29 C
Ahmedabad
Thursday, September 19, 2024

જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ – જાણો જન્મકુંડળીના આધારે.

રોજબરોજના અભ્યાસકાળ દરમ્યાન અનેક કુંડળીઓ અમારા ધ્યાનમાં આવે છે કે જેમનો જીવન પ્રત્યેનો અભિગમ એકદમ હકારાત્મક હોય છે જયારે અમુક મહાનુભાવો એવા હોય છે કે ભગવાને બધુ જ આપ્યું હોય છતાં રડતા ને રડતા જ હોય છે.

મને ઘણા દિવ્યાંગ લોકો કુંડળી બતાવવા આવતા હોય છે ત્યારે તેમના મુખ પર કારણ વગરની ખુશી અને આપણે કદીય ના જોઈ હોય એવી હકારાત્મકતા હોય છે. આપણને મનમાં પ્રશ્ન થાય કે કુદરતે આ વ્યક્તિને કંઈક ખોટ આપી છે તોય તે જીવન પ્રત્યે આટલો હકારાત્મક કેમ છે ?

અમારા સંબંધમાં એક દિવ્યાંગ ભાઈ છે.તેમના પગે તકલીફ છે પણ ઈશ્વરે જે આ ખોટ આપી છે તેમણે તે ખોટને સહજતાથી સ્વીકારી લીધી છે. આ ભાઈને જયારે પણ મળીએ ત્યારે તેમના મુખ પર કદીય ના જોઈ હોય એવી હકારાત્મકતા છલકાતી હોય છે. તેમનો સ્વભાવ એકદમ સરળ અને મજાકિયો છે. તેઓ મનથી અને આત્માથી એકદમ હકારાત્મક જ હોય છે.

મને હંમેશા તેમની જોડે બેસીને હસી મજાક કરવાની ખૂબ મજા આવે છે તેથી એકવાર મારાથી રહેવાયું નહી અને પછી મેં સામેથી તેમની કુંડળી જોવા માંગી.મેં જયારે આ ભાઈની કુંડળી ખોલીને જોયું કે આ ભાઈની જન્મકુંડળીના ચંદ્ર (મન) અને સૂર્ય (આત્મા) પર હકારાત્મક ગ્રહોનો પ્રભાવ છે તેથી મનથી મજબૂત અને આત્મવિશ્વાસુ અભિગમ હતો.

મેષ લગ્નની કુંડળીવાળા આ જાતકની જન્મકુંડળીમાં લગ્ને ગુરુ અને નવમે ભાગ્ય સ્થાનમાં સૂર્ય મંગળ હતા.બારમે મીનનો ચંદ્ર હતો અને મીનના ચંદ્ર પર મંગળની ચોથી દષ્ટિ હતી.આત્મા (સૂર્ય) અને શક્તિ (મંગળ) પર ગુરુની નવમી દષ્ટિ હતી અને મન (ચંદ્ર) પર શક્તિ (મંગળ) ની ચોથી દષ્ટિ હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે આ ભાઈને નાનપણથી પગની ખોટ હતી પણ ભાઈએ આ ખોટને લઈને જીવનને કોષવાને બદલે જીવનને આબાદ કર્યું. આ ભાઈએ ઉચ્ચતમ શિક્ષણ મેળવ્યું અને તેઓ હાલ એડવોકેટ અને નોટરી છે. તેમની પાસે ૧૦૦૦ થી પણ વધારે ગ્રાહકો છે જેમના ટેકસેશનનું કાર્ય તેઓ કરે છે. આ ભાઈએ તેમના ત્યાં ત્રણ દીકરીઓ નોકરીએ રાખી છે અને અત્યાર સુધી ઘણી દીકરીઓ તેમને ત્યાં નોકરી કરીને તેમની પાસેથી ટેક્ષેસન શીખીને ગઈ છે. આ ભાઈ મારા નજીકના સંબંધી છે જેથી નામ લખ્યું નથી.

પ્રિય વાંચકો, ઈશ્વરે આપણને જે જીવન આપ્યું હોય છે તેવું બીજાને નથી આપ્યું હોતું. આપણે કંઈક નાની મુસીબત આવે અથવા આપણી ઈચ્છા ધાર્યા સમયે પૂરી ના થાય એટલે આપણે રોવા ધોવા બેસી જઈએ છે પણ ઈશ્વરે આપણને જેટલું પણ આપ્યું છે તેનો આનંદ નથી માણતા.

જુઓ ભાઈ દરેકના જીવનમાં અલગ અલગ તકલીફ હોય છે. કયારેક તમને એમ લાગે કે તમારા જીવનમાં મોટી તકલીફ છે તો તમે એકવાર અપંગ માનવ મંડળ અથવા અંધ માનવ સંસ્થામાં આંટો મારી આવજો. તમને તમારાથી વધારે દુ:ખી લોકો ત્યાં જોવા મળશે પણ તેમના મુખ પર કાયમ હસી ખુશી અને આનંદ જ હશે.

જીવનમાં તકલીફો આવ્યા પણ કરે અને સમય આવ્યે જતી પણ રહે છે પણ આપણે આ તકલીફો સામે લડવા મન અને આત્માથી હકારાત્મક રહેવાનું છે. આ માટે તમારી જન્મકુંડળીના સૂર્ય અને ચંદ્રને બળવાન કરજો.

સૂર્યને બળવાન કરવા રોજ સવારે ૭.૩૦ વાગ્યા પહેલા સૂર્યનારાયણને જળ ચડાવવું અને ચંદ્રને બળવાન કરવા શિવલિંગ પર જળ ચડાવવું.

Master Stroke.

વિપરીત પરિસ્થિતિઓ સામે લડવા માટે મન અને આત્માથી મજબૂત રહેવાનું છે. આપણા મન અને આત્માનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપવું નહી. જો તમારા મન અને આત્માને બીજા ઓપરેટ કરતા થઈ જશે તો જીવનમાં કદીય આગળ આવી શકશો નહી.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page