એક શિવ મંદિરના પૂજારી હતા.તેમનું નામ શાશ્વત ભટ્ટ. તેઓ નાનપણથી ઈશ્વરની પૂજામાં લીન રહેતા હતા. તેઓ તેમના મંદિરમાં શિવ કથા બેસાડતા, ભજન કીર્તનનું આયોજન કરતા હતા.પૂજારી દેખાવે સરળ અને સુંદર લાગતા. તેમની લગ્નની યોગ્ય ઉંમર થતા તેમના સગા-સંબંધીઓ તથા મંદિરમાં આવતા ભક્તજનો કહેતા કે શાશ્વતજી, હવે લગ્ન કરી લ્યો પરંતુ પૂજારી શ્રી શાશ્વતજીને લગ્ન કરવામાં કોઈ રસ નહોતો. તેમને તો માત્ર શિવજીની સેવા પૂજા ને ભક્તિ કરવામાં જ રસ હતો.
સમયાંતરે શાશ્વતજીના કાકા મારી પાસે શાશ્વતજીની કુંડળીનું વિશ્લેષણ કરાવવા આવ્યા. મેં શાશ્વતના કાકાને કહ્યું કે બોલો શું પ્રશ્ન છે ? ત્યારે થોડું ઘણું જ્યોતિષ જાણતા શાશ્વતજીના કાકા બોલ્યા કે મારા ભત્રીજા શાશ્વતની કુંડળીમાં શુક્રની મહાદશા શરુ થવાની છે તો શું આ શુક્રની મહાદશામાં શાશ્વતના લગ્ન થશે?
મેં શાશ્વતની કુંડળી જોઈને કહ્યું કે “વૈરાગીને શુક્રની મહાદશા શું કામની ?” શાશ્વતના કાકા બોલ્યા કે હું જરા સમજયો નહીં ! એટલે હું બોલ્યો કે શાશ્વતની મકર લગ્નની જન્મકુંડળીમાં મકર લગ્નમાં શનિ છે. ધન રાશિના ગુરુ-કેતુ બારમાં સ્થાનમાં છે અને શુક્ર ચોથા સ્થાનમાં કેતુના અશ્વિની નક્ષત્રમાં છે અને સપ્તમેશ ચંદ્ર નવમાં સ્થાને બિરાજમાન છે.
મકર લગ્નમાં શનિ આધ્યાત્મવાદી બનાવે છે.ગુરુ જ્ઞાનનો કારક હોઈને કેતુ જ્ઞાનમાં ઉંડે સુધી એટલે કે આત્મજ્ઞાન કરાવે છે. શુક્ર ભોગવિલાસનો અને સ્ત્રીનો કારક હોઈને કેતુના નક્ષત્રમાં ભોગવિલાસથી અને સ્ત્રી સુખથી વંચિત રાખે છે. નવમું સ્થાન ધર્મનું છે અને ત્યાં ચંદ્ર હોવાથી જાતકનું મન હંમેશા ધર્મમાં રહે છે માટે આ કુંડળીમાં વૈરાગી થવાનો યોગ છે તેથી શુક્રની મહાદશા તેને ભોગ નહી પણ મોક્ષ અને સાધના ઉપાસના તરફ જવાનું સુખ આપશે કારણકે જન્મકુંડળીમાં ચોથું ખાનું મોક્ષ ત્રિકોણનું પણ થાય છે તેથી ત્યાં બિરાજમાન શુક્ર કેતુના નક્ષત્રનો ભોગી નહી યોગી બનાવે છે.
“સાધુ ચલતા ભલા” આ કહેવત શાશ્વતજીની કુંડળીમાં શાશ્વત થાય છે તેથી એક વૈરાગીને શુક્રની મહાદશા ભોગનું નહી પણ તેને ગમતા વૈરાગ્ય જીવનનું સુખ આપે છે.
શાશ્વતજીને આજે ૩૯ વર્ષ થયાં છે તેઓ એક નિષ્કલંક યોગી છે. તેઓ ગીરમાં જે વૈરાગીઓનું પિયર કહેવાય છે ત્યાં શિવ મંદિરના પૂજારી છે.
શ્રી શાશ્વતજીની જન્મકુંડળીમાં બારમા સ્થાનમાં કેતુ તેમને ચોક્કસથી મોક્ષ અપાવશે.
મારો આ લેખ તમામ યોગીઓને અને વૈરાગીઓને સમર્પિત છે.
હર હર મહાદેવ.
જય બહુચર માં.