34 C
Ahmedabad
Friday, April 4, 2025

જન્મભૂમિ અને કર્મભૂમિ

વ્યકિતનો જન્મ જયાં થયો હોય તે તેની જન્મભૂમિ કે માતૃભૂમિ કહેવાય. વ્યકિત જન્મયો હોય ત્યાં એ જ ભૂમિ પર કર્મ ( કામ ધંધો કે નોકરી ) કરે તો તેની જન્મભૂમિ એ જ તેની કર્મભૂમિ કહેવાય છે પરંતુ ઘણી વાર વ્યકિતનો જન્મ જયાં થયો હોય ત્યાંથી એ શહેર, એ રાજય કે દેશ છોડવો પડે અર્થાત્ તેની જન્મભૂમિ અને કર્મભૂમિ અલગ હોય તો જ વ્યકિતનો ખરો ભાગ્યોદય થાય છે. જન્મકુંડળીમાં ચોથું સ્થાન માતા અને માતૃભૂમિનું છે. આ સ્થાનમાં જો સૂર્ય, મંગળ, શનિ, રાહુ, પ્લુટો જેવા ક્રૂર ગ્રહો બેસી જાય તો વ્યકિતને માતા અથવા માતૃભૂમિ ( જન્મભૂમિ ) છોડવી પડે અને અન્ય શહેર, રાજય કે વિદેશમાં કર્મ કરવા જવું પડે છે.

એક પ્રેમાળ બાળકની વૃષભ લગ્નની કુંડળીમાં ચોથે સિંહ રાશીનો સ્વગૃહી સૂર્ય હતો. એ જન્મયો મથુરાની જેલમાં પણ જન્મતાની સાથે જન્મભૂમિ અને માતા એમ બંને છોડવા પડયા. મોટો થયો ત્યારે પોતાના કર્તવ્યો નિભાવવા પણ માતાથી દૂર જવું પડયું. જી હા હું ગોકુળના કાન્હા, દ્વારકાના રાજા અને કુરૂક્ષેત્રના મેદાનમાં જેમણે પાંડવોને મહાભારતનું યુદ્ધ જીતાડયું હતું તે પરમકૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણની વાત કરું છું. આવું જ કંઈક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું છે. ભગવાન રામને અયોધ્યાની રાજગાદી છોડીને વનવાસ જવું પડયું એ તેમની જન્મકુંડળીમાં ચોથે બેસેલા તુલાના શનિની દેન કહી શકાય છે. શિવાજીરાવ ગાયકવાડ નામના એક સાધારણ પરિવારના વ્યકિતએ પોતાના સંધર્ષના દિવસોમાં બસ કંડકટરનું કામ કર્યું પણ જયારે કર્ણાટક છોડીને તમિલનાડું આવ્યા તો તે પોતાની કલા અને કર્મોથી તમિલનાડુમાં ભગવાન તરીકે પૂજાયા તેવા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સિંહ લગ્નની કુંડળીમાં ચોથે વૃશ્વિકનો સૂર્ય છે.

આવા બીજા ઘણા ઉદાહરણ આપી શકાય પણ મુદાની વાત કરું તો વ્યકિત પોતાના જ દેશમાં ઉન્નતિ પામશે કે વિદેશમાં પ્રગતિ કરશે તે જન્મકુંડળીમાં ચોખ્ખું નરી આંખે જોઈ શકાય છે.આવા જ બીજા નિયમો છે જેમ કે દસમાં કે ચોથા સ્થાનમાં ચંદ્ર હોય તો કામને લઈને વારે ઘડીએ સ્થળાંતર કરવું પડે.લગ્નેશ નવમે કે બારમે જતો હોય તો અન્ય રાજયમાં કે પરદેશમાં જ પ્રગતિ થાય,ચતુર્થેશ અથવા ભાગ્યેશ બારમા ભાવમાં હોય તો વ્યકિતનો ભાગ્યોદય વિદેશમાં જ લખાયો હોય, પંચમેશ બારમે હોય તો વિદેશ ભણવા જવાનું થાય, સપ્તમેશ બારમે હોય તો વિદેશનું જીવનસાથી મળે અને જીવનસાથી તમને અહીંયાથી વિદેશ લઈ જાય. આ બધા યોગોમાં જે તે ગ્રહો ઉચ્ચ કે નીચના,અસ્તના, માર્ગી-વક્રી, ડીગ્રી અને નક્ષત્રથી ચકાસવા જોઈએ એ સિવાય કોઈ અવરોધક ગ્રહ તેમાં અવરોધ ઉભો ના કરવો જોઈએ તે બધી બાબતોનો ઉંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે.

આપણે અહીંયા કોઈને પોતાનું કર્મ નથી ખબર હોતું કે નોકરી કરવી કે વ્યવસાય કરવો, જવું તો કયા ક્ષેત્રમાં જવું, અહીંયા કામ કરવું કે વિદેશ જઈને સેટલ થાવું, મૂંઝાતો માનવી ત્યાં સુધી મૂંઝાય છે જયાં સુધી એને રસ્તો નથી મળતો પણ જયારે એને એનો માર્ગ મળી જાય છે ત્યારે એની ગાડી સળસળાટ દોડવા માંડે છે.કહેવાય છે ને કે દરેક વ્યકિતનો સમય આવ્યે પણ આ સમય ત્યારે આવે છે જયારે એને સમજ પડે કે એનો ભાગ્યોદય જન્મભૂમિ પર થશે કે અન્ય કોઈ કર્મભૂમિ પર ! ઘણાને Home Sickness ( ઘરથી દૂર રહેવુ ના ગમે ) હોય એટલે કે કામ અર્થે ગમે ત્યાં જવાનું થાય પણ તે માતા પાસે અને માતૃભૂમિ પર પાછો જ આવે. જન્મકુંડળીમાં દસમે કે ચોથે ચંદ્ર હોય તો ચોકકસ આમ જ થાય છે.

મને એક વખત કોઈએ પ્રશ્ન પૂછયો કે ધર્મ મોટો કે કર્મ ?

મેં કહ્યું “ધર્મ” ! પ્રશ્ન પૂછનારે મને કહ્યું કે U R Wrong. કર્મ મોટું ! તેણે મને કહ્યું કે વ્યકિત સારા કર્મ કરે તો તેને ધર્મ કરવાની જરૂર નથી. હવે મારો વારો આવ્યો એટલે મેં કહ્યું કે “સારા કર્મો કયા અને ખરાબ કર્મો કયા એ તો ધર્મ એ શીખવ્યું ને ? મને કહે સમજ ના પડી. મેં દષ્ટાંત આપી સમજાવ્યું કે ભગવદ ગીતા અને આપણા બીજા અન્ય ધાર્મિક ગ્રંથોએ જ આપણને ધર્મ દ્વારા સારા-નરસા કર્મ સમજાવ્યા નહીતર કોઈ દારૂ પીવાને કે ચોરી કરવાને પણ સારું કર્મ ગણતો હોત તેથી મિત્ર ધર્મ મોટો જે હંમેશા આપણને સારા ખરાબ કર્મોનું ભાન કરાવતો રહે છે. તમે પણ ધર્મ કરતા રહો તમને કયા કર્મ કરવા, કયા કર્મ ના કરવા,કયાં જઈને કરવા એ તમામ બાબતે ચોકક્સ દિશા મળશે.

તમારો જન્મ કોઈ ઉદેશથી થયો છે અને તે કયા ઉદેશથી થયો છે એની તમને ખબર હોવી જોઈએ.

બોલો જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,598FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page