આનંદનો ગરબો ચંડીપાઠનું બાળ સ્વરૂપ છે. આ વાકય સમજતા પહેલા ચંડીપાઠ શું છે તે સમજીએ. માર્કંડેય પુરાણમાં દુર્ગા સપ્તશતી ચંડીપાઠ નામના અધ્યાયમાં ઋષિ માર્કંડેય મુનિ જૈમિની ઋષિને દેવીના વિવિધ પ્રકારના ચરિત્રો, અવતારો, પરાક્રમોનું વર્ણન કહે છે. દેવીએ મહિષાસુર, ચંડ-મુંડ, શુંભ-નિશુંભ, રક્તબીજ, ઘૂમ્રાલોચન વગેરે મહાભયંકર દૈત્યોનો સંહાર કરીને દેવોને સુખ આપ્યું તેનું સવિસ્તાર વર્ણન છે.
દેવોએ શક્રાદય સ્તુતિ (ચંડીપાઠનો ચોથો અધ્યાય), નારાયણી સૂકતમ (ચંડીપાઠનો અગિયારમો અધ્યાય) વગેરે જેવી સ્તુતિ કરીને દેવીની મહાનતાની પરાક્રમની, દિવ્યતાની ભરપૂર પ્રશંસા કરી છે. આ દુર્ગાસપ્તશતી ચંડીપાઠ કરવાથી મનુષ્યના તમામ પ્રકારના મહાભયંકર રોગોનો, મહાભયંકર શત્રુઓનો તથા મહાભયંકર મુશ્કેલીઓનો સત્વરે નાશ થાય છે.
દુર્ગા સપ્તશતી ચંડીપાઠ કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, પ્રતિષ્ઠા વધે છે, ધન-ધાન્યથી સમૃદ્ધ થવાય છે. આત્મા અને મન શુદ્ધ થાય છે. કામ ક્રોધ મોહ લોભ પર નિયંત્રણ આવે છે. પત્ની/પતિ તથા સંતાનોનું ઉત્તમ સુખ મળે છે.
આ આખો ચંડીપાઠ સાતસો શ્લોકોમાં વર્ણવાયેલો છે જે સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા અથવા ગુજરાતીમાં અનુવાદ વાંચતા આશરે સવા બે થી અઢી કલાકનો સમય લાગે છે. કોઈ પણ વ્યકિત ચંડીપાઠનું વાંચન બાળક ભાવે કરી શકે છે અથવા બ્રાહ્મણને ઘરે માન-સન્માન આદર સાથે આમંત્રિત કરીને તેમના દ્વારા ચંડીપાઠનું યોગ્ય રીતે પઠન કરાવીને તેમને ભોજન જમાડીને દાન દક્ષિણા આપીને ચંડીપાઠનું પાઠન કરાવી શકે છે.
ઉપર જણાવેલી ચંડીપાઠની તમામ બાબતોનો સાર કંસાર સ્વરૂપે ભકત કવિ શ્રી વલ્લભ ભટ્ટજી દેવનાગરી લિપીનો ઉપયોગ કરીને શ્રી બહુચર માતાની પ્રેરણાથી આનંદના ગરબામાં સમાવિષ્ટ કર્યો છે.
આપ આનંદના ગરબાની ૧૧૮ પંક્તિઓ ગાઓ છો પણ તે દરેક પંક્તિઓનું વર્ણન સમજવાનો પ્રયત્ન કરજો જે અતિ ગૂહ્ય છે.તે જાણી જશો તો આનંદનો ગરબો શું છે ? આનંદના ગરબાનું મહત્વ શું છે ? પ્રત્યેક પંક્તિ શું કહેવા માંગે છે ? દરેક પંક્તિનો સાર શું છે ? આનંદનો ગરબો કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે ? તેવા તમામ પ્રશ્નોનું સમાધાન મળશે.
