કોઈ પોતાની કારકીર્દી બનાવવામાં વારંવાર નીચે પડતું હોય તો તેને નીચ ના ગણવો જોઈએ. કોઈ પોતાના કેટલાક વર્ષો સુધી નીચ વૃત્તિના કાર્યો કરતું હોય તો તેને નીચ ના ગણવો જોઈએ. કોઈ તમારા કરતા જ્ઞાતિથી,વર્ણંથી,નાત-જાતથી કે તમારા જ્ઞાનથી નીચો હોય તો તેને પણ નીચ ના ગણવો જોઈએ કારણકે વાલ્યો લૂંટારો મહર્ષિ વાલ્મીકી બની શકે છે,એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા વોરેન બફેટ દુનિયાના સૌથી અમીર વ્યકિત બની શકે છે.
નીચભંગ રાજયોગનું કંઈક આવું છે. કોઈની કુંડળીમાં કોઈ ગ્રહ જે તે રાશિમાં નીચનો થતો હોય તેનો સ્વામી તે જ રાશિમાં ઉચ્ચનો થતો હોય તે નીચ ગ્રહનું નીચત્વ ભંગ ઉચ્ચનો ગ્રહ કરે છે ઉદાહરણ દ્વારા સમજાવું તો વોરેન બફેટની ધન લગ્નની જન્મકુંડળીમાં દસમે કન્યા રાશિનો નીચનો શુક્ર છે અને તે જ રાશિમાં ઉચ્ચનો બુધ છે તેથી નીચના શુક્રનું નીચત્વ ભંગ ઉચ્ચના બુધે કર્યું તેમ કહેવાય તેથી શુક્ર બુધનો નીચભંગ રાજયોગ થયો કહેવાય.
આ નીચભંગ રાજયોગના કારણે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યકિત તરીકે જાણીતા છે. તમને જાણીને નવાઈ લાગશે કે વોરેન બફેટ નાનપણમાં ઘરે ઘરે ન્યૂઝપેપર નાંખવા જતા હતા.આજે વોરેન બફેટ વિશ્વના સૌથી શ્રેષ્ઠ રોકાણકાર અને બિઝનેસમેન તરીકે જાણીતા છે તેથી કહી શકાય કે નીચેથી ઉપર તરફ લઈ જાય તે “નીચભંગ રાજયોગ”.
અન્ય એક સિદ્ધાંત એ પણ છે કે કોઈ રાશિમાં ગ્રહ નીચનો થતો હોય તેનો રાશિનો સ્વામી પરિવર્તનમાં હોય તો પણ નીચભંગ રાજયોગનું નિર્માણ થાય છે ઉદાહરણ તરીકે રતન ટાટાની ધન લગ્નની જન્મકુંડળીમાં બીજે મકરનો નીચનો ગુરુ છે પણ મકર રાશિનો સ્વામી શનિ ચોથે ગુરુની મીન રાશિમાં છે તેથી ગુરુ-શનિનું પરિવર્તન થયું હોવાના કારણે નીચના ગુરુનુ અહીં નીચત્વ ભંગ થયું કહેવાય છે.
વડનગરના ટી સ્ટોલથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર ખેડનાર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તુલા લગ્નની જન્મકુંડળીમાં બીજે વૃશ્વિક રાશિમાં મંગળ સ્વગૃહી અને ચંદ્ર નીચનો છે. નીચભંગ રાજયોગના અન્ય એક નિયમ મુજબ જે તે ગ્રહ જે રાશિમાં નીચનો થતો હોય તેનો સ્વામી સ્વગૃહી હોય તો નીચભંગ રાજયોગનું નિર્માણ થયું કહેવાય છે જે મોદી સાહેબની કુંડળીમાં થાય છે.
બીજા પણ ઘણા નિયમો છે જેમ કે કોઈ રાશિમાં જે તે ગ્રહ નીચનો છે તે રાશિનો સ્વામી ચંદ્ર થી કે લગ્નથી કેન્દ્રમાં હોય તો પણ નીચભંગ રાજયોગનું ફળ મળે છે. હજી આગળ એક નિયમ તે પણ છે કે જે તે ગ્રહ જે રાશિમાં નીચનો થયો છે તે ગ્રહ નવમાંશ કુંડલીમાં ઉચ્ચનો થઈ જાય છે તો તેને નીચભંગ રાજયોગ થયો કહેવાય છે.
નીચભંગ રાજયોગ વિશે મારો જયોતિષીય અનુભવ એમ કહે છે કે જેની કુંડળીમાં નીચભંગ રાજયોગ થતો હોય તે પ્રતિષ્ઠિત,કીર્તિમાન,ઉર્જાવાન,જીવનમાં નીચેથી ઉપર વધનારો,સફળતાના શિખર સર કરનારો,હ્દયથી ધનવાન,લક્ષ્મીથી ઐશ્વર્યવાન,વિદ્વાન,રાજા સમાન સુખ પ્રાપ્ત કરનારો થાય છે.નીચભંગ રાજયોગ જેની પણ કુંડળીમાં હોય તેને પૈસો અને પ્રસિદ્ધિ મળે છે.
જન્મતાંની સાથે born with golden spoon ધરાવતા ગ્રહયોગો ઉચ્ચના ગ્રહોમાં હોય છે પણ નીચના થતા ગ્રહોમાં અને એમાં પણ જો નીચના ગ્રહનું નીચત્વ ભંગ થતું હોય તો તે સ્વપરાક્રમે ઉચ્ચ સિંહાસન પ્રાપ્ત કરે છે. નાના માણસથી મોટી હસ્તી બનનારા વ્યક્તિઓની કુંડળીમાં મોટા ભાગે નીચભંગ રાજયોગ જોવા મળે છે તે મારો જાત અનુભવ છે.
નીચભંગ રાજયોગનું ફળ કયારે મળે ? જીવનના કયા વર્ષ પછી આ નીચભંગ રાજયોગનું ફળ મળવાની શરૂઆત થાય ? આ રાજયોગનું સર્વશ્રેષ્ઠ ફળ કંઈ ઉંમરે મળે ? ઘણા ખરા કિસ્સામાં નીચભંગ રાજયોગનું ફળ નથી પણ મળતું તેના અગત્યના કારણો શું ? એનું સમાધાન શું ? ઉપાયો શું ? આ વિષે વિસ્તૃત ચર્ચા પછી કયારેક કરીશું.
“કોઈ અપને વર્ણ સે યા જ્ઞાન સે નીચ નહી હોતા”
ઉસકે અચ્છે કર્મ ઉસકો ઉંચા બનાતા હૈ “
જય બહુચર માં.