આધુનિક યુગમાં ડિપ્રેશન ( હતાશા ) નામનો રોગ એટલો ભયાનક થઈ ગયો છે કે તેની ભયાનકતામાંથી બહાર આવવા માટેના વ્યક્તિ અથાગ પ્રયત્નો કરતો હોવા છતાં બહાર નથી આવી શકતો. તે સાઈકિયાટ્રિસ પાસે જાય છે. વહેમ અને અંધશ્રદ્ધા વધી જાય ત્યારે કોઈને બતાવવા જાય છે. કયારેક તે રળ્યો ખળ્યો જયોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કરીને અમારા જેવા Astrologer પાસે પણ તેમનું સમાધાન મેળવવા માટે આવતો હોય છે.
અમે અનુભવ્યું છે કે ભૂતકાળમાં વારંવાર મળેલી અસફળતાઓથી, અચાનક બનેલી કોઈ દુ:ખદ ઘટનાથી, વર્તમાનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી આમ કોઈને કોઈ કારણસર વ્યક્તિ હતાશા ( ડિપ્રેશન ) માં ગરકાવ થયેલો જોવા મળે છે.ઘણા ખરા કિસ્સામાં કોઈને કારણ વગરનું ડિપ્રેશન હોય તેવું પણ જોવા મળ્યું છે.
અમે ડિપ્રેશનવાળી વ્યક્તિઓની અસંખ્ય કુંડળીઓનો અભ્યાસ કર્યો.અભ્યાસ કરતા એવા યોગો શોધી કાઢયા કે જેમાં અમને ડિપ્રેશન ( હતાશા ), ધૂનીપણું, પાગલપણું અથવા કોઈ સાઈકોલોજિકલ બીમારી જોવા મળી હોય.
આપણે કોઈ પણ વાતના મૂળ શોધી પહોંચી જઈએ ને તો આપણને એનું સમાધાન મળી જાય એવો હંમેશા મારો વ્યક્તિગત મત રહ્યો છે. ડિપ્રેશનના થતા યોગ માટે મૂળ સુધી પહોંચતા મન સાથે સંબંધ ધરાવનાર ગ્રહ ચંદ્ર ( Moon ) જવાબદાર છે તેવું કહી શકાય. જો જન્મકુંડળીમાં ચંદ્ર નીચનો થતો હોય, કુંડળીમાં ચંદ્ર છઠ્ઠા,આઠમા કે બારમાં સ્થાનમાં હોય,ચંદ્ર શનિની પાપ દષ્ટિથી ગ્રસ્ત હોય, ચંદ્ર રાહુ-કેતુ સાથે યુતિ કે પ્રતિયુતિમાં હોય અથવા ચંદ્ર રાહુ કે કેતુના નક્ષત્રમાં હોય,ચંદ્રથી બીજે કે બારમે કોઈ ગ્રહ ના હોય અર્થાત્ ચંદ્ર બિચારો એકલો પડી ગયો હોય ( આ એકલા પડી ગયેલા ચંદ્રને જયોતિષની ભાષામાં કેમદ્રુમયોગ કહેવાય છે ) તો ડિપ્રેશન ( હતાશા ) નામનો માનસિક રોગ થાય છે.
બીજી એક મહત્વની વાત કે નીચનો ચંદ્ર સૂર્યની સાથે યુતિસંબંધમાં હોય ( સૂર્ય-ચંદ્રની યુતિમાં જન્મેલા હોય તે દિવસે ચોકકસ અમાસ હોય છે તે દિવસે ચંદ્ર પૂર્ણ ક્ષીણ હોય છે ) તેમને પણ નાની મોટી બાબતની માનસિક ખેંચતાણ રહે છે.
આ તમામ યુતિ ધરાવતા લોકોને તેમના મનમાં નકારાત્મક વિચારો ઘર કરી જાય છે.નકારાત્મક બાબતોથી તેમને વારંવાર હતાશાનો અનુભવ થાય છે. કોઈ વખત ડર,વહેમ કે અંધશ્રદ્ધાનું અલૌકિક વાવાઝોડું તેમની માનસિક રીતે બેબાકડું અને બિચારું કરી નાંખે છે.
જો કોઈની કુંડળીમાં ચંદ્ર-બુધ યુતિ-પ્રતિયુતિમાં હોય અને ચંદ્ર નબળો હોય અથવા ચંદ્ર બુધના નક્ષત્રમાં હોય તો ધૂનીપણું, પાગલપણું કે સાઈકોલોજી ( મનોવિજ્ઞાન ) ની અનુક્રમણિકામાં આવતી અસંખ્ય માનસિક બીમારીનો ભોગ બને છે પરંતુ જો ચંદ્ર-બુધની યુતિમાં ચંદ્ર સારો હોય તો તે વ્યકિત ચાલાક,ચતુર અને હોંશિયાર હોય છે. પૂનમના દિવસે જન્મેલા જાતકની કુંડળીમાં જો ચંદ્ર દૂષિત થયો હોય તો પણ તે મનોરોગ થાય તેવા યોગો બને છે.
હવે મારે આ તમામ ડિપ્રેશનમાં આવી ગયેલી વ્યક્તિઓનું નિ:સ્વાર્થભાવે સારું કરવું હોય તો ચંદ્રને લગતા કેટલાક ઉપાયો અહીંયા લખું છું જેનાથી જો ઈશ્વર રાજી થાય અને ચંદ્રને શુભ કરી દે તો આ બીમારી મટી પણ શકે છે કારણકે અમારું જયોતિષ એ માત્ર માર્ગદર્શન આપવાનું શાસ્ત્ર છે બાકી છેલ્લો નિર્ણય ઈશ્વરના હાથમાં હોય છે.
દર સોમવારે અને પૂનમના દિવસે ચંદ્રને દૂધ-ભાતની ખીર પ્રસાદ તરીકે ઘરાવવી અને પોતે જમવી. દર સોમવારે સફેદ રંગનું અથવા વાદળી રંગનું વસ્ત્ર પહેરવું. દરરોજ શિવાલય જઈને દૂધ-જળ ચડાવવા. દર સોમવારે મહાદેવજીને ચોખા ચડાવવા. દર સોમવારે જરૂરિયાતમંદને ચોખાનું દાન કરવું .દરરોજ ૐ નમ: શિવાયના જાપ કરવા. વિદ્વાન બ્રાહ્મણ પાસે લઘુરૂદ્રી કરાવવી. દુર્ગા સપ્તશતી ચંડીપાઠ વાંચવો. ભગવદ્ ગીતાનું નિરંતર પાઠ કરવું.
વર્ષમાં એક વાર સોમનાથ જયોર્તિલિંગના દર્શન કરવા જવું. બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો. ચાંદીની વીંટી, ચેન કે લકી પહેરવી. ચંદ્રનું રત્ન મોતી જયોતિષને પૂછયા વગર પહેરવું નહી કારણકે જો ચંદ્ર ખાડાના સ્થાનોમાં પડયો હોય અને મોતી ધારણ કર્યો હોય તો ઉલમાંથી ચૂલમાં પડવાનું થાય અને ડિપ્રેશન ઘટવાની બદલે વધતું જાય છે.
તો મિત્રો આ આર્ટિકલ વાંચીને ધાર્મિક અને સાત્વિક ઉપાયો કરીને ડિપ્રેશનમાંથી બહાર આવજો અને જો કોઈને ડિપ્રેશન હોય તો તેને પણ આ આર્ટિકલ શેર કરીને તેની મદદ કરજો.
જય બહુચર માં.