જયોતિષશાસ્ત્રમાં મે સંશોધન કરેલી અસંખ્ય જન્મકુંડળીઓના પરામર્શ પછી અમે તે સમીક્ષા પર પહોંચ્યા છે કે જન્મકુંડળીમાં સંતાન બાબતે એકલી સ્ત્રીની કુંડળી જવાબદાર નથી હોતી.ઘણીવાર પુરુષની કુંડળી પણ જવાબદાર હોય છે.
મારા અભ્યાસમાં ઘણી એવી સ્ત્રીની કુંડળીઓ આવે છે કે જયાં સ્ત્રીના બધા રિપોર્ટ નોર્મલ હોય છે. તે સ્ત્રીની કુંડળીમાં સંતાનનો કારક ગ્રહ ગુરુ પણ સારો હોય છે. સંતાન માટે જોવામાં આવતું પાંચમું સ્થાન અને પાંચમા સ્થાનનો અધિપતિ ગ્રહ પણ સારી પરિસ્થિતિમાં હોય છે છતાં તે સ્ત્રી સંતાનસુખ માટે તડપતી હોય છે.
આવા કિસ્સામાં અમે તે સ્ત્રીની કુંડળીના અભ્યાસ કર્યા બાદ તેના પતિની કુંડળી જોવા માંગતા હોઈએ છે જયાં ડોકટરી રિપોર્ટમાં તેના પતિના પણ બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા હોય છે પણ તે પુરુષની જન્મકુંડળીમાં પાંચમાં સ્થાનમાં શનિ, રાહુ, કેતુ જેવા ક્રૂર ગ્રહો બિરાજમાન હોય છે અથવા જન્મકુંડળીનો પંચમેશ નીચનો, અસ્તનો કે વક્રી થતો જોવા મળતો હોય છે.
નવેમ્બર ૨૦૧૮ માં મારી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ સથવારાએ મને મળીને કહ્યું કે વિશાલભાઈ, હું તમારા રોજ આર્ટિકલ વાંચું છું અને મારા ફેસબુક આઈડી પર પોસ્ટ કરું છું. આજે તમને મારે કંઈક અંગત વાત કહેવી છે.
પ્રદીપભાઈએ તેમની વ્યથા જણાવતા કહ્યું કે તેમણે લગ્નના ત્રણેક વર્ષ પછી સંતાન માટે પ્લાનિંગ કર્યું પણ ત્રણ વર્ષ પછી એકાદ વર્ષ નીકળી જતા પણ સંતાન સુખથી વંચિત રહ્યા અને અત્યારે લગ્નજીવનને દસ વર્ષ પણ થઈ ગયા છે અને હજુય સંતાન સુખથી અમે વંચિત છીએ.
પ્રદીપભાઈએ આગળ કહ્યું કે તેમણે ડોકટરને કન્સલ્ટ કર્યા. બંનેના રિપોર્ટમાં પણ બધુ નોર્મલ છતાં પણ સંતાન થાય નહી.
એક પછી એક એમ આશરે ચાર પાંચ ડોકટરની દવાઓ બદલી. આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથી એમ જે દવાઓ આવે એ લીધી છતાં પણ કંઈ જ ફરક નહી.
માણસ દવાખાનાથી થાકે પછી એ જયોતિષીઓ, સંત મહાત્મા, ભૂવાજી, બાપુ એમ કોઈ સિદ્ધપુરુષ પાસે જતો થઈ જાય છે. પ્રદીપભાઈએ પણ કંઈક આમ કર્યું. તેમને મન એમ કે ઈશ્વરના દોષમાં આવ્યા હોઈએ કે ઈશ્વરનું કંઈક કર્મ કરવાનું હોય તો એ કરીને પણ જે બાબતનું સુખ નથી એ બાબતનું સુખ મેળવે.
