29 C
Ahmedabad
Tuesday, September 17, 2024

નવમાંશ કુંડળીનું મહત્વ શું છે ?

ઘણા જયોતિષ જિજ્ઞાસુઓ તેમની જન્મકુંડળીનું પરામર્શ લેવા મારી પાસે આવતા હોય છે ત્યારે પૂછતા હોય છે કે વિશાલ, આ નવમાંશ કુંડળી કેવી રીતે જોવાની ? આ નવમાંશ કુંડળીનું મહત્વ શું છે ? ત્યારે હું જણાવું છું કે હું એટલો સક્ષમ નથી કે કોઈને જયોતિષ શીખવાડી શકું અથવા કોઈનો ગુરુ બની શકું પણ મારા વાંચકોની માંગને અનુસરીને આજે હું અહીં નવમાંશ કુંડળીનું મહત્વ સમજાવું છું.

નવમાંશ ( નવાંશ ) એટલે એક રાશિનો નવમો ભાગ. એક રાશી ચક્ર ૩૦ ડિગ્રી (અંશ) નું હોય છે તેને નવ વડે ભાગાકાર કરો તો તે ૩ ડિગ્રી ( અંશ ) અને ૨૦ કલામાં વિભાજીત થાય છે. આ નવમાંશ કુંડળી એક રહસ્યમય કુંડળી છે જેના પરથી જન્મકુંડળીનું બળાબળ જાણી શકાય છે. જન્મકુંડળી શરીર છે તો નવમાંશ કુંડળી શરીરનો આત્મા છે.

નવમાંશ કુંડળી હકીકતમાં તો જીવનસાથી કેવું મળશે, તેનો સ્વભાવ, ચરિત્ર, સ્વાસ્થ્ય વગેરે માટે જોવાય છે પણ જો જયોતિષને ઉંડાણપૂર્વક જાણે છે કે તે નવમાંશ કુંડળીના બળાબળને જાણે છે કે નવમાંશ કુંડળી જન્મકુંડળીનું અને જન્મકુંડળીમાં બિરાજમાન ગ્રહોનું બળાબળ તપાસવા જોવાય છે.

અહીંયા થોડા ઘણા સંશોધન કરેલા ઉદાહરણો રજૂ કરું છું.

જો જન્મકુંડળીમાં વૃષભ લગ્ન હોય અને નવમાંશ કુંડળીમાં પણ વૃષભ લગ્ન હોય તો તેને વર્ગોત્તમ લગ્ન થઈ ગયું ગણાય છે તેથી મૂળ જન્મકુંડળીનું બળાબળ વધી જાય છે.

જો મૂળ જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહ જે રાશિમાં હોય અને નવમાંશ કુંડળીમાં પણ એ જ રાશીમાં હોય તો તે વર્ગોત્તમી થયો કહેવાય. જેમ કે જન્મકુંડળીમાં સૂર્ય મેષ રાશિમાં હોય અને નવમાંશ કુંડળીમાં પણ સૂર્ય મેષ રાશિમાં હોય તો તેને વર્ગોત્તમી થયો કહેવાય.આ જાતકને ખૂબ જ પ્રતિષ્ઠા, માન-મોભો, સરકારી પદ અથવા સરકારી અધિકારીઓ સાથે સારા સંબંધો, સારું આરોગ્ય એમ તમામ બાબતો અંગે ચોકક્સ સુખ મળશે.

જો જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહનો નીચનો,અસ્તનો કે વક્રી થતો હોય તે ગ્રહ જો નવમાંશ કુંડળીમાં સ્વગૃહી કે ઉચ્ચનો થઈ જાય તો તે નીચ ગ્રહનું ફળ જન્મની અમુક ઉંમર સુધી મળે છે ત્યારબાદ મધ્ય અવસ્થામાં નવમાંશ કુંડળીમાં બિરાજમાન સ્વગૃહી કે ઉચ્ચનો ગ્રહ પરિણામ આપે છે.ધારો કે જન્મકુંડળીમાં શુક્ર કન્યા રાશીમાં નીચનો થતો હોય પરંતુ નવમાંશ કુંડળીમાં શુક્ર વૃષભ રાશિમાં સ્વગૃહી અથવા મીન રાશિમાં ઉચ્ચનો થતો હોય તો જન્મકુંડળીમાં રહેલા શુક્રનું નીચત્વ ભંગ એક ચોકક્સ ઉંમરે થાય છે અને જીવનની એક ચોકકસ અવસ્થા સુધી તે નીચના શુક્રનું ફળ મળશે ત્યારબાદ જીવનની મધ્ય અવસ્થામાં તેને નવમાંશ કુંડળીના સ્વગૃહી કે ઉચ્ચના શુક્રનું ફળ પ્રાપ્ત થશે.

