ઉપરનું ટાઈટલ સમજાવતા પહેલા અહીં એમ લખવું પડશે કે “ઈસ કહાની કે સભી પાત્ર ઔર ઘટનાએ સહી હૈ, યહાં કુછ ભી કાલ્પનિક નહી હૈ”.
જન્મકુંડળીમાંથી Logic (તર્ક) શોધી આપવું કે જન્મકુંડળી જોઈને કંઈક Magic (જાદુ) કરવું તે એક જયોતિષશાસ્ત્રીનો વિષય છે.
કોઈને જયોતિષશાસ્ત્રી પાસેથી જયોતિષીય તર્ક સમજવા હોય છે તો કોઈને તર્ક નહી પણ જયોતિષી કંઈક જાદુ કરે અને તેનું કામ થઈ જાય તેમ જોઈતું હોય છે.
મને હમણા જ બે મહિના પહેલા કુંડળી બતાવવા આવેલા જીગ્નેશભાઈ દિલ્લીમાં કાપડનો બહુ મોટો વેપાર કરે છે. કોરોના પછી તેમના કાપડના વેપારમાં ઘણી મંદી આવી ગઈ છે. ધંધામાં જોઈએ તેવી પકડ રહી નથી. તેમની લાખો રુપિયાની ઉઘરાણી લેવાની નીકળે છે પણ ઉઘરાણી પણ આવતી નથી. ધંધો મંદ પડી ગયો છે. જીગ્નેશભાઈ મને કુંડળી બતાવવા આવ્યા અને મને કહ્યું કે મને મારી કુંડળી જોઈને તર્ક આપો કે મારે કેમ આમ થઈ રહ્યું છે ?
જીગ્નેશભાઈની તુલા લગ્નની કુંડળી જોતા તેમના જન્મના મકર રાશિના ચંદ્ર અને કર્મેશ (ચંદ્ર) પર ગોચરના શનિનું ભ્રમણ અને કર્મ ભાવ પર ગોચરના શનિની સાતમી દષ્ટિ હતી તેથી જીગ્નેશભાઈને યોગ્ય તર્ક આપતા મેં જણાવ્યું કે આપ શનિની સાડાસાતીના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અને તે ઉપરાંત પણ કર્મેશ પરથી શનિનું ભ્રમણ અને કર્મ સ્થાન પર શનિની સાતમી અનિષ્ટ દષ્ટિના કારણે ઘંધામાં મંદી આવી છે તેથી શનિની આ પીડાને દૂર કરવા શ્રી હનુમાનજીની ઉપાસના કરો અને શનિવારે એક કાળો દોરો શ્રી હનુમાનજીને ધરાવીને જમણા હાથના કાંડા પર બાંધી દો. તમારી આ સમસ્યાઓ આ સમયગાળા દરમ્યાન શ્રી હનુમાનજી સિવાય કોઈ દૂર કરી શકે તેમ નથી કારણકે શનિ માત્ર ને માત્ર શ્રી હનુમાનજીથી જ ડરે છે. આવી તર્ક (Logic) વાળી વાત મેં જીગ્નેશભાઈને સમજાવી. જીગ્નેશભાઈ આ વાત સમજી પણ ગયા.
આપ સૌ જાણો છો કે હું દર શનિવારે બપોરે ૨ થી ૪ ગરીબ વર્ગ ( ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટસએપ નથી વાપરતા તેવો ગરીબ વર્ગ ) અને દિવ્યાંગ લોકોને કોઈ પણ ચાર્જ લીધા વગર કુંડળી જોઈ આપું છું.
જીતુભાઈ નામના ફેરિયા જેઓ શેરી-મહોલ્લા અને પોળોમાં ફેરી કરીને ચાદરો વેચતા હતા.કોરોના સમયે જીતુભાઈની પાસે ઘરમાં બે સમયનું ભોજન બનાવાય તેટલા પૈસા નહોતા તેથી તેમણે ચાદરોનો તમામ માલ નુકસાન કરીને વેચીને તેમનું અને પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું.
