જાણીતા ગીતકાર મનોજ મુન્તશીરે અક્ષયકુમારની “કેસરી” મૂવીનું “તેરી મિટ્ટી” ગીત લખ્યું જેમાં તેમણે માતૃભૂમિ અને માતાના વાત્સલ્યની લાગણી વ્યકત કરી હતી. એ ગીતમાં તેમણે એક પંકિત લખી કે “તું કહેતી થી તેરા ચાંદ હું મેં ઓર ચાંદ હંમેશા રહેતા હૈ”.
આ ખરેખર સત્ય છે કે દરેક માતા માટે એનું બાળક ચંદ્ર ( ચાંદ ) જેવું હોય છે અને દરેક બાળક માટે એની માતા ચંદ્ર સમાન હોય છે.જયોતિષશાસ્ત્રમાં ચંદ્રને “માતા” કહ્યા છે. ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે લાગણીઓનો ધોધ, ચંદ્ર એટલે માતા સાથેનું જોડાણ, ચંદ્ર એટલે પ્રેમની પરિભાષા, ચંદ્ર એટલે નિસ્વાર્થ પ્રેમ. આપણા જીવનમાં આપણી માતા સાથેનું જબરદસ્ત બોન્ડિંગ ચંદ્રની દેન છે.
જયારે ગુરુ સાંદીપની ઋષિ શ્રીકૃષ્ણને વરદાન માંગવાનું કહે છે ત્યારે શ્રી કૃષ્ણ આવેલી તકને ઝડપી લઈને માં નું આયુષ્ય માંગી લે છે.શ્રી કૃષ્ણ ગુરુ સાંદીપની પાસેથી વરદાન માંગતા સંસ્કૃતમાં કહે છે કે ” માતૃ હસ્તેન ભોજનમ” અર્થાત્ “હું જીવું ને ત્યાં સુધી મને મારી માતાના હાથનું ભોજન મળે”. શ્રી કૃષ્ણની વૃષભ લગ્નની કુંડળીમાં વૃષભનો ઉચ્ચનો ચંદ્ર રોહિણી નક્ષત્રનો છે તેથી શ્રી કૃષ્ણનો માતા સાથેનો પ્રેમ અને લાગણીની કોઈ કલ્પના કરી શકાય એમ નથી.
ઘણીવાર જન્મકુંડળીમાં માતા સાથેનું અલ્પસુખ જોવા મળે કાં તો માતા સાથે વાદ વિવાદ રહ્યા કરે અથવા માતૃસુખ મળે નહી તો આ માટે જન્મકુંડળીનો ચંદ્ર દૂષિત થતો હોવાની સંભાવનાઓ જોવા મળે છે.
ચંદ્ર છઠ્ઠે શત્રુ સ્થાનમાં,આઠમે મૃત્યુસ્થાનમાં અને બારમે વ્યયસ્થાનમાં હોય અથવા તો ચંદ્ર નીચ રાશિમાં બિરાજમાન હોય કાં તો ચંદ્ર પર ક્રૂર ગ્રહોની દ્ષ્ટિ પડતી હોવાનું મારા અભ્યાસ મુજબ મેં જાણ્યું છે.આ સાથે જન્મકુંડળીનું ચોથુ સ્થાન એટલે કે માતૃસ્થાનનો સ્વામી છઠ્ઠે, આઠમે કે બારમે હોય તો પણ માતાના સુખમાં કમી રહે છે.
આપણા જીવનમાં “માતૃકૃપા” વગર આપણે કયારેય પણ પ્રગતિ કરી શકતા નથી. જીવનના કોઇ પણ ક્ષેત્રમાં સફળ થવા “માતાના આશીર્વાદ” જરૂરી છે. જન્મકુંડળીમાં રહેલા ચંદ્રને શુભ બનાવવા “કુળદેવી” અથવા “જગતજનની જગદંબા”ની ઉપાસના કરવી. ડુંગરવાળી માતાની સાથે સાથે ઉંબરાવાળી માતા ( જન્મદેનારી જનેતા ) ને ખુશ રાખવી, “ચંદ્ર”ને મસ્તકે ધારણ કરનાર મહાદેવની પૂજા કરવી તથા દર સોમવારે ચંદ્રના દર્શન કરવા.
જય બહુચર માં.