જન્મકુંડળીમાં શુક્ર સુખ-સંપત્તિ, સૌદર્ય, આધુનિકતા, પ્રેમ, આકર્ષણ, ભોગવિલાસ અને સેકસનો કારક છે. પુરુષની કુંડળીમાં સ્ત્રીનું સુખ શુક્ર છે અને સ્ત્રીની કુંડળીમાં સ્ત્રી પોતે જ શુક્ર છે.
જન્મકુંડળીમાં શનિ ગૂઢ, રહસ્યમય, પરિપકવતા, સૂઝબૂઝ સાથેનું પગલુ ભરનારો, જૂની પ્રણાલિઓમાં માનનારો અને લાગણીઓને છુપાવનારો ગ્રહ માનવામાં છે. શનિ વિચારોથી અને વ્યકિતત્વથી વૃદ્ધ છે. શનિ વ્યકિતના જીવનની અંગત વાતો છુપાવનારો ગ્રહ છે.
છાના છુપા સંબંધો, ગુપ્ત સંબંધો, લગ્નેતર સંબંધો, મોટી ઉંમરની વ્યકિત સાથેના સંબંધો અથવા ઉંમરના તફાવતવાળા સંબંધો અને કયારેય જાહેર ના થાય તેવા સંબંધો માટે જન્મકુંડળીમાં શુક્ર-શનિની યુતિ હોય, પ્રતિયુતિ હોય અથવા શનિ શુક્રનો દષ્ટિસંબંધ હોય છે.
શુક્ર દેખાવે હેન્ડસમ છે તો શનિ દેખાવે એકલવાયા બાંધાનો વૃદ્ધ જેવો લાગતો કઠોર છે. શુક્ર સુખનો કારક છે તો શનિ દુ:ખનો કારક છે. શુક્ર પ્રેમ છે અને શનિ પ્રેમનો ત્યાગ છે.
આમ જોવા જઈએ તો બંનેના ગુણોમાં ખાસો વિરોધાભાસ હોવા છતાં શુક્ર-શનિ નૈસર્ગિક મિત્ર પણ છે. આ બંને ગ્રહોની યુતિ સ્ત્રીને પુરુષ સાથે અને પુરુષને સ્ત્રી સાથે છાના સંબંધો કરાવે છે અને અંતે તે જ સંબંધોનો ત્યાગ કરાવે છે.
જન્મકુંડળીમાં યેનકેન પ્રકારે શુક્ર-શનિનો સંબંધ થતો હોય તો પૂર્વજન્મના ઋણાનુંસંબંધો હોય છે જેનું ઋણ આ જન્મમાં કોઈ પણ હિસાબે પૂરું કરવું પડે છે. શુક્ર શનિની યુતિવાળો પ્રેમ પીડાદાયક હોય છે કારણકે શુક્ર ( પ્રેમ ) નામના સુખ પર શનિ ( અંધકાર ) નામના દુ:ખનો પડછાયો હંમેશા હોય છે.
શુક્ર-શનિની યુતિવાળી વ્યકિતના મોડા લગ્ન થાય છે. શુક્ર-શનિ યુતિવાળી વ્યકિતને કર્મની પીડા ઋણાનુબંધ સંબંધમાં ભોગવવી પડે છે. આ પીડા ભોગવી લે પછી દુ:ખી શનિ તમામ પ્રકારના દુ:ખોમાંથી મુક્ત કરીને શુક્રને સુખ આપવા માટે પ્રેરે છે. શનિ શુક્રની યુતિમાં શુક્રની ઉપર શનિનો પૂરોપૂરે પ્રભાવ હોય છે.
શુક્ર-શનિની યુતિમાં ગુરુ મહારાજ યેનકેન પ્રકારે સંબંધમાં આવતા હોય અને ગુરુ આ બંને કરતા વધારે બળી હોય તો જાતકની તમામ ગતિવિધિઓ તે સુધારવાનું કાર્ય કરે છે પણ જયાં સુધી શુક્ર-શનિની યુતિનું ભોગવવાનું લખ્યું હોય ત્યાં સુધી ગુરુ ઢાંકણનું કામ કરીને વધુ પડતી ગુપ્તતા રાખે છે.
શુક્ર-શનિની યુતિમાં સૂર્યદેવ કોઈ પણ રીતે સંબંધમાં આવતા હોય અને તેમાં સૂર્ય બળી થતો હોય તો આ શુક્ર-શનિ યુતિના તમામ દોષો નાશ પામે છે.
શુક્ર-શનિની યુતિમાં ચારિત્ર્યનું હનન થાય છે તેથી આવું ના થાય તે માટે અનૈતિક સંબંધોથી દૂર રહેવું જોઈએ. માસ, મદિરા નો ત્યાગ કરવો જોઈએ, શુક્રવારે શ્રી સૂકતમના પાઠ કરવા જોઈએ, શનિવારે શ્રી હનુમાન ચાલીસાના ત્રણ વખત, પાંચ વખત અથવા અગિયાર વખત પાઠ કરવા જોઈએ.
શુક્ર-શનિની યુતિવાળા જાતકે શ્રી મહાલક્ષ્મીજીના અને શ્રી હનુમાનજીના સતત સંપર્કમાં રહેવું,
જય બહુચર માં.