કોઈ જન્મથી ધનવાન હોય છે તો કોઈ યોગ્ય દિશામાં મહેનત કરીને ધનવાન થાય છે. કોઈના નસીબમાં ધન લખ્યું હોય છે તો કોઈ કોઈના નસીબથી ધનવાન થાય છે.
વૈદિક જયોતિષશાસ્ત્રના કેટલાક નિયમો એવા છે કે જો તમારી જન્મકુંડળીમાં આવા યોગ બનતા હશે તો તમે ચોકક્સ ધનવાન થશો.
જન્મકુંડળીમાં ધનેશ સ્વગૃહી કે ઉચ્ચનો હોય
જન્મકુંડળીમાં ધનેશ લાભ સ્થાનમાં હોય
જન્મકુંડળીમાં ધનેશ લાભેશનું પરિવર્તન હોય
જન્મકુંડળીમાં ધનેશ કેન્દ્ર અથવા ત્રિકોણમાં શુભ ગ્રહો સાથે હોય અથવા ઉચ્ચનો થતો હોય.
જન્મકુંડળીમાં ધનનો કારક ગુરુ ઉચ્ચનો અથવા સ્વગૃહી હોય અથવા શુભ સ્થાનમાં હોય
જન્મકુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીની કેન્દ્રમાં યુતિ થતી હોય
જન્મકુંડળીમાં લગ્નેશ અને ભાગ્યેશની યુતિ હોય
જન્મકુંડળીમાં ગુરુ કોઈ પણ રાશિનો હોય ધન સ્થાનમાં બિરાજમાન હોય
જન્મકુંડળીમાં શુક્ર બુધ ધનસ્થાનમાં અથવા લાભસ્થાનમાં હોય
જન્મકુંડળીમાં ચતુર્થેશ અને ધનેશનું પરિવર્તન હોય.
આવા કેટલાય ધનવાન થવાના યોગો છે જે અહીં વર્ણવવા જઈશ તો આ આર્ટિકલ નિબંધ જેવો થઈ જશે અને મારે તમને કંટાળો આવે તેમ લખવું નથી.
સાવ સરળ સામાન્ય શબ્દોમાં સમજાવું તો ધનવાન થવા માટે કુંડળીમાં ધનનો કારક ગુરુ સારો હોવો જોઈએ.ધન સ્થાનનો સ્વામી ધનેશ સારો હોવો જોઈએ સુખ સ્થાનનો સ્વામી સુખેશ સારો હોવો જોઈએ તો તમે અચૂક ધનવાન બનશો.
અહીં તમે હજારોપતિ બનશો, લાખોપતિ બનશો, કરોડપતિ બનશો, અબજોપતિ બનશો કે પછી એક સામાન્ય સ્ત્રીના જ પતિ બનશો તે જન્મકુંડળીના સૂક્ષ્મ વિશ્લેષણ બાદ જ માલૂમ થઈ શકે છે.
અન્ય એક સમજવા જેવી વાત એમ છે કે તમે કરોડપતિ કેમ ના હોવ પણ જો તે ધનનો તમે ભોગ ના કરી શકો તો એ ધન કોઈ કામનું નથી અર્થાત્ તમારી પાસે ગમે તેટલું ધન હોય તમે પેટે ખાઈ પી ના શકો, સરખું પહેરી ઓઢી ના શકો કે હરી ફરી ના શકો તો તે ધન કંઈ કામનું નથી તે માટે જન્મકુંડળીમાં તમારો શુક્ર પણ સારો હોવો જરૂરી છે.
ધારધાર સત્ય વાત લખું તો આ કળિયુગમાં તમારી પાસે પૈસા, પદ, પ્રતિષ્ઠા, પાવર અને પ્રોપર્ટી એમ પાંચ “પ” નહી હોય તો કોઈ તમને કામ વગર બોલાવશે પણ નહી.
એક ફિલસૂફીનું વાક્ય છે કે માણસ ધનથી નહી મનથી કરોડપતિ હોવો જોઈએ પરંતુ આ વાક્યને કંઈક આવી રીતે લખવાની જરૂર છે કે માણસ ધનથી જેટલો કરોડપતિ હોય ને તેટલો જ મનથી પણ કરોડપતિ હોવો જોઈએ અર્થાત્ આપણી પાસે આવેલું ધન, સંપત્તિ કે જે કંઈ પણ છે તે ઈશ્વરે આપણને તેના ખજાનામાંથી આપ્યું છે આપણે તે ધનથી જરૂરિયાતમંદોને આપણાથી થાય તેટલી મદદ કરતા રહેવું જોઈએ તો આપણે સાચા અર્થમાં “ધનવાન” કહેવાઈએ.
જય બહુચર માં.