ભગવાન શિવના ઘણા અંશાવતાર છે. તેમાં પિપ્લાદ ઋષિની કથા અનેક પુરાણોમાં મળી આવે છે.
પુરાણોમાં મળી આવતી કથા અનુસાર મહર્ષિ દધીચી પરમ શિવભક્ત હતા. મહર્ષિ દધીચીના મૃત્યુ પછી તેમના હાડકાઓથી દેવરાજ ઈંદ્રએ એક વ્રજ બનાવ્યું હતું. તે વ્રજથી ઈંદ્રએ વૃત્તાસુરનો વધ કર્યો હતો.તે સમયે મહર્ષિ દઘીચીની ધર્મપત્ની સુવર્ચા ગર્ભવતી હતી.
જયારે મહર્ષિ દધીચીની પત્ની સુવર્ચાએ દધીચીના મૃત્યુના સમાચાર સાંભળ્યા અને જાણ્યું કે દેવતાઓએ દધીચી ઋષિના હાડકાઓથી શસ્ત્ર બનાવ્યું છે ત્યારે તે પતિના વિરહમાં સતી થવા વ્યાકુળ થઈ.તેવે સમયે આકાશવાણી થઈ કે હે સુવર્ચા ! આપના ગર્ભમાં દધીચીના પુત્ર અને શિવનો અવતાર એવું તેજસ્વી બાળક છે.આપ તેની રક્ષા કરો.
સુવર્ચાએ પીપળાના વૃક્ષ નીચે તે તેજસ્વી બાળકને જન્મ આપ્યો. ત્યારબાદ તે સતી થઈ ગઈ.આ બાળકના જન્મના સંસ્કાર બ્રહ્માજીએ કર્યા અને તેનું નામ પીપ્લાદ રાખ્યું. પીપ્લાદ પીપળાના વૃક્ષના પાંદડા અને ફળો ખાઈને મોટો થયો.
એકવાર ત્યાંથી નારદ મુનિ પસાર થયા. ત્યારે તે બાળકને નારદ મુનિએ પૂછયું કે આપ કોણ છો ? આપના માતા-પિતા કોણ છે ? બાળકે કહ્યું કે હું પિપ્લાદ છું. મારા માતા-પિતા કોણ છે તેની મને જાણ નથી.
ઋષિ નારદ મુનિએ પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને પીપ્લાદને જણાવ્યું કે આપના પિતા મહાન ઋષિ દધીચી હતા અને આપની માતા પરમ સતી સુવર્ચા હતી પણ આપના જન્મ સમયે આપના પિતાનું મૃત્યુ થયું અને આપની માતા સતી થઈ ગઈ.
પિપ્લાદે આંખોમાં આંસુ સાથે નારદજીને પૂછયું કે “મેં એવું તો શું પાપ કર્યું કે મારે જન્મતાની સાથે અનાથ થઈ જવું પડયું”. ત્યારે નારદે કહ્યું કે “આપે કંઈ જ પાપ નથી કર્યું, જે કંઈ પણ થયું તે માટે શનિની દષ્ટિ જવાબદાર છે. શનિની દષ્ટિના કારણે તમારે માતા-પિતા ગુમાવવા પડયા અને નાનપણમાં જ અનાથ થઈ જવું પડયું.
પિપ્લાદને આમ સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે શનિ નવજાત શિશુઓને પણ નથી છોડતો. નવજાત શિશુઓ પર કુદષ્ટિ કરે છે. શનિને આટલો બધો અહંકાર છે. ત્યારબાદ પિપ્લાદે ઘણા વર્ષો સુધી બ્રહ્માજીનું તપ કર્યું.બ્રહ્માજી પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. ઋષિ પિપ્લાદે બ્રહ્માજી પાસે “બ્રહ્મદંડ” માંગ્યું.
બ્રહ્મદંડની પ્રાપ્તિ કરીને પિપ્લાદ ઋષિ શનિને મારવા ત્રણે લોકમાં ફરવા લાગ્યા. એક વખત શનિનો સામનો થઈ જતા પીપ્લાદ ઋષિએ શનિ સાથે ઘોર યુદ્ધ કર્યું. અંતમાં પીપ્લાદ ઋષિએ શનિ પર બ્રહ્મદંડનો પ્રહાર કર્યો.શનિ બ્રહ્મદંડથી ડરીને ભાગવા લાગ્યો. ત્રણે લોકની પરિક્રમા કર્યા બાદ બ્રહ્મદંડે શનિનો પીછો ના છોડયો. આખરે બ્રહ્મદંડ શનિના પગમાં વાગ્યું અને શનિ અપંગ થઈ ગયો. બ્રહ્મદંડ શનિના શરીરને બાળવા લાગ્યું ત્યારે શનિએ પીપ્લાદ ઋષિની માફી માંગી.
પીપ્લાદ ઋષિએ શનિને એ શરતે માફ કર્યો કે તે બાળકના જન્મ ૧૬ વર્ષ સુધી એની કુદષ્ટિથી મુકત રાખશે અને જે પણ પીપળાના વૃક્ષ પર જળાભિષેક કરશે, દીવો કરશે, પીપળાના વૃક્ષની પૂજા કરશે તેને શનિ પીડા નહી આપે.શનિએ પીપ્લાદ ઋષિની ક્ષમાયાંચના માંગીને આ વાત સ્વીકારી.
વાંચકો,મારા સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે જેની જન્મકુંડળીમાં શનિ નીચનો હોય તે અપંગ હોય છે અથવા તેને પગને લગતી કોઈને કોઈ બીમારી હોય છે.
તમને પગ દુ:ખતા હોય, પગની વારંવાર નસ ચડી જતી હોય, પગનું ઓપરેશન થયું હોય, ઢીંચણનો દુ:ખાવો ના મટતો હોય તો પીપળાના વૃક્ષ પર દરરોજે જળાભિષેક કરવો અને માટીના કોડિયામાં પીપ્લાદ ઋષિનો દીવો કરવો. તમારી પગની પીડા ધીમે ધીમે દૂર થતી જણાશે.
પીપ્લાદ ઋષિએ શનિને અપંગ કર્યો ત્યારથી શનિ મંદ ગતિએ ચાલે છે. તે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે.તે એટલો બધો નિરાશાવાદી ગ્રહ છે કે મેં શનિ પ્રધાન વ્યક્તિઓને હંમેશા નિરાશ થતા જોયા છે. તેમની પાસે લાખ દુન્યવી સુખ હોય પણ તે લોકોના મોઢા કરમાયેલા જ હોય છે.
શનિ પ્રધાન વ્યક્તિઓને લોકોને જજ કરવું અને લોકોમાંથી નકારાત્મક શોધવું ખૂબ ગમે છે. તે લોકો પોતાના જ્ઞાનનો એટલો અહંકાર કરે છે કે બીજાને તુચ્છ સમજે છે. તમારે જો ખુશ રહેવું હોય તો આવા લોકોથી હંમેશા દૂર રહેવું કારણકે શનિ સૂર્ય પર ગ્રહણ નથી લગાવતો પણ શનિ સૂર્યથી વેર જરૂર રાખે છે.
જય બહુચર માં.