જો તમને કોઈ મોટા પેટવાળો અથવા મોટી ફાંદવાળો, ખાવાપીવાનો શોખીન, સલાહકાર, વિદ્વાન, ધાર્મિક, પુણ્યશાળી, જ્ઞાની, અન્યને મદદ કરનારો, જયોતિષશાસ્ત્રમાં રુચિ ધરાવનાર, શિક્ષક, સલાહકાર, ડહાપણથી ભરેલો, સ્થિર વિચારધારાવાળો સંતોષી અને સુખી વ્યકિત જોવા મળે તો સમજવું એ વ્યકિત ગુરુપ્રધાન લાક્ષણિકતાઓ ધરાવે છે એટલે કે એનો ગુરુ Powerful છે.
ગુરુ ધન અને મીન રાશિમાં સ્વગૃહી બને છે તથા કર્ક રાશિમાં ઉચ્ચનો અને મકર રાશિમાં નીચનો બને છે. પીળો રંગ ગુરુને પ્રિય છે. વાસ્તુમાં પૂર્વ દિશાનું આધિપત્ય ગુરુ કરે છે. મહર્ષિ અંગિરાનો પુત્ર ગુરુનો વર્ણ બ્રાહ્મણ છે. ગ્રહમંડળમાં શુક્ર અને બુધ સિવાય બધા જ ગુરુના મિત્રો છે.
ગુરુ રાહુની સાથે હોય તો ચાંડાલ યોગ બને છે એટલે જયારે ધર્મ ( ગુરુ ) ની સાથે દંભ ( રાહુ ) ભળે તો ધર્મના નામે દંભ કરીને આખા ગામનો “પાખંડી ગુરુ” બનીને જનતાને છેતરે છે. ધર્મના નામે ધંધો કરનારા મોટા મોટા દંભીઓની કુંડળીમાં આ યોગ જોવા મળતો હોય છે પણ જો તમારામાંથી કોઈની કુંડળીમાં આ યોગ બનતો હોય એ સ્થાન નિર્બળ કે દૂષિત બને છે.ખાસ નોંધ લેવી કે ઉપરની વાત બધાને લાગુ પડતી નથી.
છોકરીની કુંડળીમાં લગ્ન માટે “ગુરુ”ને જોવામાં આવે છે. જો કોઇ છોકરીના લગ્ન ના થતા હોય તો એણે ગુરુને લગતું પીળી વસ્તુનું દાન કરવું, ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા, ગુરુવારે કોઈ પણ દેવના મંદિરે જવું અને પાણીમાં થોડી હળદર નાખીને માથુ પલાડયા વગર સ્નાન કરવું.
ગુરુ ખૂબ જ શુભ ગ્રહ છે પણ ભૃગુ ઋષિના નિયમ મુજબ “ગુરુ સ્થાનં કરોતિ હાનિ” એટલે કે ગુરુ જયાં બેસે એ ઘર બગાડે પણ જયાં દ્ષ્ટિ કરે તે ઘરને લગતા શુભ ફળ આપે પરંતુ ગુરુ હંમેશા શુભ ફળ આપે એ માટે આપણે શું કરવું જોઈએ ?
ગુરુને શુભ ગ્રહ કરવા માટે દંભ વગરનો ધર્મ કરવો , ખુબ જ દાન તથા પુણ્ય કરવું, અન્યની મદદ કરવી, કોઈ ગરીબને વિદ્યા ( શિક્ષા ) નું દાન કરવું, ગુરુવારે બ્રાહ્મણોને આપણા ઘરે આમંત્રિત કરીને જમાડવા અને દક્ષિણા આપવી, બ્રાહ્મણોનું આદર સન્માન કરવું, ગુરુવારે વિષ્ણુ ભગવાન, શ્રી કૃષ્ણ, સાંઈબાબા, દતાત્રેય ભગવાન, જલારામ બાપા, રામદેવપીર, ઘંટાકર્ણવીર, મણિભદ્રવીર વગેરેમાંથી કોઈ પણ દેવના મંદિરે દર્શન કરવા જવું, ગુરુવારે ચણાની દાળ ખાવી તથા ગુરુ ગાદીએ વંદન કરવા જવું. આ તમામ બાબતોના અનુકરણથી ગુરુ તમને જ્ઞાની બનાવશે અને તમે જ્ઞાનનો ભંડાર બનાવશે.
પેલો શ્લોક આવડે છે ને !!
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા…….
તો ચલો હવે મનમાં આખો શ્લોક બોલીને પૂરો કરો જો.
જય ગુરુદેવ.
જય બહુચર માં.