જયોતિષશાસ્ત્રમાં મંગળને સેનાપતિ કહ્યો છે. મંગળ શૌર્ય, વીરતા અને પરાક્રમનો કારક ગ્રહ કહ્યો છે.મંગળ આપણા શરીરની અંદર વહેતા લોહીનો પણ કારક છે.મંગળ આ ભૂમિનો પુત્ર છે. મંગળ ગતિશીલ ગ્રહ છે.આંધળુ સાહસ એ મંગળનો આગવો ગુણધર્મ છે. મંગળ ક્ષત્રિય વર્ણનો છે.મંગળ શક્તિનો સ્ત્રોત છે. મંગળના ઈષ્ટદેવ ગણેશજી તથા હનુમાનજી છે અને ઈષ્ટદેવી સ્વયં શક્તિ છે.
જેની જન્મકુંડળીમાં મંગળ સ્વગૃહી કે ઉચ્ચનો થતો હોય અથવા મંગળ અગ્નિતત્વની રાશિમાં હોય જેમ કે સિંહ અને ધન રાશિમાં હોય તે પોલીસ કે સેનામાં હોય છે. જો કુંડળીમાં પરાક્રમ સ્થાનનો સ્વામી કર્મ સ્થાનમાં ઉચ્ચનો થતો હોય તો પોલિસ અથવા સેનામાં બહુ મોટા અધિકારીની પદવી પ્રાપ્ત કરે છે.
જન્મકુંડળીમાં ભાગ્યેશ કે કર્મેશ છઠ્ઠે મંગળ સાથે હોય તે પણ પોલીસ અથવા સેનામાં હોય છે કારણકે છઠું સ્થાન શત્રુઓનું છે. પોલીસ અને સેનાનું કાર્ય જ દુશ્મનોને માત આપવાનું હોય છે.
ટૂંકમાં પરાક્રમ સ્થાનના સ્વામીનો યેનકેન પ્રકારે કર્મેશ અને ભાગ્યેશનો સંબંધ ગમે તે રીતે મંગળ સાથે થતો હોય અથવા શત્રુસ્થાનમાં સૂર્ય અને મંગળ જેવા પરાક્રમી ગ્રહો હોય તે વ્યકિત પણ પોલીસ કે સેનામાં હોય છે
આ બધા ગ્રહયોગોમાં શનિને હાંસિયામાંથી બહાર કાઢી દેવાય નહી કારણકે શનિ ન્યાય અને અનુશાસનનો કારક છે. શનિ ગૂઢ રહસ્યો ઉકેલવામાં માસ્ટર છે તેથી મંગળ અને શનિનો યેનકેન પ્રકારે સંબંધ થતો હોય જેમકે મંગળ શનિની યુતિ કે પ્રતિયુતિ થતી હોય કે પછી મંગળ શનિના નક્ષત્રમાં હોય અથવા મંગળ શનિનો દષ્ટિ સંબંધ હોય તે પણ પોલીસ અથવા સેનામાં હોય છે.
જો જન્મકુંડળીમાં મંગળ કેતુ સાથે હોય તો વ્યકિત સીબાઆઈ,સીઆઈડી,રો એજન્ટ અથવા કોઈ જાસૂસી વિભાગમાં હોય છે કારણકે મંગળ સાહસનો કારક છે અને કેતુ મૂળ સુધી પહોંચાડનારો છે એટલે કોઈ ના ઉકલાય એવો કેસ સીબીઆઈને આપે છે…સમજયા… ?
જન્મકુંડળીમાં પાંચમું સ્થાન સંશોધનનું અને આઠમું સ્થાન ગૂઢ રહસ્યોનું છે. જો પાંચમાંનો અને આઠમાં સ્થાનનો માલિક શુભ થતો હોય અથવા પાંચમાં આઠમાં સ્થાનમાં શનિ,રાહુ જેવા ગૂઢ ગ્રહો બેઠા હોય તો પણ વ્યકિત ખૂફિયા એજન્ટ બને છે. અહીં રાહુને એટલે યાદ કરવો પડયો કે રાહુમાં વિશેષ ચાલાકી હોય છે.
