જન્મકુંડળી એટલે લગ્ન કુંડળી. જેને અંગ્રેજીમાં D1 CHART કહેવાય છે. આ જન્મકુંડળીમાં ચાર ત્રિકોણ હોય છે જે ચાર પુરુષાર્થો સાથે સંકળાયેલા છે.
શાસ્ત્ર અનુસાર ચાર પુરુષાર્થૉ નીચે પ્રમાણે છે જેને ધર્મ, અર્થ, કામ, મોક્ષ કહેવાય છે.
આ ચાર પુરુષાર્થો જન્મકુંડળીના બાર ખાના સાથે જોડાયેલા છે.
પહેલું, પાંચમું અને નવમું ખાનું “ધર્મ” ત્રિકોણ છે.
બીજુ, છઠુ અને દસમું ખાનું “અર્થ” ત્રિકોણ છે.
ત્રીજુ, સાતમુ અને અગિયારમું “કામ” ત્રિકોણ છે.
ચોથુ, આઠમુ અને બારમું “મોક્ષ” ત્રિકોણ છે.
જન્મકુંડળીના ચાર ત્રિકોણને બળવાન કરવા હોય તો દંભ વગરનો ધર્મ કરો, શુદ્ધ નાણું (અર્થ) કમાઓ, જીવનસાથી સાથે જ કામસંબંધ રાખો. આ ત્રણ પુરષાર્થો યોગ્ય રીતે નિભાવશો ત્યારબાદ જ મોક્ષની પ્રાપ્તિ થશે.
મારું સંશોધન એમ કહે છે કે જન્મકુંડળીનું પહેલું, પાંચમું અને નવમું ખાનું જે ધર્મ ત્રિકોણ છે તે “કર્મ ત્રિકોણ” પણ છે કારણકે ધર્મ એ જ સારા-નરસા કર્મ અંગે આપણને શીખવ્યું.
પહેલું ખાનું એ વર્તમાન કર્મોને દર્શાવે છે.
પાંચમું ખાનું એ પૂર્વજન્મના કર્મોને દર્શાવે છે.
નવમું ખાનું એ ભવિષ્યના કર્મોને દર્શાવે છે.
આમ જે આ ત્રણ ખાના છે તે મૂળ ત્રિકોણ છે.
જન્મકુંડળીમાં પ્રથમ ખાનું છે તેને લગ્ન કહેવાય છે જેનો સ્વામી લગ્નેશ કહેવાય.વર્તમાનમાં જે કર્મ કરી રહ્યા છો તે લગ્નેશને આધીન છે તેથી તમારા વર્તમાન કર્મોને સુધારવા માટે લગ્નેશને બળવાન કરવો જોઈએ.
જન્મકુંડળીનું પાંચમું ખાનું છે તેનો સ્વામી પંચમેશ થયો કહેવાય. પૂર્વજન્મના કર્મોમાંથી મુક્તિ મેળવવા પંચમેશને બળવાન કરવો જોઈએ.
જન્મકુંડળીનું નવમું ખાનું ભાગ્યનું ખાનું છે તેનો સ્વામી ભાગ્યેશ થયો કહેવાય. તમારું ભવિષ્ય સુધારવા અને ભાગ્યને બળવાન કરવા નવમેશને બળવાન કરવો જોઈએ.
ઉદાહરણ તરીકે ધન લગ્નની કુંડળીમાં લગ્નેશ ગુરુ થયો કહેવાય. પંચમેશ મંગળ થયો કહેવાય અને ભાગ્યેશ સૂર્ય થયો કહેવાય.આ ત્રણ ગ્રહો કે ગ્રહોના ઈષ્ટદેવની ઉપાસના તમારા વર્તમાનના કર્મોને સુધારશે. પૂર્વજન્મના કર્મોમાંથી મુક્તિ અપાવશે અને ભવિષ્યના કર્મોને પણ સારા બનાવશે.
સફળતાનો મંત્ર – તમે દુનિયાની ટીકાઓ-નિંદાઓ અને લોકો શું કહેશે એ બધુ જ વિચાર્યા વગર તમારું યોગ્ય કર્મ કર્યા જ કરો. તમે જીવનમાં ચોક્કસ સફળ થશો. બસ તમે તમારા માતા-પિતા અને ઈશ્વરની નજરમાં સાફ હોવા જોઈએ.
તમારું યોગ્ય કર્મ કયું ? તમારી યોગ્ય દિશા કઈ ? આ તમામ પ્રશ્નોનો જવાબ જયોતિષ જેવા ગૂઢ શાસ્ત્ર પાસેથી મળે છે અને આ ગૂઢ શાસ્ત્રને જાણે છે તેવા જયોતિષી પાસેથી…
જય બહુચર માઁ.