મંગળ અને શુક્રની યુતિ,પ્રતિયુતિની કે મંગળ-શુક્રના સંબંધોની ચર્ચા ઘણાય અનુભવી મહાન જ્યોતિષીઓએ કરી છે પરંતુ મંગળ અને શુક્રને જો મારે કંઈક અલગ રીતે વર્ણવવા હોય તો ચોક્કસથી કહીશ કે મંગળ એ સ્ત્રીની કુંડળીમાં તેના પુરુષનું સુખ દર્શાવે છે અને શુક્ર એ પુરુષની કુંડળીમાં તેની સ્ત્રીનું સુખ દર્શાવે છે.
એક સ્ત્રીને તેના પુરુષનું સુખ કેવું મળશે,કેટલું મળશે,ઉત્તમ મળશે કે નબળુ મળશે તે તેની જન્મકુંડળીમાં રહેલા મંગળ પરથી નક્કી થાય છે.અહીં મંગળ કઈ રાશિમાં છે, કયા તત્વમાં છે,કઈ દિશામાં છે,ઉચ્ચનો છે,નીચનો છે,વક્રી છે,અસ્તનો છે, કેટલી ડિગ્રીનો છે, કોનું નક્ષત્રબળ પ્રાપ્ત કરે છે, કોઈ પાપ ગ્રહની સાથે છે કે નથી અથવા પાપ ગ્રહથી દષ્ટ છે કે નથી તે સમગ્ર અવલોકન દ્વારા સ્ત્રીની કુંડળીમાં તેના પુરુષનું સુખ કેવું મળે તે જાણી શકાય છે.
જો કોઈ સ્ત્રીની કુંડળીમાં મંગળ જો શનિ રાહુ કેતુ જેવા ક્રૂર ગ્રહોની પકડમાં હોય અને સાતમાં આઠમાં બારમાં ભાવમાં હોય અથવા મંગળ નીચનો અસ્તનો કે વક્રી થતો હોય અને પાપ ગ્રહોથી દષ્ટ હોય તો તે સ્ત્રી વિધવા થાય છે.તેને તેના પતિનું સુખ લાંબા સમય સુધી મળતું નથી ( તર્ક- મંગળ એ સ્ત્રીનું સૌભાગ્ય કહેવાય છે. જો સૌભાગ્ય ( મંગળ ) ને હણનારા ગ્રહો ( શનિ રાહુ કેતુ ) ની પકડમાં મંગળ આવી જાય ને ત્યાં પણ મંગળ નીચનો, અસ્તનો કે વક્રી થતો હોય અર્થાત્ બળ ગુમાવતો હોય તો સ્ત્રીનું સૌભાગ્ય હણાય છે.)
જો કોઈ સ્ત્રીની કુંડળીમાં જો મંગળ કર્ક અથવા મીન રાશિમાં ( જળતત્વની ) હોય તો અને જો મંગળ શનિનું નક્ષત્રબળ પ્રાપ્ત કરતો હોય તો સ્ત્રીને તેના પતિનું જોઈએ તેવું સુખ મળતું નથી.અહીં જે તે સ્ત્રીનો પતિ તેની પત્ની સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરે છે. હંમેશા તે સ્ત્રીને તેના પુરુષને સમગ્ર આપવું જ પડે છે. (તર્ક – મંગળ અગ્નિતત્વનો ગ્રહ છે અને મીન રાશિ જળતતત્વની રાશિ છે એટલે અહીં અગ્નિ અને પાણીનો વિરોધાભાસ થાય છે.બીજું તર્ક એમ છે કે મંગળ બાહોશ વીર અને શનિ નપુંસક આળસુ એમ વિરોધાભાસ થાય છે.)
આવા સ્ત્રીની કુંડળીમાં બિરાજમાન તેના મંગળ દ્વારા તેનો પતિ સારો કે ખોટો,સૌમ્ય કે ક્રૂર,વફાદાર કે પરસ્ત્રીગમન કરનારો,ભોળો કે છેતરનારો એમ તમામ બાબતો જાણી શકાય છે.
