21 C
Ahmedabad
Saturday, December 21, 2024

જાણો શ્રી ગણેશજીની જન્મકુંડળી વિશે…

⦿ જયોતિષશાસ્ત્ર પર અડગ શ્રદ્ધા ધરાવનારા અને જયોતિષશાસ્ત્ર વિશેના ઈશ્વરે આપેલા મારા જ્ઞાન પર વિશ્વાસ કરનારા ઘણા લોકો મને કુંડળી બતાવવા આવતા હોય છે.એમાં જો કોઈ અમસ્તા એમ બોલી જાય કે “મારે દરેક કાર્યમાં વિઘ્ન ( Obstacle ) આવે છે તો સૌથી પહેલા મને વિધ્નહર્તા દેવ ગણેશજી યાદ આવે અને એ વ્યકિતને હું ગણેશજીની કૃપા થાય તેવા હું થોડા ઘણા શાસ્ત્રોકત અને સાત્વિક ઉપાય આપું જેથી તેનું કાર્ય કોઈપણ વિધ્ન આવ્યા વગર સરળતાથી પતે.

⦿ શ્રી ગણેશજીને વિધ્નહર્તા દેવ કેમ કહેવામાં આવે છે તેનું કારણ અનેક સંશોધનો બાદ મળેલી તેમની પાંડુલિપિ જન્મકુંડળી પ્રમાણે તાર્કિક વિશ્લેષણ આપીને રજૂ કરું તો મેષ લગ્નની જન્મકુંડળીમાં લગ્નેશ મંગળ દસમે મકરમાં ઉચ્ચનો થઈને રૂચકયોગનું નિર્માણ કરે છે. ઉચ્ચનો મંગળ અનેક વિઘ્નો સામે લડવાની શકિત આપે છે તેથી ગણેશજી પોતાના ભકતોના તમામ વિઘ્નનું તરત જ ઝડપી ગતિએ નિવારણ કરે છે.

⦿ મહાદેવજીના ભૈરવ વીરભદ્ર,તેમનો ગણ નંદી તથા મોટા ભાઈ કાર્તિકેયને એક પછી એક યુદ્ધમાં હરાવી નાખનાર મહાપરાક્રમી ગણેશજીને માતા પાર્વતીએ તેમના શરીરના પરસેવામાંથી ઉત્પન્ન કર્યા હતા અને તેઓ જયારે સ્નાન કરતા હોય ત્યારે તેમના દ્વારપાળ બનીને તેમની રક્ષા કરવાનું કાર્ય ગણેશજીને સોંપ્યું હતું તેથી શિવજીની જીદ સામે ગણેશજી ઝૂકયા નહી અને તેમને ઘરની અંદર જવા દીધા નહી.તેનું કારણ સિંહનો સ્વગૃહી સૂર્ય પાંચમે જોઈ શકો છો.“સર કાટ લો પર મેં ઝૂકનેવાલો મેં સે નહી” એવું આત્મવિશ્વાસી વલણ સિંહનો સ્વગૃહી સૂર્ય વચનની પરિપકવતા સાથે આપે છે.

⦿ આખરે શિવજીએ ક્રોધિત થઈને ગણેશજીનું મસ્તક છેદન કરી નાખ્યું એ માટે ગણપતિજીની કુંડળીમાં લગ્ને બેસેલા કેતુ પર ચોથે રહેલા કર્કના શનિની દસમી દષ્ટિ અને દસમે રહેલા મંગળની ચોથી દષ્ટિ જવાબદાર હતી કારણકે કેતુ મસ્તક વિનાનો છે. આ બંને ગ્રહોની ક્રૂર દષ્ટિ કેતુ પર પડી હોવાથી મસ્તક છેદનનો યોગ બન્યો પણ માતા પાર્વતીના ગુસ્સાથી શિવજીએ હાથીનું મસ્તક જોડી આપ્યું તેનું કારણ ભાગ્યમાં રહેલા ધનના ગુરુની પાંચમી દષ્ટિ છે. તમે શાસ્ત્ર ફેંદી લો જયોતિષશાસ્ત્રમાં ગુરુને “ગજ”કહ્યો છે. આ ગુરુની પાંચમી દષ્ટિ લગ્ન પર પડતી હોવાથી તેમને દરેક બાબતમાં પહેલા ગણવા પડે એટલે કે શિવના આશીર્વાદથી તેઓ પ્રથમ પૂજય થયા.શાસ્ત્ર કહે છે કે ગણપતિ, માતા -પિતા, ગુરુજી તથા બ્રાહ્મણને પ્રથમ પૂજનીય ગણવા કારણકે આ સર્વ ગુરુની અનુક્રમણિકામાં આવે છે.

⦿ સપ્તમેશ શુક્ર બારમે મીન રાશિમાં ઉચ્ચનો તથા સાતમાં ભાવમાં રાહુ હોઈ દ્વિભાર્યા યોગના નિર્માણ સાથે તેમને રિદ્ધિ-સિદ્ધિ નામની બે પત્નીનું સુખ આપ્યું. છઠ્ઠે કન્યાનો ઉચ્ચનો બુધ ચંદ્ર સાથે છે તેથી તેમની ચતુર બુદ્વિથી તેમણે પૃથ્વીની પરિક્રમા કરવાને બદલે પોતાના માતા-પિતાની પરિક્રમા કરી. ગણેશજીના શુભ લાભ નામના બે તેજસ્વી પુત્રો સ્વગૃહી સૂર્યની સાથે ગુરુની નવમી અને મંગળની આઠમી શુભ દષ્ટિની દેન છે.

⦿ ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં ચિત્રા નક્ષત્રમાં હોય છે જે મંગળનું નક્ષત્ર છે. પ્રમાણ માટે દર વર્ષનું આ દિવસનું પંચાગ જોવું. ગણેશજીની કુંડળીમાં ચંદ્ર લગ્નેશ મંગળનું નક્ષત્રબળ પ્રાપ્ત કરે છે તેથી જે બાળકનો જન્મ ભાદરવા સુદ ચોથે ગણેશ ચતુર્થી ના દિવસે થાય છે તે બાળક ગણેશજી જેવું દિવ્ય બાળક હોય છે તે વાતમાં કોઈ સંદેહ નથી.

⦿ અત્યારે ગણેશજીના પર્વના શુભ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગણપતિજીએ તેમના ગુણો વર્ણવવા માટેની મને થોડી ગણી બુદ્ધિ આપી તે માટે હું ગણેશજીનો ખૂબ જ આભારી છું. ગણપતિજી આ જગતના તમામ લોકોના વિધ્નો દૂર કરે તેવી મારી પ્રાર્થના.

જય ગણેશ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page