સર્વપ્રથમ પ્રાગટય – શ્રી બહુચર માતા ચુંવાળ પ્રદેશમાં બોરુવનમાં (બોરોના જંગલમાં – જયાં ઘણા બોરોના ઝાડ હતા) બાળ સ્વરૂપે વરખડીના ઝાડ નીચે પ્રગટ થયા. પૂર્વે આ સ્થળે સતીનો ડાબો હાથ પડયો હતો. દૈત્યરાજ દંઢાસૂરનો વધ કરવા માટે જગદંબા બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા.
દ્વિતીય પ્રાગટય – પૃથ્વી પર જયાં જયાં સતીના અંગો પડયા છે તે શક્તિપીઠ સિદ્ધક્ષેત્ર કહેવાય છે. મહર્ષિ કપિલમુનિ સિદ્ધક્ષેત્ર (હાલનું સિદ્ધપુર) પાસે આવ્યા હતા તથા જગદંબાના બાળ સ્વરૂપનું પ્રાગટય થયું હતું તેવા ચુંવાળ પ્રદેશમાં આવીને વરખડીવાળા મૂળ સ્થાને ચૈત્ર સુદ એકમ દીવો પ્રગટાવ્યો. આઠ દિવસના અનુષ્ઠાન કર્યા. ચૈત્ર સુદ આઠમે બાળાએ કપિલ મુનિને દર્શન આપ્યા.આ બાળાનું “ગુપ્ત પ્રાગટય” ! કપિલ મુનિએ લોકહિત કાજે માતાને પુન:પ્રગટ થવાની વિનંતી કરી તેથી બાળા ચૈત્ર સુદ પૂનમે ફરીથી પ્રગટ થયા. આ બાળાનું “જાહેર પ્રાગટય” કહેવાયું.
તૃતીય પ્રગટય – બાળાએ ગોવાળોના બાળને વરખડીવાળા મૂળ સ્થાને પ્રગટ થઈને કુલડીમાંથી કટક જમાડયું હતું.
ચતુર્થ પ્રાગટય – બાળા વરખડીવાળા મૂળ સ્થાને પ્રગટ થઈને કાલરી ગામના સોલંકી રાજાને નારીમાંથી નર બનાવ્યો હતો તે પ્રગટ પરચો આજે પણ જગપ્રસિદ્ધ છે.
બીજા પણ અનેક નાના મોટા પ્રાગટયો કે પરચા છે જેમકે પાંડવો એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન ચુંવાળ પ્રદેશમાં રોકાયા હતા. એ સમય દરમિયાન આ જ વરખડીના મૂળ સ્થાને બાળાએ પ્રગટ પરચો પૂર્યો હતો. માતાએ દ્રૌપદીને અક્ષયપાત્રમાં લાડુ ભરી આપ્યા હતા. (ત્યારથી બહુચરાજીને લાડુનો ગોખ ભરાય છે ).
ચુંવાળ પ્રદેશમાં જયારે આ સિદ્ધ સ્થળે મુગલ અલાઉદિન ખિલજીની સેના બહુચરાજીનું દેરુ તોડવા માટે આવી ત્યારે રાત પડી ગઈ હોવાથી મુગલો સવારે મંદિર તોડવાના હતા. તે લોકોએ ત્યાં જે મરઘા કૂકડા રમતા હતા તે રાંધીને ખાધા હતા. બીજા દિવસે પરોઢિયે બાળાએ મોગલોના પેટમાંથી જીવતા મરઘા- કૂકડા બહાર કાઢયા અને મોગલોનો વધ કર્યો હતો.
ચુંવાળ પંથકમાં રાત્રિરોકાણ દરમ્યાન માં બહુચરનો સાક્ષાત્ વાસ હોવાનું જાણતા વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે પાઠાનું દર્દ મટાડવા માતાને વિનંતી કરી હતી અને માં એ તેમનું પાઠાનું દર્દ મટાડયું.
શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજી અને ધોળા ભટ્ટજીએ ચુંવાળ પંથકમાં આવીને માતાજીના દર્શન કર્યા હતા.
માનાજીરાવ ગાયકવાડે જયારે મંદિરનો જીર્ણોદ્વાર કરીને કાશીથી સ્ફટિકનું બાલાયંત્ર સ્થાપિત કર્યુ ત્યારે પ્રમાણ માંગ્યું કે યંત્રની પ્રાણપ્રતિષ્ઠા સરખી થઈ છે કે કેમ ? માતાએ સ્વપ્નમાં આવીને કહ્યું કે આરતી પછી બોબડો મશાલચી બોલતો થાય તે પ્રમાણ. બીજે દિવસે બોબડો મશાલચી આરતી પછી શ્રી બહુચર માતાની જય બોલ્યો અને કાયમ માટે બોલતો થયો.
બાળાએ પૂરેલા પરચાથી પાવૈયા (વ્યઢંળો ) ના ભેખની ગાદી સ્થપાઈ. માતાએ કહ્યું કે જે પણ વ્યંઢળ અહીં ચુંવાળ પંથકમાં આવીને માતાજીની આરાધના કરશે તેને બીજો જ્ન્મ પૂર્ણ પુરૂષ તરીકે અવતરશે.
ચુંવાળમાં મૂંગો બારોટ બોલતો થયો અને કવિ કુબેર બન્યો.
કાઠિયાવાડથી ચુંવાળ આવેલા ચારણ કવિ બાપલ દેથાને માતાજીએ આશીર્વાદ આપ્યા. તેમને ત્યાં શ્રી બહુચર માતાના આશીર્વાદથી બુટ, બલાડ અને બહુચર એમ ત્રણ દીકરીઓએ જન્મ લીધો.
ચુંવાળ પંથકમાં માતાજીના પ્રાગટય અને પરચાની વિસ્તૃત વિગત આવતીકાલથી…..
જય બહુચર માં.