આજે શુક્રવાર છે એટલે લેખની શુભ શરૂઆત કરવી છે તો શુક્ર્ના ઈષ્ટ દેવી શ્રી મહાલક્ષ્મી માતાનું નામ દઈને કરીએ. તમે જાણો છો એમ વસંત ઋતુ ચાલી રહી છે તો આ વસંત ઋતુ પર શુક્રની મહોર લાગે છે. શુક્ર સ્ત્રી ગ્રહ છે.શુક્ર સ્વભાવે આનંદીત છે.પ્રેમ અને આકર્ષણ શુક્રની દેન છે.સરસ મજાની સુંદર મુખાકૃતિવાળો,તેજસ્વી,વાંકડિયા વાળ અને મીઠી મધુર વાણીવાળો વ્યકિત શુક્ર પ્રધાન છે.
આ દુનિયામાં જે કંઈ પણ સુખ સુવિધાની વસ્તુઓ કે સામગ્રી છે એની પર શુક્ર આધિપત્ય ધરાવે છે. કપડા, પરફયુમ, ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ટ્રાવેલિંગ, કોસ્મેટિક તથા જવેલરીમાં અનોખી ક્રાંતિ શુક્રના કારણે આવે છે.
રત્નોમાં હીરો શુક્ર છે, ગાડીઓમાં મર્સિડીઝ શુક્ર છે, ઘડિયાળમાં રોલેક્સ શુક્ર છે, કપડામાં લુઈસ ફીલિપ શુક્ર છે, પરફયુમમાં ડેવિડ બેકહમ શુક્ર છે, શુઝમાં એડીડાસ શુક્ર છે I Mean જેટલી પણ મોંઘી બ્રાન્ડેડ વસ્તુ છે તે શુક્ર છે.
ફિલ્મ ઉદ્યોગમાં સંકળાયેલા કલાકારો, નાટકના મંચ પર કિરદાર નિભાવનાર નાટકના પ્રખર Artists, કવિતા તથા ગઝલના શોખીન કવિઓ અને નાચ-ગાનનો શોખ ધરાવનાર દરેક લોકો પર શુક્રના ચાર હાથ હોય છે.
આ દુનિયાના તમામ ભૌતિક સુખ જન્મકુંડળીમાં શુક્ર શુભ થવાથી મળે. ઉચ્ચનો કે સ્વગૃહી શુક્ર તમામ પ્રકારના સુખને તમારા ચરણોમાં લાવીને મૂકી દે પણ અશુભ કે નીચનો શુક્ર તમને સુખથી થોડા છેટા રાખે.એ સાથે સાથે નીચનો શુક્ર ભોગવિલાસ, દારૂ, વ્યાભિચાર તથા જુગારમાં ધનનો નાશ કરાવે. પુરુષની કુંડળીમાં લગ્નનો કારક ગ્રહ શુક્ર થાય જે લગ્નકુંડળી અને નવમાંશ કુંડળીમાં સારો હોય તો દાંપત્યજીવન સારું નહી તો વગર કામના ડખા થાય એટલે કે રોજ સવારે ઘરમાં જે બે વાસણો ખખડે એનો અવાજ બાજુવાળા પાડોશીને સંભળાય પછી ભલે ને સાંજ પડે ભેગા થઈ જાય ! જસ્ટ જોક હોં.
તમને સારું સુખ કયારે મળે ? સારું ધન હોય ત્યારે મળે ને ! અને સારું ધન કયારે મળે ? તો શુક્રવારે શ્રી મહાલક્ષ્મીના જાપ કરવાથી, શ્રી સૂકતમ કે ઋગ્વેદોકતં શ્રી લક્ષ્મી સૂકતમ્ ના પાઠ કરવાથી મળે છે. તમને સરળ શબ્દોમાં સમજાય એવી એક મસ્ત વાત કહી દઉં કે જો ધનની દેવી લક્ષ્મી તમારા પર રાજી હશે તો શુક્ર સુખ આપવામાં કંઈ રાહ નહી જુએ એ ચાહે ધનનું, પત્નીનું, વાહનનું કે મકાનનું સુખ કેમ ના હોય ? શુક્ર એ સુખનો એવો દાતાર છે કે જે પ્રસન્ન થાય તો ધાર્યુ ના હોય એવું સુખ આપે છે.
જય બહુચર માં.