28 C
Ahmedabad
Friday, September 20, 2024

જયોતિષશાસ્ત્ર – મન અને બુદ્ધિની હરીફાઈ

મનુષ્ય બે રીતે વિચારે છે. એક મનથી અને બીજું બુદ્ધિથી.

મનની અંદર લાગણીઓ, દયા, કરૂણા, સંવેદનશીલતા, મોહ, પ્રેમ આ સર્વત્ર હોય છે જયારે બુદ્ધિમાં હોંશિયારી, ચાલાકી, ચતુરતા વગેરે હોય છે.

મન અને બુદ્ધિની લડાઈમાં બુદ્વિ કયારેય જીતી નથી શકતી. બુદ્ધિને મન સામે હારી જવું પડે છે કારણકે મન માફ કરતા શીખવે છે, જતુ કરવા શીખવે છે જયારે બુદ્ધિ એમ કહે છે કે માફ કરીશ તો ફરીથી મૂર્ખ બનાવશે.

આચાર્ય ચાણકય કહેતા કે કોઈને મનથી માફ કરી દો તે સારું છે પણ ફરીથી એને મોકો આપવો એ મૂર્ખતા છે.

મન અને બુદ્ધિની હરીફાઈમાં જન્મકુંડળીના ચંદ્ર અને બુધ પ્રબળ રીતે કાર્ય કરતા જોવા મળે છે કારણકે જયોતિષશાસ્ત્રના પ્રણેતા આચાર્ય પરાશર મુનિએ ચંદ્રનો મન સાથે અને બુદ્ધનો બુદ્ધિ સાથે ગાઢ સંબંધ ગણાવ્યો છે.

જે જાતકનો ચંદ્ર નીચનો હોય તેના મનમાં ડર, હતાશા અને નિરાશા જોવા મળતી હોય છે પણ બુધ કુંડળીમાં સારો હોય તો જાતક બુદ્ધિ વડે આ બાબતોને મ્હાત પણ આપી દેતા હોય છે.

ઉચ્ચના ચંદ્રવાળા જાતકો વધુ પડતા સંવેદનશીલ હોય છે પણ કુંડળીમાં બુધ સ્વગૃહી કે ઉચ્ચનો થતો હોય તો બુદ્ધિ વડે આ સંવેદનશીલતા પર અંકુશ પણ લાવી શકતા હોય છે.

જયોતિષ તાત્કાલિક સમજી જઈએ એટલું સહેલું નથી જો આમાં મૂળ સુધી પહોંચવું હોય તો સંશોધન કરવું જ પડે છે તેથી સંશોધનના ભાગ રૂપે ચંદ્રના ભ્રમણની પરિસ્થિતિને નિરખીને એક સમીક્ષા સુધી પહોંચવાનો મેં પ્રયત્ન કર્યો છે.

સમીક્ષા આ મુજબ છે કે ગોચરમાં ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ ભ્રમણ કરે છે જયારે બુધ એક રાશિમાં પચ્ચીસ દિવસ ભ્રમણ કરે છે. ચંદ્ર પૃથ્વીથી ઘણો નજીક છે તેથી પૃથ્વીવાસીઓના મન પર સૌથી વધારે ચંદ્રની અસર જોવા મળતી હોય છે. વારંવાર આપણો મૂડ બદલાવો એ માટે ગોચરનો ચંદ્ર જવાબદાર હોય છે.

આ સિવાય પણ જન્મકુંડળીમાં ચંદ્ર જો શત્રુ ગ્રહો સાથે હોય તો મનુષ્યના મન પર વધારે અસર કરતા જોવા મળે છે જેમ કે ચંદ્ર શનિ સાથે હોય તો જાતકનું મન વારંવાર નકારાત્મક થઈ જતું હોય છે.ચંદ્ર રાહુ સાથે હોય તો મનમાં ભ્રમ ઉત્પન્ન થાય છે.ચંદ્ર કેતુ સાથે હોય તો કોઈ બાબતને લગતી પીન ચોંટી જાય પછી ઉખડે નહી.ચંદ્ર બુધની યુતિ હોય તો જાતક ડિપ્રેશનથી પીડાય છે.આ યુતિમાં ચંદ્ર નીચનો હોય તો પાગલપણું આપે છે.

ચંદ્રથી બીજે કે બારમે કોઈ ગ્રહ ના હોય એટલે કે કેમદ્રુમયોગ હોય તેવા જાતકો પણ ડિપ્રેશનનો શિકાર હોય છે.

બુધનું પણ કંઈક આવું જ હોય છે.જન્મકુંડળીમાં ઉચ્ચનો બુધ હોય તો જાતકની વધારે પડતી યાદશક્તિના કારણે તેને નાની નાની વસ્તુઓ ભૂલવાની બીમારી થાય છે. બુધ સ્વગૃહી હોય તો તે જાતક અતિવાચાળ હોય છે. બુધ નીચનો થતો હોય તે જાતક અન્ય લોકોની વાતોમાં આવી જતા હોય છે. બુધ વક્રી હોય તે જાતકો વધુ પડતા હોંશિયાર હોય છે.

જયારે મનુષ્યને એમ ખબર પડી જાય કે કયાં મન (ચંદ્ર) નો ઉપયોગ કરવો અને કયાં બુદ્ધિ (બુધ) નો ઉપયોગ કરવો ત્યારે તે સર્વશક્તિમાન થાય છે પણ છતાં આપણા જેવા સામાન્ય મનુષ્યની હાલત મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં ઘૂંટણીયે પડેલા અર્જુન જેવી થઈ જતી હોય છે.

➼ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદ કરે છે કે

હે કૃષ્ણ ! મારી સામે મારા જ સગાવ્હાલા દુશ્મન બનીને ઉભા છે. આ બધાને હું કેવી રીતે મારું ? મને કંઈ સૂઝ નથી પડતી. તું મને જણાવ કે મારે શું કરવું ?

ભગવાન ગીતાના ત્રીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન ! બુદ્ધિ કરતા ઉપર સૂક્ષ્મ આત્મા છે. એને તું ઓળખ. તારી બુદ્ધિ વડે તારા મનને વશ કર. હે મહાબાહો ! આ કામરૂપી દુર્જન શત્રુને હણ.

હવે તમે સમજી ગયા ને કે શું કરવાનું છે ?

મન જયારે પણ ડિસ્ટર્બ થાય કે લાગણીઓમાં વહી જાય ત્યારે આપણી બુદ્ધિ વડે આપણા મનને વશ કરવાનું છે.

બોલો જય શ્રી કૃષ્ણ.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page