29 C
Ahmedabad
Friday, September 20, 2024

નસીબનું જોડાણ (કિસ્મત કનેકશન)

એક ગામ હતું તેમાં મહાદેવજીનો પરમ ભક્ત કલ્યાણ રહેતો. કલ્યાણ હંમેશા શિવાલયમાં મહાદેવજીની પૂજા-પાઠમાં લીન રહેતો. એકવાર તે ગામમાં પૂર આવ્યું. ગામવાળા ભાગવા લાગ્યા. તેમાં ગામના મુખી કલ્યાણને બચાવવા માટે શિવાલય આવ્યા અને કલ્યાણને કહ્યું કે “તું અમારી સાથે ચાલ નહી તો પૂરમાં તણાઈ જઈશ” કલ્યાણે કહ્યું કે “તમે લોકો જાઓ, મને તો મારો મહાદેવ બચાવશે”. પૂરનો તણાવ એટલો વધી ગયો કે હવે પાણી શિવાલયના ઓટલે સુધી આવી ગયું. એક નાવિક કલ્યાણને બચાવવા નાવ લઈને આવ્યા પણ કલ્યાણે ફરીથી એ જ રટણ રચ્યું કે “તમે જાઓ,મને તો મારો મહાદેવ બચાવશે” આમ કરતા કરતા ગામ આખુ ડૂબવા લાગ્યું. શિવાલય પણ અડધુ ડૂબવા માંડયું.એક આર્મીમેન વિમાન લઈને આવ્યા, તેમણે દોરડું નીચે ફેંકયું અને કલ્યાણને કહ્યું કે “આ દોરડું પકડીને ઉપર આવી જાઓ ” કલ્યાણે ફરીથી કહ્યું ” ના તમે જાઓ, મને તો મારો મહાદેવ બચાવશે” આખરે શિવાલય પૂરમાં ડૂબી ગયું અને કલ્યાણ પણ સાથે ડૂબી ગયો.

કલ્યાણનો દેહત્યાગ શિવાલયમાં થયો હોવાથી કલ્યાણ સદેહે શિવના ધામમાં કૈલાસ પહોંચ્યો પરંતુ તેના મનમાં વારંવાર એક પ્રશ્ન ઉદભવતો હતો.તે તેણે પરમાત્મા શિવના દર્શન કરીને તેમને પૂછયો કે “હે મહાદેવજી ! મને તમારી પર આટલી બધી શ્રદ્ધા હતી તોય તમે મને કેમ બચાવવા ના આવ્યા ?

મહાદેવજીએ હસીને કહ્યું કે હે મારા પરમભક્ત કલ્યાણ ! હું એક વાર નહી ત્રણ ત્રણ વાર તારું કલ્યાણ કરવા આવ્યો હતો ( તને બચાવવા આવ્યો હતો ) પણ તે મને ના ઓળખ્યો.પેલા કલ્યાણને આશ્ચર્ય થયું ને પૂછયું કેવી રીતે ? શિવ સ્વયં બોલ્યા “ગામનો જે મુખી દોડીને તારી પાસે આવ્યો તે મારો નંદી હતો,તારા ગામનો અસલ મુખી તો કયારનો ભાગી ગયો હતો.બીજી વાર તને બચાવવા નૌકા લઈને જે નાવિક આવ્યો તે નાવિક મારો ભૈરવ વીરભદ્ર હતો.તું વિચાર કે અચાનક આવેલા પૂરમાં તરત નૌકાની વ્યવસ્થા કોણ કરીને આવતું ? તોય તું ના માન્યો ત્યારે અંતિમ ઘડીએ હું કૈલાસથી મારા વિમાનમાં બેસીને આવ્યો ને મેં તને બચાવવા દોરડું ફેંકયું પણ તને લાગ્યું કે મને કોઈ આર્મીમેન બચાવવા આવ્યા છે પણ ખરેખર તો સાચા આર્મીના જવાનો રસ્તામાં હતા.

શિવ હસીને ફરીથી બોલ્યા કે હે કલ્યાણ ! હું પરમેશ્વર છું.હું તમારી સાથે હંમેશા હોઉં છું.જે મને એનો માને છે એનો હું હંમેશા છું. હું હંમેશા મારા ભક્તનું કલ્યાણ કરું છું પણ હું કયારેય મારી વેશભૂષામાં કે અસલ સ્વરૂપમાં તમારી સામે આવતો નથી.હું કયાંકને કયાંક કોઈને કોઈ સ્વરૂપે તમારી સાથે આવીને તમારું રક્ષણ કરું છું.તમને તમારા આવેલા સંકટોમાંથી ઉગારું છું. કયારેક હું નથી આવતો તો મારા દૂતોને મોકલું છું.કયારેક મારા એક ભક્તને આંત:સ્ફૂરણા કરીને બીજા ભક્તની મદદ કરવા માટે પ્રેરું છું. મારા બધા જીવોના નસીબનું જોડાણ કે કિસ્મત કનેકશન મેં સ્વયં નિર્માણ કરેલું હોય છે.

આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે.આપણે ઘણા સંકટોમાં ઘેરાયા હોય, આપણી પાસે ઘણી બુદ્ધિ,જ્ઞાન,મહેનત, આવડત કે કલા હોય કે કોઈ આર્થિક, શારીરિક, માનસિક કે પારિવારિક તકલીફ હોય પરંતુ આપણે ગમે તે કરીએ તોય કૂવાની અંદર રહેલા દેડકાની જેમ બહાર નીકળી શકતા નથી.

આ સમયગાળા દરમિયાન આપણે આપણા ઈષ્ટદેવ કે કુળદેવીને ખૂબ કરગર્યા હોય ત્યારે ઈશ્વર કોઈકને કોઈક સ્વરૂપે આપણી મદદ કરવા આવે છે. કોઈક હોય છે જે તમારી પ્રતિભાને ઓળખે છે,તમને પ્રેરણા આપે છે, તમારી કિસ્મતને આગળ વધારવા તમને ધક્કો મારે છે પણ ઘણીવાર આપણે કલ્યાણની જેમ આપણા સિદ્ધાંતોને વળગી રહીએ છે તેથી આપણું કિસ્મત પલટાતું નથી.

હું મારા પંદર વર્ષના જયોતિષીય અભ્યાસ મુજબ પ્રયત્ન કરું તો બે વ્યકિતનો “નવપંચમ યોગ” થતો હોય અથવા બંને વ્યકિતના ચંદ્ર મળતા હોય અથવા બંને વ્યકિતના ચંદ્ર રાશિના નક્ષત્ર મળતા હોય કે પછી બંનેના સૂર્ય,ગુરુ કે શુક્ર મળતા હોય તે તે બંને વ્યકિતનું પ્રબળ કિસ્મત કનેકશન થાય છે. જેમાં એક વ્યકિત બીજાના કિસ્મતને આગળ લાવવા માટે ધક્કો મારે છે.

જયોતિષશાસ્ત્રમાં સૂર્ય એટલે આત્મા, ચંદ્ર એટલે મન,ગુરુ એટલે ધર્મ, શુક્ર એટલે પ્રેમ.આ બધા ગ્રહોના કોમ્બિનેશન બે વ્યકિતની કુંડળીમાં કયાંક ને કયાંક મળતા હોય તો જ બંને વ્યકિત સાથે હોય અથવા એકબીજાના જીવનમાં એકબીજાનું નસીબ ફેરવવા આવ્યા હોય એ ચાહે મિત્ર સ્વરૂપે હોય,ગુરુ રૂપે હોય,જીવનસાથી તરીકે હોય, ધર્મના ભાઈ-બહેન રૂપે હોય,ભાગીદાર હોય કે ગમે તે રીતે હોય આ “કિસ્મતનું કનેકશન” સ્વયં ઈશ્વરે નિર્માણ કરેલું હોય છે.

આવી જ રીતે જન્મની ચંદ્ર રાશિના નક્ષત્રનું સમજવું. ધારો કે કોઈ વ્યકિતને વૃષભ રાશિનો ચંદ્ર અને રોહિણી નક્ષત્ર છે તેમ એની સામે કોઈને વૃષભ રાશિનો ચંદ્ર અને રોહિણી નક્ષત્ર હોય તો આ મિત્રતા મજબૂત ધાગા જેવી હોય છે જે કયારેય તૂટતી નથી.

આ આર્ટિકલ પરથી એમ સમજાવવા માંગું છું કે આપણે હંમેશા લોકો સાથે ભળતા રહેવું જોઈએ.કોઈ તમારામાં સારું શોધીને તમને પ્રેરણા આપશે તો તમારી કિસ્મત બદલાશે અને જો કોઈ તમારી સાથે કંઈ ખોટું કરી જશે અને તમે છેતરાશો તોય તમને કંઈક શીખવા મળશે ને તમારી કિસ્મત બદલાશે કારણકે આપણા બધા લોકોની “કિસ્મતનું કનેકશન” સ્વયં ઈશ્વર કરે છે તે જે કરે છે તે હંમેશા સારું કરે છે.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page