પ્રદીપભાઈની સમગ્ર વ્યથા સાંભળીને મેં તેમને તેમની જન્મકુંડળી બાબતે મને કન્સલ્ટ કરવા કહ્યું. તેમણે મારી ફી ચૂકવીને કન્સલટેશન લીધું. તેમની પત્નીની કુંડળીમાં સંતાનનો કારક ગ્રહ ગુરુ સારો, પાંચમો ભાવ સારો અને પંચમેશ સારો તેથી તેમની પત્નીની કુંડળીમાં સંતાનને લગતા કોઈ જ દોષો કે વિધ્નો નહોતા.
ત્યારબાદ મેં પ્રદીપભાઈની કુંડળી જોવા માંગી. પ્રદીપભાઈની કુંડળીમાં સંતાન ભાવ રાહુથી દૂષિત થતો હતો અને પંચમેશ પણ પાપ ગ્રહો સાથે બિરાજમાન હતો.
મેં પ્રદીપભાઈને કહ્યું કે તમે અને તમારા પત્ની રોજ સવારે શિવાલય મહાદેવજીને જળ ચડાવવા જાઓ તો “રાહુનો દોષ” દૂર થશે અને “શિવશકિત” ઈચ્છશે તો સંતાનનું સુખ જરૂર આપશે.
પ્રદીપભાઈને આમ કહ્યા પછી મને બે મહિનામાં બે ત્રણ વાર મળ્યા. તેઓ જયારે મળે ત્યારે હું પૂછતો કે તમે મહાદેવ જવાનું ચાલું કર્યુ કે નહી એટલે તેઓ પણ સાચું બોલતા કે ના, મારાથી નથી જવાતું. સવારે નોકરીનો સમય હોય છે ને ઉતાવળ થઈ જાય છે તેથી મહાદેવ જવાનો મેળ પડતો નથી. તે છતાંય મેં ક્હ્યું આપ થોડા વહેલા ઉઠીને સમયનું મેનેજમેન્ટ કરો અને આપ પત્ની સાથે સજોડે મહાદેવ જાઓ.
બધી જ જગ્યાએથી મળેલી નિરાશાથી કંટાળી ગયેલા પ્રદીપભાઈએ આખરે મારી વાત માની. તેમણે તેમની પત્ની સાથે મહાદેવ જવાની શરૂઆત કરી. તેઓ મહાદેવ “સજોડે” જઈને મહાદેવજીને “જળ” ચડાવે, શિવા (પાર્વતી) સહિત શિવને નમસ્કાર કરે.
ઈશ્વરને આપવું જ હોય પછી કોઈની તાકાત નથી કે એને તમારા નસીબમાંથી છીનવી શકે એમ પ્રદીપભાઈના પત્નીને એપ્રિલ ૨૦૧૯ ના અંતમાં સારા દિવસ રહ્યા.
પ્રદીપભાઈના ઘરે તા- ૨,૦૨,૨૦૨૦ ના રવિવાર મહા સુદ નવરાત્રીની આઠમના સમય સવારે ૯:૪૧ વાગે ટવીન્સ (જોડિયા બાળક) નો જન્મ થયો જેમાં એક બાબો (શિવ) અને એક બેબી (શકિત) છે.
આ બાળકોના નામ પણ મેં જ શાસ્ત્રમાંથી શોધી આપ્યા. તેમણે મારા કહેવાથી બાબાનું નામ ઓમ રાખ્યું છે અને બેબીનું નામ આર્યા (પાર્વતી ) રાખ્યું છે.
કહેવાય છે ને કે Miracles Happens Everyday (ચમત્કાર રોજ થાય છે) અને આ ચમત્કાર સ્વયં ઈશ્વર કરે છે.
ઈશ્વર કોણ છે ખબર છે ? “શિવશકિત” જે સ્વયં પરમાત્મા છે જે આદિ અનાદિ છે એમના જન્મ મૃત્યુનો કોઈ ઉલ્લેખ નથી.
મિત્રો, આ બધું ઈશ્વરે કર્યું અને મને ઈશ્વરે નિમિત્ત બનાવ્યો તેથી આમાં મારો “હું” કયાંય આવતો નથી કારણકે પરમાત્માની કૃપા વગર મારાથી પાંદડું ય હલી શકે એમ નથી.
જય બહુચર માં.