તે પછી જીતુભાઈ પાસે ચાદરોનો માલ લાવવા એક રુપિયો પણ મૂડી નહોતી.જીતુભાઈ ઉધાર અને ઉછીના રુપિયા લઈને કે નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
મારી સેવા વિશે જાણીને જીતુભાઈ મારી પાસે તેમની કુંડળી બતાવવા આવ્યા હતા.તેમની પણ તુલા લગ્નની કુંડળી અને મકરનો ચંદ્ર.જન્મના ચંદ્ર અને કર્મેશ (ચંદ્ર) પરથી ગોચરના શનિનું ભ્રમણ.આમ જીતુભાઈ પણ શનિની સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા હતા.
મને જીતુભાઈને જોઈને આંત:સ્ફૂરણા થઈ કે જીતુભાઈ એટલા ભણેલા ગણેલા નથી અને તેમને શનિની સાડાસાતી કે કર્મેશ પરથી શનિનું ભ્રમણ એવા મારા જયોતિષીય તર્ક આપીશ તો એમને મારો નાંખેલો બોલ બાઉન્સ જશે અર્થાત્ તેમને કંઈ ટપી નહી પડે.
જીતુભાઈની આંખોમાં મને વારંવાર એમ લાગતું હતું કે આ ભાઈ મારી પાસે એવી આશાથી આવ્યા છે કે એમની સાથે હું કંઈક (Magic) જાદુ કરું અને એમનું સારું થઈ જાય.મેં પણ કંઈક એવું જ કર્યું. મારો એક મિત્ર દસ પંદર દિવસ પહેલા સાળંગપુર હનુમાનજી મંદિર ગયો હતો. તે ત્યાંથી મારા માટે ચાર-પાંચ કાળા દોરા પ્રસાદી રૂપે લાવ્યો હતો. મને શ્રી હનુમાનજી કાળો દોરો યાદ આવ્યો.મેં મારા મંદિરના પૂજારૂમમાંથી એક કાળો દોરો જીતુભાઈના જમણા હાથે બાંધ્યો અને જીતુભાઈને લાગ્યું કે મેં કંઈક જાદુ કર્યું !
હવે તમે જીતુભાઈની શ્રી હનુમાનજીની ઉપરની, કાળા દોરા ઉપરની અને જયોતિષશાસ્ત્ર ઉપરની અને મારા ઉપરની શ્રદ્ધા જુઓ. આ શ્રદ્ધા એવી કામ કરી ગઈ કે જીતુભાઈ ચાર પાંચ દિવસ પછી મારા ઘરે ૨૫૦ ગ્રામ મીઠાઈનું બોકસ લઈને આવ્યા અને મને કહ્યું કે સાહેબ તમે એવું જાદુ કર્યુ કે મને ગારમેન્ટ માર્કેટમાં મહિને પંદર હજારની નોકરી મળી ગઈ.
પ્રિય વાંચકો, મેં જીતુભાઈના કેસમાં કંઈ જ જાદુ નહોતું કર્યુ. મેં માત્ર ને માત્ર જીતુભાઈને સાઈકોલોજિકલ ઠીક કર્યા હતા કે આ દોરો બાંધ્યા પછી તમારું સારું થઈ જશે અને તેમની સાથે જે કંઈ પણ સારું થયું તે તેમની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને જયોતિષશાસ્ત્ર પ્રત્યેની આસ્થાના કારણે થયું.
દોસ્તો, ઘણીવાર લોકો તર્ક (Logic) સમજી જાય છે પણ શ્રદ્ધા રાખતા નથી તેથી તેમના જીવનમાં જાદુ (Magic) થતા નથી અને ઘણી પર કોઈને તર્ક (Logic) પણ નથી સમજવા હોતા પણ તેમની શ્રદ્ધા એવી કામ કરતી હોય છે કે તેમના જીવનમાં આપોઆપ જાદુ (Magic) થઈ જતા હોય છે.
અસ્તુ.
જય બહુચર માઁ.