આજથી ચાર વર્ષ પહેલાની વાત છે.મારો એક ખાસ મિત્ર મહિને બાર હજાર રૂપિયા પગારમાં નોકરી કરતો હતો.હવે એના સમાજમાં કેવું કે છોકરાનો પગાર ના જોવે I Mean મહિને કેટલું કમાય છે અને ઘરવાળા પૈસાવાળા છે કે નહી એ બધુ ના જુએ પણ છોકરો સદગુણોવાળો છે કે નહી એ જોવે. એમ કરતા એને એક સારી છોકરી મળી જેણે મારા ભાઈબંધનું ભોળપણ અને સદગુણો જોયા. બંનેના લગ્ન થયા. આજે મારો એ મિત્ર મહિને ત્રીસ પાંત્રીસ હજાર તો કમાય છે.આ વાતને અહીંયા વિરામ આપું છું અને જે રહસ્ય ( સસ્પેન્સ ) છે એ ચોથા ફકરામાં વાંચજો.
જયોતિષશાસ્ત્રમાં જયારે એક ગ્રહની સાથે બીજો ગ્રહ જોડાય એટલે કે બે ગ્રહોનું મિલન થાય ત્યારે શુભયોગ બને છે જેમ કે મંગળ+ચંદ્રનો લક્ષ્મીયોગ, ગુરુ+ચંદ્રનો ગજકેસરી યોગ, શુક્ર+બુધનો લક્ષ્મીનારાયણ યોગ, સૂર્ય+બુધનો બુધાદિત્યયોગ, ચંદ્ર+શુક્રનો સમૃદ્ધિયોગ, સૂર્ય+ગુરુનો જીવાત્માયોગ,ગુરુ+શનિનો આધ્યાત્મિક યોગ, સૂર્ય+ચંદ્રનો અમાસયોગ, સૂર્ય+મંગળનો અંગારક યોગ, શનિ+ચંદ્રનો વિષયોગ વગેરે વગેરે. છેલ્લા બે યોગોના કેટલાક નકારાત્મક પરિબળો પણ છે પરંતુ આ યોગોમાં હકારાત્મકતા પણ શોધી શકાય છે. ઘણીવાર બે ગ્રહોની યુતિથી કેટલાક અશુભ યોગો પણ થાય છે જેની ચર્ચા આપણે પછી કયારેક કરીશૂં.
આમ ઉપર લખેલા યોગો બે શુભ ગ્રહોની યુતિથી જન્મકુંડળીના કોઈ પણ સ્થાનમાં થાય એ ભાવને લગતું અત્યંત સુખ મળે છે. હા અમુકવાર આ યોગ નિષ્ફળ એટલે જાય છે કે તે રાહુ-કેતુ ની પકડમાં હોય અથવા જે તે ગ્રહ રાહુ કેતુ ના નક્ષત્રમાં હોય અથવા નીચ રાશીમાં બેઠા હોય કે અસ્તના થતા હોય તો આ યોગનું ફળ મળતું નથી. કોઈ કુંડળીમાં બંને ગ્રહો સામસામા હોય એટલે કે પ્રતિયુતિ થતી હોય તો આંશિક યોગ ગણાય છે.
અહીં કહેવાનો અર્થ એમ છે કે જયારે એક ગ્રહની સાથે બીજો ગ્રહ જોડાય છે ત્યારે શુભત્વનું નિર્માણ થાય છે તેવી જ રીતે આપણી સાથે કોઈ બીજી વ્યકિત એનર્જી ( શકિત ) રૂપે જોડાય છે તો આપણા જીવનમાં પણ બધુ શુભ થવા માંડે છે. આ બીજી એનર્જી પત્ની રૂપે, ગુરુ રુપે,મિત્ર રૂપે કે આપણા કોઈ ચાહક સ્વરૂપે આપણી સાથે જોડાય ત્યારે આપણું તો સારું થાય છે જોડે જોડે એનું પણ સારું થાય છે કારણકે બંને એકબીજાને આગળ વધારવા જ એકબીજાની સાથે જોડાયા હોય છે.
આ વાત પરથી જો તમે પહેલા ફકરામાં લખેલી મારા મિત્રની વાત સમજી ગયા હોય તો તમે પણ તમારા જીવનમાં કોઈ બીજી વ્યકિતની એનર્જી સાથે જોડાઓ જે તમારું પીઠબળ બને, તમારો સાથ બને, સંગાથ બને, હંમેશા તમને પ્રેરણા આપે, તમારું સારું કેમ થાય એ બાબતે તમને માર્ગદર્શન આપે. આવી વ્યકિત તમારામાં ભરપૂર એનર્જી ભરીને તમને પ્રગતિના પંથે લઈ જશે. તમારામાં સારું શોધીને તમને પ્રેરણા આપે એવો તમારો મિત્ર, પત્ની, ભાગીદાર, ચાહક,ગુરુ કે માર્ગદર્શક હોવો જોઈએ.
મેં તમને બે ગ્રહોનું કે બે વ્યકિતનું મિલન તો સમજાયું પણ પણ ત્રણ ગ્રહો, ચાર ગ્રહો કે પાંચ ગ્રહોનું મિલન સમજાવું તો મને એક શાયરી યાદ આવે છે કે….
હમ તો અકેલે હી ચલે થૈ અપની મંઝિલ કી તલાશ મે,
લોગ સાથ આતે ગયે ઓર કારવાં બનતા ગયા…..
( અર્થ– ઘણા લોકો ઘણી બધી એનર્જી સાથે જોડાઈને ઈતિહાસ રચે છે. )
તમને આર્ટિકલ વાંચતા કંઈક રસ્તો મળ્યો હોય તો બીજા પાંચને વંચાવીને એમને પણ રસ્તો બતાવજો. આપણે લોકોનું સારું થાય એ માટેની એક ચેઈન બનાવવાની છે.
હંમેશા ખુશ રહો.
જય બહુચર માં.