ગત લેખમાં દર્શાવ્યા પ્રમાણે જેમ શનિની સાડાસાતી હોય છે તેમ રાહુની સાડાચારી હોય છે પણ શું કેતુની સાડાચારી હોય છે ?
આ પ્રશ્નના જવાબ આપવાના અનુસંધાનમાં વર્ણવીશ કે ના કેતુની સાડાચારી હોતી નથી. જયારે ગોચરમાં રાહુ જે રાશિમાં આવે છે ત્યારે એની બરોબર સામે કેતુ તેનાથી સાતમી રાશિમાં આવે છે. ઉદાહરણ આપીને સમજાવું તો વર્તમાનમાં ગોચરનો રાહુ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે એની બરોબર સામે કન્યા રાશિમાં ગોચરનો કેતુ ભ્રમણ કરી રહ્યો છે.
જયારે કેતુ કોઈ રાશિમાં ભ્રમણ કરતો હોય છે ત્યારે તે રાશિવાળા જાતકોનું સ્થળાંતર થતું જોવા મળે છે.જન્મના ચંદ્ર પર કેતુના ગોચર ભ્રમણથી નોકરી ધંધામાં સ્થળાંતર આવે છે અથવા ઘરમાં રિનોવેશન થાય છે અથવા ઘરનું સ્થળાંતર પણ થાય છે અથવા જાતકને વિદેશ પણ જવાનું થાય છે.
આ સિવાય પણ જન્મના ચંદ્ર પર ગોચરનો કેતુ હંમેશા અસંતોષની ભાવના મહેસૂસ કરાવતો જોવા મળે છે તથા નાની નાની બાબતોમાં મન અસ્થિર થઈ જવાનો અનુભવ પણ કરાવતો જોવા મળે છે.
જન્મના ચંદ્ર પર ગોચરના કેતુના પરિભ્રમણ દરમિયાન ભૂતકાળની સારી ખોટી ઘટનાઓ યાદ આવતી હોય છે તથા મનની અંદર કારણ વગરનો સંતાપ રહે છે.
પ્રિય વાંચકો, અહીં ગોચરના કેતુની વાત પર પૂર્ણવિરામ મૂકીએ અને સરળ શબ્દોમાં સમજાવું તો રાહુ કેતુ છાયા ગ્રહો છે. આ બંને ગ્રહોની તમારી જન્મકુંડળીમાં કેવી સ્થિતિ છે તે સ્થિતિ પર તમારી પરિસ્થિતિ નક્કી થતી હોય છે.રાહુ કેતુ હંમેશા Out of Box જઈને કામ કરવાનું પસંદ કરે છે.
રાહુને ધર્મ, સંસ્કારો, રીતીરીવાજોથી, પ્રાચીન માન્યતાઓથી વિરુદ્ધ જઈને અથવા કંઈક હટકે કામ કરવું છે તો કેતુને વિચાર્યા વગર જે સૂઝયું તે કરવું છે. રાહુ ફુલ સ્પીડે ગાડી હાંકે છે તો કેતુની ગાડીમાં બ્રેક નથી.
આ બંને ગ્રહો તમારી જન્મકુંડળીમાં કયા સ્થાનમાં, કોની રાશિમાં બિરાજમાન છે તેના પરથી તેનું પરિણામ નક્કી થાય છે. આ સિવાય ગોચરના રાહુ કેતુ તમારી મૂળ કુંડળીના કયા ખાનામાં અને કયા ગ્રહો પર પરિભ્રમણ કરી રહ્યા છે તેના પરથી યોગ્ય પરામર્શ આપી શકાય છે.
જય બહુચર માઁ.