તમે જન્મયા ત્યારથી તમને તારે તેવા ગ્રહો તમારી જન્મકુંડળીમાં લઈને આવ્યા છે પણ તમારા જીવનમાં તમને અસફળતાઓ, દુ:ખ અને અતિશય ફટકારો પડે તે માટે મારક ગ્રહો પણ સાથે સાથે કુંડળીમાં તમે લઈને આવ્યા છો જે મારક ગ્રહોનું કાર્ય તમને મારવાનું છે, તારવાનું નથી.
જન્મકુંડળીમાં બીજુ અને સાતમું સ્થાન મારક સ્થાન કહેવાય છે. આ સ્થાનના સ્વામી ગ્રહોને મારકેશ કહેવાય છે પરંતુ આમાં સાતમું સ્થાન અને સાતમા સ્થાનનો સ્વામી પ્રબળ મારકેશ કહેવાય છે. બીજા અને ત્રીજા સ્થાન અને એના સ્વામી માટે એવું કહેવાય છે કે જો બીજા અને ત્રીજા સ્થાનનો માલિક લગ્નેશનો મિત્ર થતો હોય તો તેને મારક ગણવો નહી. બીજો એક સિદ્ધાંત એ છે કે “દ્વિમારકં ન મારકંમ” અર્થાત્ બે સ્થાનનો સ્વામી મારક થતો હોય તો તેને મારક ગણવો નહી તેની બદલે ત્રીજાનો અધિપતિ ગણવો.
ઘણાય લોકો બનાવટી જયોતિષની વાતોમાં આવીને મારકેશ ગ્રહોને ધારણ કરી લેતા હોય છે. ત્યારબાદ તે જાતકો બિચારા તરવાની બદલે મરતા હોય છે.
મારા પાસે વર્ષ ૨૦૧૯ માં પરણેલી નવવધૂ તેની કુંડળી બતાવવા આવી હતી. તેને લગ્નના છ મહિનામાં જ ગર્ભ રહ્યો હતો. ગર્ભ રહ્યાના આઠ મહિના થયા હતા. નવ મહિના થવાને અને બાળક જન્મવાને એક મહિનાની જ વાર હતી અને તેનો ગર્ભ આઠમાં મહિને પડી ગયો હતો.
આ બેન પોતાની સાથે બનેલી આ વ્યથા કહેતા કહેતા મારી આગળ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. મને પણ આ વાત જાણીને ઘણું દુ:ખ થયું. મેં તે બેનની કુંડળી જોઈ. બેનની વૃષભ લગ્નની કુંડળીમાં સંતાન સ્થાનનો સ્વામી બુધ સાતમા મારક સ્થાનમાં બિરાજમાન હતો. સપ્તમેશ મંગળ જે પ્રબળ મારકેશ થઈને ત્રીજે કર્કમાં નીચનો થતો હતો.
વાંચકો, આટલું કંઈ ઓછું નહોતું પણ એક બનાવટી જયોતિષે તે બેનને મારકેશ “મંગળ” પહેરાવી દીધો હતો. આથી બેનનો ગર્ભ પડી ગયો. મેં બેનને તાત્કાલિક મંગળ કઢાવી દીધો અને ચોક્કસથી કહ્યું કે “જે થયું તે ભૂલવાની કોશિશ કરો, તમને ફરીથી ગર્ભ રહેશે અને સરસ તાજુ માજુ સંતાન આવશે”.
વાંચકો, હું પ્રખર જયોતિષી નથી. હું વિદ્વાન પણ નથી. હું તો રોજ જયોતિષ શીખું છું. રિસર્ચ કરું છું. આ વિષયને જીવનના અંત સુધી શીખવા માંગું છું તેથી મારા અનુભવના આધારે મારી પાસે આવેલાઓનું હું ખોટું તો ના જ થવા દઉં એમ મારો વ્યક્તિગત અભિગમ રહ્યો છે.
પ્રિય વાંચકો, કર્ક અને સિંહ લગ્નની કુંડળીમાં શનિ મારકેશ થયો. મેં કર્ક અને સિંહ લગ્નની કુંડળીવાળાને જીવનના ૩૬ વર્ષ સુધી એવા મરતા જોયા છે કે વાત ના પૂછો. શનિ આ લગ્નવાળા લોકોને રોજ મારે છે. રોજ ઝેરના ઘૂંટડા પીવડાવે છે.
એક ભાઈ બે દિવસ પહેલા મારી પાસે કુંડળી બતાવવા આવ્યા હતા. તેમની મિથુન લગ્નની કુંડળીમાં સાતમા સ્થાનનો સ્વામી ગુરુ મારકેશ થયો. આ ભાઈએ છેલ્લા દસ વર્ષથી મારકેશ ગુરુ પહેર્યો હતો. આ ભાઈ આળસુ બની ગયા છે. સંતોષી બની ગયા છે.જે છે તેમાં ખુશ છું. હવે આગળ કંઈ નવું કરવું નથી. પેટની ફાંદ બહાર આવી ગઈ છે. જે કંપનીમાં નોકરી કરે છે ત્યાં તેમના ઉપરીઓ તેમની સાથે રોજ રાજનીતિ રમે છે. આ ભાઈને મેં મારકેશ ગુરુ કઢાવી નાંખ્યો છે અને લગ્નેશ બુધ પહેરવો જોઈએ તેમ માર્ગદર્શન આપ્યું છે.
વાંચકો, મારકેશની દશા આવે ત્યારે તે મૃત્યુતુલ્ય દુ:ખ આપે છે. જો મારકેશ છઠ્ઠા, આઠમા કે બારમાં સ્થાનમાં હોય અને મારકેશની દશા ચાલતી હોય મારકેશ જે ગ્રહ થતો હોય તેને શાંત કરવા તે ગ્રહના ઈષ્ટદેવની પૂજા કરવી. ધારો કે ધન લગ્નમાં મારકેશ બુધ થયો બુધની મહાદશા આવે ત્યારે બુધના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ.
જો તમારે તમારા જીવનને તારવું હોય તો મારકેશ ગ્રહોની વીંટીઓ આંગળીઓમાં પહેરશો નહી નહિતર તમે હર પળ મરશો અર્થાત્ તમારી ઝોલીમાં દુ:ખ સિવાય કશુંય આવશે નહી.
જય બહુચર માં.