એક પુરુષને તેની સ્ત્રીનું સુખ કેવું મળશે,કેટલું મળશે,ઉત્તમ મળશે કે નબળુ મળશે તે તેની જન્મકુંડળીમાં રહેલા શુક્ર પરથી નક્કી થાય છે.અહીં શુક્ર કઈ રાશિમાં છે,કયા તત્વમાં છે,કઈ દિશામાં છે,ઉચ્ચનો છે,નીચનો છે,વક્રી છે,અસ્તનો છે,કેટલી ડિગ્રીનો છે, કોનું નક્ષત્રબળ પ્રાપ્ત કરે છે, કોઈ પાપ ગ્રહની સાથે છે કે નથી અથવા પાપ ગ્રહથી દષ્ટ છે કે નથી તે સમગ્ર અવલોકન દ્વારા પુરુષની કુંડળીમાં તેની સ્ત્રીનું સુખ કેવું મળે તે જાણી શકાય છે.
જો કોઈ પુરુષની કુંડળીમાં શુક્ર કેતુના નક્ષત્રમાં હોય અથવા શુક્ર કેતુ સાથે હોય તે પુરુષને તેની સ્ત્રીનું સુખ જોઈએ તેવું મળતું નથી.આવા પુરુષો સ્ત્રી સુખ માટે તડપતા હોય છે.જો ઐશ્વર્યા રાય પણ મળી જાય તોય તેમને ધરાપો થતો નથી. તેમને અન્ય સ્ત્રીઓની ઘેલછા હોય છે ( તર્ક – શુક્ર સ્ત્રીનો કારક છે અને કેતુ તડપનો કારક છે.કેતુ મસ્તક વગરનો હોવાથી ધૂન પેદા કરે છે.કેતુ અધૂરી ઈચ્છાઓને પૂરી કરવા હંમેશા તડપતો રહે છે )
જો કોઈ પુરુષની કુંડળીમાં શુક્ર રાહુ સાથે હોય અથવા શુક્ર રાહુના નક્ષત્રમાં હોય અને શુક્ર અસ્તનો હોય કે પોતાનું અસ્તિતત્વ ગુમાવતો હોય તો તે પુરુષ સ્ત્રી બાબતે છેતરાઈ જાય છે. તે કોઈ વ્યાભિચારી સ્ત્રીના સંપર્કમાં આવી તેની સાથે લગ્નગ્રંથિથી જોડાય છે અને પછી આખું જીવન તે સ્ત્રીથી છેતરાતો જ હોય છે. ( તર્ક – શુક્ર સ્ત્રીનો કારક છે અને રાહુ માયાવી છે. રાહુનું મુખ્ય કાર્ય છેતરવાનું છે.રાહુના મસ્તકમાં અમૃતનો આખો કુંભ કેમ પી જઉં તેવી ધૂન સવાર હોય છે તેથી તે યેનકેન પ્રકારે વિષ્ણુ ભગવાનની હાજરી હોવા છતાં દેવો સાથે ચીટીંગ ( છેતરામણી ) કરે છે તો પછી મનુષ્યની શું વિસાત ? )
જો જન્મકુડળીમાં શુક્ર નીચનો થતો હોય તે વ્યકિત અનેક સ્ત્રીઓના સંપર્કમાં આવે છે પણ જો શુક્રનું નીચત્વ ભંગ થતું હોય તો ઘણી બધી સ્ત્રીઓથી છેતરાયા પછી તે વ્યકિતને ઉત્તમ સ્ત્રીનું સુખ મળે છે. (તર્ક – શુક્ર સ્ત્રીનો કારક છે અને જયારે તે નીચનો થાય ત્યારે આકર્ષણ, પ્રેમ, કે ભોગવિલાસના ચક્કરમાં ખોટી સ્ત્રીઓના સંપર્કમાં આવે છે.)
આમ પુરુષની કુંડળીમાં બિરાજમાન શુક્ર દ્વારા તેની સ્ત્રી સારી કે ખોટી, વફાદાર કે બેવફા, કુલવાન કે કુલહીન એમ તમામ બાબતો જાણી શકાય છે.
તો બોલો મંગળ અને શુક્ર જવાબદાર છે ને ?
એટલે કે સ્ત્રી માટે મંગળ અને પુરુષ માટે શુક્ર.
જય બહુચર માં.