તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ તમે ભૌતિક સુખ-સુવિધા ભોગવી ના શકો તો કરવાનું શું ? સારું ચટાકેદાર મસાલેદાર તીખુ કે ગળ્યું જમી ના શકો તો કરવાનું શું ? સુખ-સુવિધાની ચીજ વસ્તુઓ જેમ કે ટીવી-મોબાઈલ-ફ્રીજ વગેરેનું સુખ પામી ના શકો તો કરવાનું શું ? સુખ સમૃદ્ધિના બધા જ ઉપકરણો હોય ( ઈન્ટીરીયર કરેલું હોય ) તેવા ઘરમાં ના રહી શકો તો કરવાનું શું ? તમારી પાસે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ના હોય તો કરવાનું શું ? આ બધુ જ છે છતાં એક ઉત્તમ સ્ત્રીનું સુખ ના ભોગવી શકો તો કરવાનું શું ?
જન્મકુંડળીમાં શુક્રની મહેરબાની હોય તો જ વ્યકિત આ તમામ સુખ-સુવિધા પામી શકે છે નહીતર આજીવન સુખ મેળવવાની તડપમાં દુ:ખી રહેતો હોય છે.
શુક્ર આનંદ ( Happiness ) નો કારક છે. એક વ્યકિતને આનંદ ત્યારે મળે છે જયારે તે ભૌતિક સુખ-સુવિધાઓનો આનંદ પ્રાપ્ત કરી શકતો હોય.પોતાને ગમતો આહાર જમી શકતો હોય. મનગમતા બ્રાન્ડેડ કપડા પહેરી શકતો હોય.બે પૈડાવાળા ( ટુ વ્હીલર ) કે ચાર પૈડાવાળા રથમાં ફરી શક્તો હોય ( ફોર વ્હીલરમાં ).હરવા-ફરવા જઈ શકતો હોય. થિયેટર કે નાટકમાં જઈને મનોરંજન માણી શકતો હોય. મનગમતા ગીત-સંગીતની મોજ કરી શકતો હોય. હંમેશા હસતો હોય અને અન્યને હસાવતો રહેતો હોય. સ્ત્રીઓનો પાકો ભાઈબંધ બની શકતો હોય પ્રેમિકાને પત્ની બનાવી શકતો હોય અથવા પત્નીને જ પ્રેમિકા બનાવી પ્રેમ કરી શકતો હોય…
જો કોઈ વ્યકિતના જીવનમાં આવા તમામ પ્રકારના સુખ છે તો સમજી લો કે તેના જીવન પર શુક્રદેવની કૃપા ને કૃપા જ છે…
આવા વ્યકિતને જો ઈશ્વરની કૃપાથી બધુ જ પ્રાપ્ત થઈ ગયું હોય તેણે ઈશ્વરને ભૂલવા ના જોઈએ. આ બધુ જ સુખ સંયમમાં ભોગવવું જોઈએ તથા આ સુખ કાયમ રહે તે માટે ઈશ્વરના ચરણોમાં રહીને ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ.
ઘણાના જીવનમાં ઉપર લખેલી બાબતોમાંથી કંઈકને કંઈ સુખ-સુવિધાની કમી હોય છે અથવા પત્ની કે પ્રેમિકાનું સુખ સારું નથી મળતું હોતું. ઘણાના તો હજી મેરેજ પણ નહી થયા હોય. આ બધાએ શુક્રની કૃપા દષ્ટિ પ્રાપ્ત કરવા માટે શુક્રવારના દિવસે લાલ આસન પર બેસીને શ્રી મહાલક્ષ્મીજીનો દીવો પ્રગટાવીને શ્રી સૂકતમનો પાઠ કરવો જોઈએ. મહાલક્ષ્મી અષ્ટકમનો ત્રણ વખત પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.
કેટલાક ધૂરંધરો KGF ની જેમ દાઢી વધારીને બાવાની જેમ ફરતા હોય છે. લગર વગર કપડા અને બે ત્રણ દિવસે માંડ ન્હાતા હોય છે. આવા લોકોએ એમના મમ્મી પપ્પાની અંતરની ઈચ્છા પૂરી કરવી હોય કે અમારો છોકરો પરણે એમ તો આ લોકોએ એકદમ કલીન સેવ અથવા દાઢી પણ રાખવી હોય તો આછી સેવ રાખીને દરરોજ નાહીને સારા કપડા પહેરીને પરફયુમ લગાવીને ફરવું જોઈએ. તમે સુંદર અને સ્વસ્થ દેખાતા હશો તો જ બ્રહ્માંડમાંથી શૂક્રની નજર તમારી પર પડશે અન્યથા તમારે સ્પેસ લઈને શુક્રને શોધવા માટે બ્રહ્માંડમાં જવું પડશે. (Part of Joke )…
શુક્રની કૃપા મેળવવા માટે હંમેશા આનંદમાં રહેવું જોઈએ. બીજાના આનંદને જોઈને આપણે પણ આનંદ કરવો જોઈએ.
કજિયા-કંકાસ કરનાર, બીજાના આનંદને ઠેસ પહોંચાડનાર, પોતાની નકારાત્મકાના કારણે બીજાના આનંદને હણનાર કકળાટિયાથી શુક્ર મોઢું ફેરવી લે છે
જે વ્યકિતની પાસે સઘળા સુખો હોવા છતાં દુ:ખી રહેતો હોય તેણે પોતાના દુ:ખોના પોટલા લઈને આનંદિત માણસને હેરાન કરવો નહી. અન્યથા તમારી પાસે સુખ પણ રહેશે નહી.શુક્રદેવ ત્યાંથી બિસ્ત્રા પોટલા બાંધીને પલાયન થઈ જશે.
તમારી પાસે મારૂતિ ફ્ન્ટી હોય અને તમારા મિત્ર પાસે મર્સડિઝ હોય છતાંય તમે તમારી મારૂતિ ફન્ટીમાં પણ આનંદમાં રહો છો તે તે જ સાચું સુખ છે. તે જ માણસ પર શુક્રના ચાર હાથ રહે છે ને આગળ જતાં તેને પણ શુક્ર મર્સડિઝ આપે છે.
એટલે કહેવાનો મતલબ એટલો જ કે જો થશે શુક્રની મહેરબાની તો આનંદની પ્રાપ્તિ થવાની….
આજ શુક્રવારે સર્વને દુનિયાનું તમામ સુખ મળે એવી મારી શ્રી મહાલક્ષ્મીજીને પ્રાર્થના છે. તમને સુખ મળી જાય એટલે મહાલક્ષ્મીજીને ભૂલવાનું નહી હોં.
જય બહુચર માં.