કોઈ પણ ગ્રહ જન્મકુંડળીમાં પોતાનું બળ ખોઈ બેસતો હોય પણ જો નવમાંશ કુંડળીમાં ઉચ્ચનો કે સ્વગૃહી થઈ જતો હોય તે ગ્રહનું ચોકકસ સારું ફળ મળે છે જેમ કે તુલા લગ્નની કુંડળીમાં મંગળ મિથુન રાશિમાં શત્રુક્ષેત્રી થયો ગણાય પણ જો નવમાંશ કુંડળીમાં મંગળ મેષ અને વૃશ્વિક રાશિમાં સ્વગૃહી થતો હોય,સિંહ રાશિમાં મિત્રક્ષેત્રી થતો હોય અથવા મકર રાશિમાં ઉચ્ચનો થતો હોય તો મંગળનું ચોકક્સથી સારું પરિણામ પ્રાપ્ત થશે.આ જાતકને ધનનું અને જીવનસાથીનું સુખ ખૂબ સારૂં મળશે કારણકે તુલા લગ્નની કુંડળીમાં ધનેશ અને સપ્તમેશ મંગળ થયો કહેવાય.

નવમાંશ કુંડળીનું લગ્ન અને લગ્નેશ જાતકની રહસ્યમય બાબતોને દર્શાવે છે. જન્મકુંડળી પરથી જાતકનું બાહ્ય ચરિત્ર જાણી શકાય છે પણ જાતકનું આંતર્મુખી ચરિત્ર જાણવું હોય તો નવમાંશ કુંડળીના લગ્ન અને લગ્નેશને જોવો જોઈએ.

ઘણા જયોતિષ જિજ્ઞાસુઓ મારી પાસે આવીને પોતાની વ્યથા ઠાલવતા હોય છે કે સાહેબ મારી જન્મકુંડળી ચાર પાંચ ગ્રહો ઉચ્ચના થાય છે પણ તોય તે ગ્રહોનું ફળ મને કેમ નથી મળતું ? જયારે તે જાતકની હું નવમાંશ કુંડળી પર ચકાસુ ત્યારે માલૂમ થાય છે કે જન્મકુંડળીમાં બિરાજમાન ઉચ્ચના ગ્રહો નવમાંશ કુંડળીમાં નીચના અથવા શત્રુક્ષેત્રી થઈ જતા હોય છે માટે તે જાતકને તે ઉચ્ચના ગ્રહોનું યોગ્ય ફળ મળતું નથી.

વાંચકો,જયોતિષ ખૂબ જ ગૂઢ છે.જન્મકુંડળીમાં બિરાજમાન ગ્રહોના આધારે જાતકનું ભવિષ્ય કયારેય ભાખી શકાતું નથી પરંતુ ચોકક્સ બાબતોને જાણવા માટે જન્મ કુંડળી, નવમાંશ કુંડળી, ચલિત કુંડળી અને ષષ્ઠાંશ કુંડળી જોવી પડે છે. તે સાથે જન્મકુંડળીનો ગ્રહ કોના નક્ષત્રમાં છે, કેટલી ડીગ્રીનો છે, કઈ દિશામાં છે, સ્વગૃહી છે, ઉચ્ચનો છે, નીચનો છે,મિત્રક્ષેત્રી છે કે શત્રુક્ષેત્રી છે તે તમામ બાબતોનું તાર્કિક અવલોકન કરવું જરુરી છે.

જયોતિષ એ રોજ શીખવાનું સંશોધનભર્યુ ગાણિતીક અને વૈજ્ઞાનિક શાસ્ત્ર છે. હું દરરોજ શીખું છું અને આજીવન શીખતો રહીશ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page