ગુરુનું રત્ન પોખરાજ કોણે ધારણ કરવું જોઈએ અને કોણે નહી એ જાણતા પહેલા ગુરુ ગ્રહની લાક્ષણિકતાઓ વિશે અને થોડા ઘણા ગેરલાભો વિશે ચર્ચા કરીએ.આમ તો ગુરુ ગ્રહ દરેક રીતે શુભ છે. તે જ્ઞાન અને સંપત્તિ આપે છે, દરબદર ભટકતા હોય તેને સ્થિરતા ( Position ) આપે છે, દરેક પ્રકારની ઈચ્છાપૂર્તિ કરે છે, સંતોષી જીવન પ્રદાન કરે છે, લગ્ન ના થતા હોય એના લગ્ન કરાવે છે, સંતાનસુખ આપે છે,સ્વાસ્થય સારું રાખે છે,ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. ટૂંકમાં કહું તો ગુરુ એ શિક્ષક છે જે તમને જીવનના તમામ પ્રકારના પાઠ શીખવીને હોંશિયાર કરે છે. આ હતી ગુરુની લાક્ષણિકતાઓ.. !
જેમ મનુષ્ય સ્વભાવમાં કેટલાક પોઝિટિવ લક્ષણોની સાથે નેગેટિવ લક્ષણો હોય છે તેમ ગ્રહોની લાક્ષણિકતા સાથે તેમના કેટલાક ગેરલાભ પણ છે જેમ કે ગુરુ ગ્રહ સ્થિરતા આપે છે તે વાત સાચી પણ તે હંમેશા (Safe Zone) સલામત ક્ષેત્રમાં રાખે છે. તમે જયાં છો ત્યાં તમને સલામતી અનુભવાય છે, આગળ કંઈ નવું વિચારતા નથી અને જીવન ત્યાં જ પુરુ થઈ જાય છે, ગુરુ એ શિક્ષક છે તે પોતે હંમેશા સલાહ આપે છે.તેમની આ સલાહ આપવાનું વલણ કયારેક લોકોને ડોઢ ડહાપણ જેવું લાગે છે, ગુરુ પ્રધાન વ્યકિતને ગળ્યું ભાવે છે જેથી થાઈરોઈડ અથવા ડાયાબિટીસના રોગથી પીડાતા હોય છે. ખાઈ પીને મસ્ત મોલા થઈને મોટું પેટાળુ શરીર લઈને બેઠા બેઠા કાર્ય કરતા લોકો પર ગુરુની મહેરબાની છે તેમ માનવું.
વર્ષોથી એવી ગેરમાન્યતા ચાલતી આવી છે કે ગુરુનું રત્ન પોખરાજ કોઈ પણ ધારણ કરી શકે પણ જયોતિષશાસ્ત્રમાં કંઈક નવું સંશોધન કરવાના હેતુસર સરેરાશ હું એવી ત્રીસ વ્યકિતને મળ્યો જેમણે તેમની પહેલી આંગળીમાં ( તર્જની – First Fingure ) માં ગુરુનું રત્ન પોખરાજ ધારણ કર્યુ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ ત્રીસ વ્યકિતઓ છેલ્લા દસ પંદર કે વીસ વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે અથવા તો કયાંક દુકાન કે ઓફિસ લઈને સેટ થઈને સુરક્ષિત ક્ષેત્રમાં બેસી ગયા છે.ગુરુનું રત્ન પોખરાજે તેમની દરેક પ્રકારની ઈચ્છાપૂર્તિ કરી છે પણ આ જ ગુરુએ આજ સુધી તેમનું Safe Zone છોડવા દીધુ નથી અને કંઈક નવું સાહસ પણ કરવા દેતો નથી. એમાંથી બે ત્રણ જણને તો એવો વહેમ થઈ ગયો છે કે પોખરાજ કાઢી નાંખીશ તો બરબાદ થઈ જઈશ તો કેટલાક શોખથી પોખરાજ પહેરીને પોતે જે ક્ષેત્રમાં છે ત્યાં ખુશ છે અને એમને હવે કંઈ આગળ નવું કરવું નથી.
