પ્રિય વાંચકો,આપ સૌ જાણો છો તેમ જયોતિષશાસ્ત્રમાં નવ ગ્રહો મુખ્ય છે.આ નવગ્રહોના છ પ્રકારના બળ છે જેને ષડબળ કહેવાય છે જેમ કે
૧ ) સ્થાનબળ
૨ ) દિશાબળ
૩ ) કાળબળ
૪ ) ચેષ્ટાબળ
૫ ) નૈસર્ગિક બળ અને
૬ ) દષ્ટિબળ.
અહીં આપણે કયો ગ્રહ કઈ દિશામાં બળવાન થાય છે તે “દિશાબળ” ની ચર્ચા કરીએ.
અહીં કાળપુરુષની કુંડળી મૂકીએ તો પૂર્વ, પશ્વિમ, ઉત્તર, દક્ષિણ એમ ચાર દિશાઓ કુંડળી ફરતે દર્શાવી છે.
ઉપર જણાવેલ ખોખા કુંડળીને વિસ્તૃતમાં વર્ણન કરું તો દરેક ગ્રહોની પોતાની એક યોગ્ય દિશા હોય છે. જે તે ગ્રહ પોતાની નિશ્ચિત દિશામાં બળવાન થાય છે જેમ કે ગુરુ અને બુધ પૂર્વ દિશામાં,ચંદ્ર અને શુક્ર ઉત્તર દિશામાં,શનિ પશ્વિમ દિશામાં, સૂર્ય અને મંગળ દક્ષિણ દિશામાં બળવાન થાય છે.
મારા સંશોધનમાં જોવામાં આવ્યું છે કે ઘણીવાર જાતકને તેની જન્મકુંડળીના ગ્રહોનું યોગ્ય ફળ મળતું નથી કારણકે તે ગ્રહ પોતાની દિશાથી વિપરીત દિશામાં હોય છે. ઉદાહરણ તરીકે સૂર્ય દક્ષિણ દિશામાં બળવાન થાય અને પૂર્વ દિશામાં સારો ગણાય પણ જો સૂર્ય પશ્વિમ દિશામાં હોય તો પોતાનું બળ ગુમાવી બેસે છે.
અહીં બાકીની છ દિશાઓ અર્થાત્ છ કોણનું એક નાનકડું ઉદાહરણ લઈએ તો બુધ ઈશાન કોણનો સ્વામી છે. ઈશાન કોણ એટલે કે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેનો ખૂણો. જો બુધ ઈશાન કોણમાં હોય અને તે કોઈ પણ રાશિનો હોય (નીચનો પણ કેમ ના હોય ) તે બળવાન થઈ જાય છે તેમ મેં મારા સંશોધનમાં જાણ્યું છે.
મારું એક અન્ય સંશોધન તે પણ છે કે જન્મકુંડળીના કર્મ સ્થાનમાં જે ગ્રહ હોય તે ગ્રહની દિશામાં જાતકે પોતાનું ભવિષ્ય અજમાવવું જોઈએ. ઘારો કે કોઈની જન્મકુંડળીના કર્મ સ્થાનમાં ગુરુ હોય તો તેણે પૂર્વ દિશામાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ.
જાતકની જન્મકુંડળીનું કર્મસ્થાનનું ખાનું ખાલી હોય તો કર્મસ્થાનનો સ્વામી જે દિશામાં બિરાજમાન હોય તે દિશામાં પ્રયત્ન કરીને જાતકે પોતાનું ભાગ્ય અજમાવવું જોઈએ. ઉદાહરણ તરીકે કર્મસ્થાનનો સ્વામી પશ્વિમ-દક્ષિણ કોણમાં હોય તો જાતકનો તે દિશામાં ભાગ્યોદય થઈ શકે છે.
જાતકો જયોતિષ એક એવો વિષય છે જેની પર અસંખ્ય વાતો લખી શકાય છે. નવા સંશોધનો કરી શકાય છે પણ આ સંશોધનો તાર્કિક હોવા જોઈએ.
મારા લેખ વાંચનાર વાંચકોને પ્રેરણા મળે તેમ મારો અભિગમ હંમેશા રહ્યો છે તેથી અંતે એટલું કહીશ કે જયારે ઈશ્વર ઈચ્છે છે ત્યારે દરેક મનુષ્યને તેના જીવનની યોગ્ય દિશા મળે છે અને મનુષ્યનો સુવર્ણકાળ શરૂ થાય છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખીને દરેક મનુષ્યે મહેનત કરવી જોઈએ.પોતાનું નિયત કર્મ કરવું જોઈએ.
જય બહુચર માઁ.