અંતે પોલીસમાં કે સેનામાં ત્યારે જ જવાય જયારે સૂર્ય સારો હોય કારણકે સૂર્ય સારો ના હોય તો તમે કેવી રીતે સરકાર સાથે કામ કરી શકો ?
જન્મકુંડળીમાં સૂર્ય સરકારી કાર્યોનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય હોદો આપે છે.સૂર્ય આત્મવિશ્વાસનો કારક છે તેથી જો દુશ્મન સામે હોય ને હાથમાં રહેલી બંદૂક ચલાવવામાં આત્મવિશ્વાસ ડગી જાય તો પેલો તમને ગોળી મારી દે તેથી સૂર્ય પણ શુભ હોવો જરૂરી છે.
મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં જયારે શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપતા હોય છે ત્યારે કહે છે કે
शौर्यं तेजो धृतिर्दाक्षयं युद्देचाप्यपलायनम् । दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम्।।
યુદ્ધમાં નિર્ભયતા સાથે પ્રવેશ કરવો તે શૌર્ય છે.બીજાથી દબાવવું નહી તે તેજ છે.શરૂઆત કરેલા કાર્યમાં જો વિઘ્ન આવે તો પણ તેને ગમે તે રીતે પૂરું કરવાનું સામર્થ્ય લાવવું તે ધૃતિ છે. બધી જ ક્રિયાઓને પૂરી કરવી તે દક્ષતા છે. શૌર્ય,તેજ,ધૃતિ,દક્ષતા,યુદ્ધમાં મૃત્યુ નિશ્ચિત હોવા છતાં યુદ્ધમાંથી ભાગવું નહી.આપણી પાસે જે ધન સંપત્તિ અને દ્રવ્યો છે તેનું દાન કરવું ઈશ્વરમાં સાચો ભાવ રાખીને જનસમુદાયનું રક્ષણ કરવું તે ક્ષત્રિયોનું સ્વાભાવિક કર્મ છે.
જો આપ ક્ષત્રિય હોવ કે ના હોવ પણ પોલીસ કે સેનામાં જવા માટે તમારી અંદર ઉપર લખેલા ક્ષત્રિય જેવા ગુણધર્મો હોવા જરૂરી છે અર્થાત્ તમારે પોલીસ કે સેનામાં જવું હોય તો ક્ષત્રિય વર્ણનો ગ્રહ મંગળ પાવરફૂલ હોવો જોઈએ.
આ યુગમાં અત્યારે કોઈ ગમે તે વર્ણનું હોય પોતાના વર્ણથી વિપરીત કાર્ય કરતું હોય છે કારણકે ગમતું કાર્ય કરવામાં આ કાર્ય આ વર્ણનું કે તે વર્ણનું તેવી કોઈએ મ્હોર મારી નથી. જેની જે કાર્યમાં લગન હોય,આવડત હોય,શોખ હોય,જૂનુન હોય તેણે તે કાર્ય કરવું જ જોઈએ.
અત્યાર સુધી કોઈએ ધ્યાન આપ્યું નહી પણ આની શરૂઆત ભગવાન શ્રીકૃષ્ણે કરી હતી. શ્રી કૃષ્ણ ક્ષત્રિય હતા તેથી કંસને માર્યો. નાનપણમાં વૈશ્યના ત્યાં રહીને ગાયો ચરાવી. કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું જ્ઞાન બ્રાહ્મણની જેમ આપ્યું અને હંમેશા તેઓ શૂદ્રોના પૂજનીય રહ્યા.
અંતે વીરતાની કોઈ ખાસ વાત કરું તો……..
જનની જણજે તો ભક્ત જણજે
કાં દાતાં કા શૂર નહીતર રહેજે વાંઝણી
મત ગૂમાવીશ તારા નૂર…..
હે જન્મ દેનારી માં ! જો તું કોઈને જન્મ આપે તો તે ભક્ત હોય, કોઈ દાનવીર હોય કે કોઈ શૂરવીર હોય નહીં તો તું ભલે નિસંતાન સ્ત્રી બની રહે પણ તું તારું તેજ ના ગુમાવીશ.
જય બહુચર માં.