચાલો.તમારી કુંડળીના ગ્રહો તમને ચોક્કસ સારું ફળ આપશે.
શ્રી કૃષ્ણે કહ્યું છે કે “ફળની ચિંતા કર્યા વગર કર્મ કરતો જા”.
વર્તમાનમાં તમે પૂર્વજન્મના કયા કર્મોના કારણે પીડાઈ રહ્યા છો ? ભૂતકાળમાં જાણે અજાણે થઈ ગયેલા કર્મોનું દેવું પૂરું કેવી રીતે થાય ? આ બધા પ્રશ્નોનો જવાબ તમે નહી પણ તમારી જન્મકુંડળી આપી શકે….
જય શ્રી કૃષ્ણ.
જય બહુચર માઁ.