જયોતિષશાસ્ત્રમાં આરોગ્યનો કારક સૂર્યને કહ્યો છે. સૂર્ય સારું આરોગ્ય આપે છે.મારા સંશોધનમાં જોવા મળ્યું છે કે જન્મકુંડળીમાં સૂર્ય જયારે શનિ સાથે હોય અથવા શનિના દષ્ટિસંબંધમાં હોય અથવા શનિના નક્ષત્રમાં હોય ત્યારે તે જાતકનું આરોગ્ય ઉતાર ચઢાવ કરતું જોવા મળતું છે.તે જાતકને વારંવાર નાની મોટી બીમારી આવતી હોય છે.
સૂર્ય શનિના સંબંધો હોય ત્યારે પેરાલીસીસ ( લકવો ), હ્દયરોગનો હુમલો, સંધિવા, ઢીંચણનો દુખાવો, નસોને લગતા રોગો, ગેસ-વાયુની તકલીફો વગેરે થાય છે.
આરોગ્યનો કારક સૂર્ય રાહુ સાથે હોય અને રાહુ સૂર્ય કરતા વધારે બળવાન હોય ત્યારે તે જાતકને ચેપી રોગો થાય છે, ઈન્ફેકશન લાગી જવું,વાઈરસને લગતા રોગો થાય છે.
સૂર્ય કેતુ સાથે હોય ત્યારે માથાની નસો દુખવી, માથાનો દુખાવો થવો,માઈગ્રેન થવો, હાઈ બ્લડ પ્રેશર, વઈ આવવી વગેરે થાય છે.
જન્મકુંડળીના સૂર્યને હાનિ થાય છે ત્યારે હાડકાને લગતી બીમારી આવે છે,તાવ આવે છે, શરીરમાં થાકનો અનુભવ થાય છે, આંખે નંબર આવે છે, માથાના વાળ ખરી જાય છે અને હ્દયરોગનો હુમલો પણ થઈ શકે છે.
જન્મકુંડળીના સૂર્ય પર જયારે ગોચરનો શનિ ભ્રમણ કરે છે અથવા શનિના દષ્ટિસંબંધમાં આવે છે ત્યારે જાતકને લાંબા ગાળાની બીમારી થાય છે.આવું જ કંઈક રાહુનું છે જયારે જન્મકુંડળીના સૂર્ય પર રાહુનું ભ્રમણ થાય છે ત્યારે ચેપી રોગો થવાની શક્યતા વધે છે અને સૂર્ય પર કેતુનું ભ્રમણ આવે ત્યારે આરોગ્યનો કોઈ મોટો પ્રશ્ન આવીને ઉભો રહી શકે છે.( કેતુ ન જાણી શકાય એવી બીમારી આપે છે ).કેતુ સર્જરીનો કારક હોવાથી સૂર્ય પર કેતુનું ભ્રમણ થાય ત્યારે જાતકને નાની મોટી સર્જરી ( ઓપરેશન ) કરાવવું પડે છે.
ગોચરનું એક ઉદાહરણ આપું તો સિંહ લગ્નની કુંડળીમાં સૂર્ય લગ્નેશ થયો કહેવાય. જો આરોગ્યનો કારક સૂર્ય ગોચરમાં છઠ્ઠે, આઠમે અને બારમે આવે તો જાતકના આરોગ્યને નુકસાન પહોંચે છે.જાતકના આરોગ્યનો કારક સૂર્ય ગોચરના શનિની દષ્ટિસંબંધમાં આવે તો નાની મોટી બીમારી આવે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે.
આરોગ્યના કારક સૂર્યને પ્રબળ કરવા માટે રોજ સવારે ૭.૩૦ વાગયા પહેલા તાંબાના લોટામાં જળ ભરીને અંદર કંકુ, અક્ષત ( ચોખા ), લાલ પુષ્પ પધરાવી સૂર્યનારાયણ ભગવાનના બાર નામ બોલીને સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ. આદિત્યહ્દયમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.સૂર્યનારાયણની સામે મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.ૐ આદિત્યાય નમ: અથવા ૐ સૂર્યાય નમ: ની માળા કરવી જોઈએ.
“પહેલુ સુખ તે જાતે નર્યા”
નોંધ – કોઈની કુંડળીમાં સૂર્ય શનિ અથવા રાહુ સાથે હોય કે સૂર્ય શનિના દષ્ટિસંબંધમાં હોય તો તેણે પોતાની કુંડળીમાં આવા યોગો છે તો મને આવા રોગો થશે તેવી બંધબેસતી પાઘડી પહેરવી નહી કારણકે દરેક પ્રકારના પેરામીટર્સ ચેક કરવા પડે છે જેમ કે સૂર્ય ઉચ્ચનો, નીચનો,કેટલી ડિગ્રીનો, મિત્રક્ષેત્રી, શત્રુક્ષેત્રી, કોના નક્ષત્રનો, કયા નવમાંશમાં તથા સૂર્ય કેટલું બળ પ્રાપ્ત કરે છે તેના આધારે નક્કી થાય છે.
જય બહુચર માં.