બૃહદપારાશર હોરાશાસ્ત્રના અથ અવતાર કથન અધ્યાયના પાંચમાં, છઠ્ઠા અને સાતમાં શ્લોકમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે નવગ્રહો વિષ્ણુ ભગવાનના નવ અવતારો સાથે સંકળાયેલા છે.
ઋષિ મૈત્રેય મુનિ તેમના ગુરુ ઋષિ પરાશર મુનિ પૂછે છે કે હે ગુરુજી ! શું વિષ્ણુ ભગવાનના અવતાર જીવાંશ યુક્ત છે ? ત્યારે ઋષિ પારાશર મુનિ આ બાબતે મૈત્રેય મુનિને વિશેષ જ્ઞાન આપે છે કે વિષ્ણુ ભગવાનની માયાને કોઈ જાણી સમજી શક્યું નથી પણ વિષ્ણુ ભગવાનનો દરેક અવતાર જીવાંશ યુકત છે તેમાં રામ, કૃષ્ણ, વરાહ, નૃસિંહ વગેરે અવતાર પૂર્ણ પરમાત્મા અંશ છે.
વિષ્ણુ ભગવાનના દરેક અવતારોમાં ગ્રહોની પણ એક ખાસ ઉર્જા છે જે ગ્રહો સ્વયં વિષ્ણુ ભગવાનની માયા મુજબ કાર્ય કરે છે.
ઋષિ પરાશર મુનિએ મૈત્રેય ઋષિને નવ ગ્રહોને વિષ્ણુ ભગવાનના નવ અવતારો સાથે જે સંબંધ સમજાવ્યો છે તે નીચે મુજબ છે.
૧ ) સૂર્ય – જે સત્યનિષ્ઠ, મર્યાદા પુરુષોતમ અને નીતિવાન છે તેવા વિષ્ણુ ભગવાનના શ્રી રામ અવતારમાં સૂર્યનો અંશ છે.
૨ ) ચંદ્ર – સમસ્ત કળાઓ જાણનાર,આખા જગતને પોતાના મોહમાં વશ કરનાર પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ ભગવાનના શ્રી કૃષ્ણ અવતારમાં ચંદ્રનો પૂર્ણત:વાસ કહેવાય છે.
૩ ) ગુરુ – જે ઉત્તમ જ્ઞાની છે, જે બ્રાહ્મણ છે, જેમના ચરણોમાં સમસ્ત જગત વંદન કરે છે તેવા વિષ્ણુ ભગવાનના વામન અવતારને પરાશર મુનિએ ગુરુ કહ્યા છે.
૪ ) મંગળ – જેમના ક્રોધને શાંત કરવો ઘણો મુશ્કેલ છે, જેઓ કોપાયમાન થતા લાલચોળ થઈ જાય છે,જેમની આંખો પહોળી થઈ જાય છે તેવા વિષ્ણુ ભગવાનના ક્રોધિત સ્વરૂપને આચાર્ય પરાશર મુનિ મંગળનો અંશ હોવાનું જણાવે છે.
૫ ) બુધ – જે પરમ બુદ્ધિશાળી છે, જે તર્ક-વિતર્કમાં માહેર છે, જે સત્ય અને અસત્યને બહુ સારી રીતે સમજી શકે છે તેવા ભગવાન વિષ્ણુના બુદ્ધ અવતાર ને બુધ જાણવો.
૬ ) શુક્ર – જે પ્રેમ તત્વનું બીજ છે, જેમની પાસે કામધેનુ ગાય છે તેવા વિષ્ણૂ ભગવાનના પરશુરામ અવતારમાં શુક્રનો અંશ છે. અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ ભગવાનનો જન્મ થયો હતો. તે વખતે શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં ચંદ્ર સાથે રોહિણી નક્ષત્રમાં હોય છે તે આ વાતને શાશ્વત કરે છે.
૭ ) શનિ – ખૂબ મહેનતુ,કર્મનિષ્ઠ, પોતાની પીઠ પર પૃથ્વીનો ભાર રાખનાર તેવા વિષ્ણુ ભગવાનના કાચબા (કૂર્મ) અવતારમાં શનિનો અંશ છે.
૮ ) રાહુ – આચાર્ય પરાશર મુનિ વરાહ અવતારને રાહુ એટલા માટે કહ્યો છે કે તે અવતારનું મુખ ભૂંડનું છે અને ધડ મનુષ્યનું છે અર્થાત્ જે પશુ જેવું છે તે રાહુ છે. આ અવતારમાં વિષ્ણુ ભગવાન વરાહનું રૂપ લઈને પૃથ્વીને હિરણ્યકક્ષના ત્રાસથી બચાવે છે.
૯ ) કેતુ – ભગવાન વિષ્ણુના મત્સ્યઅવતારને “કેતુ” નો અંશ કહ્યો છે.ધર્મની રક્ષા કરવા માટે ભગવાને આ અવતાર લીધો હતો. વિષ્ણુ ભગવાનને હયગ્રીવનો વધ કરીને વેદોની રક્ષા કરી હતી.
પરાશર મુનિ જણાવે છે કે જે જીવમાં જીવાંશ (જીવનો અંશ) વધારે હોય છે તે “જીવ” છે. વિષ્ણુ ભગવાનના અન્ય અવતાર પણ ગ્રહો સાથે સંબંધ ધરાવે છે પણ તેમાં પરમાત્માંશ વધારે છે તેથી આકાશના તારાઓ, ઉપગ્રહો અને નક્ષત્રો સાથે સંબંધ ગણી શકાય છે.
તમારી જન્મકુંડળીમાં જે ગ્રહથી તમને હાનિ કે પીડા થતી હોય અથવા તમારે જે તે ગ્રહનું ખૂબ જ સારું ફળ પ્રાપ્ત કરવું હોય તો વિષ્ણુ ભગવાનના ઉપર લખેલા અવતારોની પૂજા પાઠ કે ઉપાસના કરવી જોઈએ જેમ કે તમારી જન્મકુંડળીમાં મંગળ બળહીન હોય તો વિષ્ણુ ભગવાનના નૃસિંહ અવતારની ઉપાસના કરવી જોઈએ.
આજે આટલું જ..
આ લેખની લિંક બીજા કોઈને મોકલીને તેનું પણ સારું કરજો.
જય બહુચર માં.