દેવીનું માહાત્મય મહાકાવ્ય અર્થાત્ ગરબા રૂપે રચનાર કવિ શ્રી વલ્લભ ભટ્ટજીએ આનંદના ગરબામાં ચંડીપાઠમાં જેમણે દેવીનું માહાત્મય વર્ણવ્યુ તે ઋષિ મારંકડેય મુનિ અને દેવીનુ માહાત્મય સાંભળનારા ઋષિ જૈમિનિની પણ ગાથા વર્ણવવી છે જેમ કે
ઋષિ મારકંડેય મુનિરાય મુખ માહાત્મય ભાખ્યું માં,
જૈમિનિ ઋષિ જેવાય ઉર અંતર રાખ્યું માં.
( હે બહુચર માં ! ઋષિ મારંકડેય મુનિએ આપનું માહાત્મય જૈમિનિ ઋષિને કહ્યું જે માહાત્મય જૈમિનિ ઋષિએ તેમના હ્દયમાં સમાવ્યું છે.)
આનંદના ગરબાની પ્રથમ પંક્તિથી ચૌદ પંક્તિ સુધી કવિ શ્રી વલ્લભ ભટ્ટ માતાજીને હ્દયના ભાવથી પ્રાર્થના કરે છે. તેઓ કહે છે કે મને આપનો મહિમા વર્ણવતા આજે આનંદ ઉદવભવ્યો છે પણ હું તો ગાંડુ ધેલું કહીશ તેથી મારા ભાવને સ્વીકારજો.
આનંદના ગરબાની પંદરમી પંક્તિથી ત્રીસ પંક્તિ સુધી શક્તિની ઉત્ત્પતિનું વર્ણન સમાયેલું છે.આ ચરિત્રમાં ભટ્ટજી વર્ણવે છે કે આપ રજો,તમો અને સત્વ એમ ત્રણ ગુણોથી યુકત છો છતાં પર છો.તમે ત્રણેય ભુવનના તારણહાર જગત જગની છો.
આનંદના ગરબાની એકત્રીસ પંક્તિથી પાંત્રીસ પંક્તિ સુધી દેવીનું માહાત્મય વર્ણવ્યું છે. શ્રી ભટ્ટજી વર્ણવે છે કે દેવી આપનો બ્રહ્મા ભેદ નથી જાણી શકતા, વિષ્ણુ આપની શક્તિઓ પામીને ધન્યતા અનુભવે છે અને મહેશને આપની લીલાઓ પર હંમેશા ગર્વ થાય છે.
આનંદના ગરબાની છત્રીસથી પચાસ પંક્તિ સુધી વિવિધ અવતારોમાં માં ની શક્તિ વર્ણવી છે. શ્રી વલ્લભ.ભટ્ટજી વર્ણવે છે કે વિષ્ણુ ભગવાનના દસ અવતારોમાં માં આપનો જ વાસ છે. આપની કૃપાથી શ્રી રામે રાવણનો વધ કર્યો. શ્રી કૃષ્ણે રૂક્ષ્મણી સાથે વિવાહ કર્યા. શ્રી કૃષ્ણનો પૌત્ર અને પ્રદ્યુમનનો પુત્ર અનિરૂદ્ધ આપની કૃપાથી કારાવાસમાંથી મુક્ત થયો હતો.
આનંદના ગરબાની એકાવનથી સિત્યોતેર સૂધીની પંક્તિમાં દેવીની સર્વ વ્યાપક શક્તિ – માહાત્મય આલેખ્યું છે. શ્રી વલ્લભ ભટ્ટજી કહે છે કે હે માં ! આપ આદિ,અનંત અને સર્વવ્યાપક છો. આપની શક્તિથી કામ, ક્રોધ, મોહ,લોભ જેવા દુર્ગુણો નાશ પામે છે. મનુષ્યને ધર્મ, અર્થ ( નાણુ ), કામ અને મોક્ષ તે બધુ જ આપની કૃપાથી પ્રાપ્ત થાય છે.
આનંદના ગરબાની એઠયોતેરથી ચોર્યાસી સુધીની પંક્તિમાં બહુચરમાંનું પ્રાગટય માહાત્મય વર્ણવ્યું છે. ભટ્ટજી વર્ણવે છે કે પૃથ્વી પર દુષ્ટોને ચરવા પૃથ્વી પર પગલા પાથર્યા જેથી પૃથ્વી પર આનંદ પ્રસરાય. આપ કૂકડા ઉપર સવારી થઈને આપ પૃથ્વી પર પધાર્યા હતા.