હવે મુદાની વાત પર આવીએ કે ગુરુનું રત્ન પોખરાજ કોણે ઘારણ કરવું જોઈએ ? તો એનો સરળ જવાબ છે જેની જન્મ કુંડળીમાં નીચનો,વક્રી કે અસ્તનો ગુરુ થતો હોય એણે જ પોખરાજ ધારણ કરાય બીજા કોઈએ કરાય નહી. ધન રાશિ અને મીન રાશિવાળી વ્યકિતઓનો સ્વામી જ ગુરુ છે તેથી તેમની કુંડળીમાં ગુરુ બગડતો હોય તો જ પોખરાજ ધારણ કરાય. જેની કુંડળીમાં કર્ક રાશિનો ઉચ્ચનો ગુરુ હોય એને પોખરાજ પહેરવાની કોઈ જ જરૂર નથી. વૃષભ રાશિ અને તુલા રાશિ શુક્ર પ્રધાન રાશિ છે તેમણે કયારેય પણ પોખરાજ પહેરાય નહી. (અપવાદ – ગુરુ બગડતો હોય તો જ પહેરાય ). બાકી જેણે પણ એમનેમ પોખરાજ પહેર્યો છે તેમણે જીવનમાં આગળ વધવું હોય ( Growth કરવો હોય ) તો જયોતિષીય માર્ગદર્શન મેળવીને પોખરાજ કાઢી નાંખવો જોઈએ. જેણે પહેલી આંગળીમાં ગુરુનું રત્ન પોખરાજ પહેર્યુ હોય તેમણે છેલ્લી આંગળીમાં બુધનું રત્ન પાનું પહેરાય નહી.એનું તર્ક પછી કયારેક વિસ્તારપૂર્વક વર્ણવીશ. જેણે કોઇને ગુરુ બનાવ્યા હોય એણે વળી પોખરાજ પહેરવાની શી જરૂર છે ?
ગુરુનું રત્ન પોખરાજ સોનામાં પહેરાય કારણકે ગુરુની ધાતુ સોનું છે.ગુરુ ૪ કે ૪.૫ કેરેટ ઉપરનો ચમકદાર, પલાશના ફૂલ જેવો પીળો અને સાચો હોવો જોઈએ. ગુરનું સાચું રત્ન પોખરાજ થોડું મોંધું હોય છે તેથી જેની સાચું રત્ન પોખરાજ ધારણ કરવાની શકિત ના હોય તેમણે પોખરાજનું ઉપરત્ન ધિયા, સુનૈલા, પીળો હકીક વગેરે પહેરવો જોઈએ.ગુરુના બે પ્રકારના રત્ન આવે છે.એક બેંગકોક પોખરાજ અને બીજો શ્રીલંકાનો પોખરાજ.આમાંથી કોણે કયો ધારણ કરવો તે જ્યોતિષીને જ માલૂમ હોય છે.
ગુરુનું રત્ન ગુરુવારે સવારે સુદના દિવસોમાં પહેરાય. જેમ મોબાઈલને રોજ ચાર્જીંગ કરીએ છે તેમ ગુરુના રત્ન પોખરાજને દર ગુરુવારે હળદરના શુદ્ધ જળમાં ધોઈને અગરબત્તીનો ધૂપ આપીને શુદ્ધ ( ચાર્જ ) કરવો જોઈએ.
મારા સંશોધન પર વિશ્વાસ રાખીને તમે પણ જાણ્યા જોયા વગર પોખરાજ પહેર્યો હોય તો જયોતિષ પરામર્શ લઈને પોખરાજ આંગળીમાંથી કાઢી નાખજો જેથી તમારો વિકાસ થાય કારણકે મારા અવલોકન મુજબ ગુરુ એ શિક્ષક જેવો ગ્રહ છે અને મારે મન એક તર્ક હંમેશા રહ્યો છે કે ગુરુ અને રસ્તો હંમેશા ત્યાંના ત્યાં રહે છે માત્ર વિદ્યાર્થીઓ અને મુસાફરો આગળ વધે છે.
ઉદાહરણ આપું તો તમારી શાળાના શિક્ષક હજી પણ ગણિત જ ભણાવતા હશે ને વિદ્યાર્થીઓ એન્જિનિયર કે ડૉક્ટર બની ગયા હશે.તમે તમારા ઘરની બહાર જે રસ્તે ચાલો છો તે જ રસ્તો આવનાર દશ – વીશ કે પચાસ વર્ષ સુધી ત્યાં નો ત્યાં જ હશે.ત્યાંથી કેટલાય મુસાફરો આગળ વધ્યા હશે.માટે હું પણ કોઈનો ગુરુ બનતો નથી અને કોઈને પણ જ્યોતિષ શીખવાડતો નથી કારણકે મારે સ્વયં રોજ કંઈક નવું શીખવું હોય છે ને મારે મારા મૃત્યુ સુધી નવું શીખતું રહેવું છે.
જય બહુચર માં.