આપણે નાના હતા ત્યારે લખોટીઓ,બોલ-બેટ ( ક્રિકેટ ), ગિલ્લીદંડા, આઈસપાઈસ, ગોળાફેંક, વોલીબોલ,ફૂટબોલ,હોકી જેવી મેદાની રમતો ( Outdoor Games ) રમતા હતા. (Indoor Games ) રૂમની અંદર રમાય તેવી રમતોમાં આપણે ચેસ, કેરમ, ફોટા, પત્તા, લુડો, નવો વેપાર, ટેબલટેનિસ વગેરે રમતા હતા.
અત્યારની જનરેશનની વાત કરીએ તો આપણે જેવા ખેલકૂદની રમતો રમતા હતા તે અત્યારની જનરેશન રમતી નથી.બસ મોબાઈલમાં જ ગેમ્સ રમે અથવા ઘરે માતા-પિતાએ પીએસપી લાવી આપ્યું હોય તેમાં ગેમ રમે અને આ છોકરો પછી મોબાઈલની કે પીએસપી ગેમોનો આદિ થઈ જાય છે અને લાંબા ગાળે તે છોકરાનો બાહ્ય તથા શારીરિક વિકાસ થતો નથી. ( તેને આંખે ચશ્માના નંબર આવે છે તે અલગ….)
છતાં પણ ઘણા માતા-પિતા એવું ઈચ્છતા હોય છે કે અમારો દીકરો ખેલ-કૂદમાં આગળ વધે.તે ખિલાડી બને.આવી જ એક કુંડળી હમણા મેં ત્રણ દિવસ પહેલા જોઈ.એક બાળકના પિતા તેમના દીકરાની કુંડળી લઈને મારી પાસે કન્લસ્ટ કરવા આવ્યા હતા.તેમના બાબાને તેમણે ક્રિકેટના કોચિંગમાં મૂક્યો છે.તેમનો બાબો ઘરમાં અને બહાર પણ દિવસના બાર કલાકમાંથી છ કલાક બોલ અને બેટ લઈને રમવા નીકળી પડે.
મેં તે બાબાની કુંડળી જોઈ ત્યારે જોયું કે તેની મકર લગ્નની કુંડળીમાં મકરનો ઉચ્ચનો મંગળ હતો. પરાક્રમેશ ગુરુ પણ સાતમે કર્ક રાશિમાં ઉચ્ચનો થતો હતો. ભાગ્યેશ અને ષષ્ઠેશ બુધ પણ ભાગ્ય સ્થાનમાં ઉચ્ચનો થતો હતો.લગ્નેશ શનિ પણ બીજા સ્થાનમાં સ્વગૃહી થતો હતો. કર્મ સ્થાનમાં તુલાનો સ્વગૃહી શુક્ર હતો અને ત્યાં જ નીચનો સૂર્ય હતો.
ગ્રહોના આ પ્રમાણેના આશીર્વાદ જોઈને મેં તે ભાઈને ચોકક્સથી કહી દીધું કે આપનો બાબો “ખેલાડી” બનશે. તેની કુંડળીમાં ખેલાડી બને તેવા ગ્રહયોગો હતા. બધા ગ્રહો તે રીતે ગોઠવાયેલા હતા કે તે એક ઉમદા ક્રિકેટર બને.
તર્ક આપું તો મંગળ વીરતા અને ગતિશીલતા સૂચવે છે જે કેન્દ્રમાં ઉચ્ચનો છે. પરાક્રમ સ્થાનનો સ્વામી ગુરુ ઉચ્ચનો થતો હતો તેથી તે બાળક ગમે તે પ્રકારનું પરાક્રમ કરી શકે તેમ હોય જયાં ગુરુ જ્ઞાનનો પણ કારક છે. (ક્રિકેટમાં વિશેષ પ્રકારનું જ્ઞાન હોય)
જયોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિનો કારક કહ્યો છે તેથી બુધ પણ ઉચ્ચનો હોવાથી આ દીકરાની બુદ્ધિમત્તા તથા નિર્ણયશક્તિ ખૂબ સારી હોય.
બુધ છઠ્ઠા સ્થાનનો સ્વામી થઈને કન્યા રાશિમાં ઉચ્ચનો થતો હોવાથી ખેલમાં વિરોધી ખેલાડીઓને પરાસ્ત કરી શકે છે. લગ્નેશ પ્રબળ હોઈ ભરપૂર આત્મવિશ્વાસી હોઈ શકે છે. શનિ સૂઝબૂઝનો પણ કારક હોવાથી ખેલમાં સૂઝબૂઝ વાપરે.
કર્મેશ શુક્ર તુલામાં સ્વગૃહી હોવાથી ખેલકૂદમાં આકર્ષણ પેદા કરી શકે છે. સાથે સૂર્ય નીચનો છે પણ નીચના સૂર્યનું નીચત્વ ભંગ ત્યાં જ બેઠેલો સ્વગૃહી શુક્ર કરે છે તેથી તેને પ્રતિષ્ઠા પણ મળી શકે છે.
આમ કહેવાનો મતલબ એમ થાય છે કે ખેલકૂદ (Sports ) નો કારક મંગળ, જન્મકુંડળીનો લગ્નેશ, પરાક્રમેશ, ભાગ્યેશ તથા ષષ્ઠેશ જો જાતકની કુંડળીમાં સારો હોય તો તે “ઉત્તમ ખેલાડી” બની શકે છે.
કેટલાક લોકો (Indoor Games ) ઈનડોર ગેમ્સ જેવી કે ચેસ, લુડો, પત્તા, કેરમ વગેરેમાં માહિર હોય છે તે ખેલાડીઓની કુંડળીમાં બુદ્ધિનો કારક બુધ સ્વગૃહી કે ઉચ્ચનો જોવા મળે છે.
તમારો દીકરો કે દીકરી ભણવામાં જ સારો થાય તે જરૂરી નથી બની શકે કે તેને ખેલાડી બનવામાં રસ હોય. તમારો દીકરો જેમાં આગળ વધી શકે તે વિષયમાં તેને નિષ્ણાત બનાવજો. જોડે ભણાવજો પણ ખરા પરંતુ તેની રમવાની સ્વતંત્રતા કયારેય છીનવશો નહી. મોબાઇલમાં આંખો ફોડે તેના કરતા તેને બહાર થોડો સમય રમવા જવા દેજો.
અમારા બા એવું કહેતા કે છોકરો ઘરકૂકડો બને તે નહી સારું.
બહાર રમવા મોકલવાનો તેથી બીજા છોકરાઓ જોડે રમીને હોંશિયાર થાય.
જય બહુચર માં.