આનંદના ગરબાની પંચ્યાસીથી અઠ્ઠાણું સુધીની પંક્તિમાં ગુજરાતમાં માતાજીનું પ્રાગટય આલેખ્યું છે. શ્રી ભટ્ટજીએ અહીં ચુંવાળનો ઉલ્લેખ કર્યો છે જે ત્રણ ગામ (ડેડાણા, કાલરી અને બેચર ) ની મધ્યે આવેલું છે ત્યાં વરખડીના ઝાડ નીચે આપ પ્રગટ થયા તેમ વર્ણવ્યુ છે. આપના પ્રાગટયથી ગાંધર્વો ગાવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને દેવો સ્થંભ થઈ ગયા હતા.
આનંદના ગરબાની નવ્વાણુથી એકસોતેર સુધીની પંક્તિમાં આનંદના ગરબાની ફળશ્રુતિ વર્ણવી છે.શ્રી ભટ્ટજી વર્ણવે છે કે જે મનુષ્ય આ આનંદનો ગરબો ગાશે તેના જન્મ મરણનો ફેરો ટળશે.હે માતા ! આ ગરબો કરનારને કોઈ શસ્ત્ર નહી અડી શકે. ભૂત-પ્રેત પણ બીવડાવી નહી શકે, દિવ્યાંગોને અંગની પ્રાપ્તિ થશે અથવા તેમને નવું જીવન શરૂ કરવાની પ્રેરણા મળશે.નિ:સંતાનને સંતાન પ્રાપ્ત થશે અને નિર્ધનને ધન મળશે. આમ આ ગરબો કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે.
આનંદના ગરબાની એકસોતેર પંક્તિથી એકસો અઢાર સુધીની પંક્તિમાં માં પ્રત્યેનો સમર્પણ ભાવ વર્ણવાયો છે.
શ્રી ભટ્ટજી કહે છે કે હું એક હજાર વખત તારા નામ જપું, વારંવાર પ્રણામ કરવા માંગું છું.
અહીં છેલ્લી પંક્તિઓમાં આનંદના ગરબાની રચના ફાગણ સુદ ત્રીજે સંવત ૧૭૦૯ ની સાલમાં થઈ તેમ પ્રમાણ છે. શ્રી બહુચર માતાએ તમામ શસ્ત્રોનો ત્યાગ કરીને રાજનગર (અમદાવાદ) ના નવાપુરામાં વિશ્રામ કર્યો તેમ શ્રી વલ્લભ ભટ્ટજીએ વર્ણન કર્યુ છે.
જે દુર્લભ (જલદીથી પ્રાપ્ત ના થઈ શકે તેવું ) તેને માં તું સુલભ (જલદીથી પ્રાપ્ત થઈ શકે તેવું) કર…તેમ આ ભક્ત વલ્લભ વિનંતી કરે છે. અહીં શું પ્રાપ્ત કરવાની વાત કરી ખબર છે ? માં ની કૃપા.
માં ની કૃપા થાય ત્યારે મનમાં સમાયેલું બધુ જ પ્રાપ્ત થાય છે અને જયારે મનની તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય ત્યારે કશી પણ વસ્તુનો મોહ રહેતો નથી અંતે મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે તેથી તારી કૃપાથી આ જન્મારો સફળ કર માં.
આમ જે દેવીનું માહાત્મય મારંકડેય મુનિએ દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં સાતસો શ્લોકોમાં વર્ણવ્યું છે તેટલું જ માહાત્મય ” આનંદના ગરબા ” માં ભક્ત કવિ શ્રી વલ્લભ ભટ્ટજીએ ૧૧૮ લીટીમાં સમાવિષ્ટ કર્યો છે જે ચંડીપાઠનું બાળ સ્વરૂપ હોય તેમ લાગતા મારા મનના ભાવથી લખ્યું છે કે આનંદનો ગરબો ચંડીપાઠનું બાળ સ્વરૂપ છે.
જય બહુચર માં.