પૂર્વે દંઢાસૂર નામનો મહાદૈત્ય તેના પૂર્વજ ધ્રૂમલોચનનો વધ કોણે કર્યો તેમ તેની માતાને પૂછયું. રાક્ષસની માતાએ આદિપરાશક્તિ જગદંબાએ તેના પૂર્વજનો વધ કર્યો તેમ તેને કહ્યું. દંઢાસૂરને આદિપરાશક્તિ જગદંબાને જોવાની અને તેમની સાથે યુદ્ધ કરવાની ઘેલછા થઈ તેથી તેણે શિવજીનું કઠોર તપ કર્યું.
શિવજી દૈત્યરાજ દંઢાસૂરના કઠોર તપથી પ્રસન્ન થયા અને વરદાન માંગવાનું કહ્યું. દૈત્યરાજે પોતાની ઈચ્છા વ્યકત કરી.શિવજીએ કહ્યું પૃથ્વી ઉપર ધર્મારણ્યમાં ( ધર્મનું વન ) અર્થાત્ ચુંવાળ પ્રદેશમાં તને માં જગદંબાના દર્શન થશે.પૂર્વે આ સ્થળે સતીનો ડાબો હાથ પડયો હતો.
દંઢાસૂર પૃથ્વી પર આવી ચુંવાળ પ્રદેશના કેન્દ્રમાં દૈત્યરાજપુર (હાલનું દેત્રોજ) નામે નગર વસાવી રહેવા લાગ્યો. તેણે મહાન ઋષિમુનિઓ પર ત્રાસ ગુજારી યજ્ઞ-હવન આદિ શુભ કર્મૉ બંધ કરાવી દીધા તેથી વરૂણદેવ નારાજ થઈ ગયા અને પૃથ્વી પર વરસાદ વરસતો બંધ થઈ ગયો. પૃથ્વી પર તળાવ, જળાશયો અને કૂવાઓ સૂકાઈ ગયા. દંઢાસૂર તથા તેનું આખું રાક્ષસગણ અન્ન-પાણી વગર ત્રાહીમામ થઈ ગયું.
દંઢાસૂરના મૂર્ખ અસુરગણોએ દંઢાસૂરને સલાહ આપી કે વનમાં ગાય-બળદ જે મળે તેને કાપી ખાવા લાગીએ અને તેમનું લોહી પીને તરસ છીપાવીએ પણ દંઢાસૂર પરમ શિવભક્ત હતો તથા શિવજીનું વાહન નંદી તેથી તેણે ગાય-બળદને કાપવાની મંજૂરી ના આપી.
ભૂખ તરસથી વ્યાકુળ દંઢાસૂર તેના સૈન્ય સાથે આખાય ચુંવાળ પંથકના બોરૂવનમાં પાણીની શોધમાં આમ તેમ ભટકવા માંડયો. આખરે તે સ્થળે આવ્યો જયાં સતીનું ડાબું અંગ પડયું હતું.
આ ચુંવાળ પંથકમાં ઘટાદાર વરખડીના ઝાડ નીચે આદિ પરાશક્તિ જગંદબા બાળા સ્વરૂપ ધરીને સ્વયંભૂ પ્રગટ થયા. દંઢાસૂર તરસથી આકુળ વ્યાકુળ થયેલો આ નાનકડી બાળા પાસે આવ્યો. તરસનો માર્યો દંઢાસૂર બાળાને કહેવા લાગ્યો કે હે બાળા ! હે દીકરી ! મને પાણીની ખૂબ તરસ લાગી છે.મારે પાણી પીવું છે. પાણી પાણી કરતો દંઢાસૂર બાળાની સામે ઘૂંટણિયે પડયો.
બાળાએ પોતાના જમણા પગની ટચલી આંગળી જમીન પર પછાડીને ત્યાં આખું માનસરોવર થઈ ગયું. (આ સજીવન માનસરોવર વરખડીવાળા મૂળસ્થાનની નીચે છે. મંદિરની પાછળના ભાગે આવેલું માનસરોવર સંવત ૧૮૩૬ માં માનાજીરાવ ગાયકવાડે બંધાવ્યું હતું ).
દંઢાસૂર આ ચમત્કાર જોઈને હેબતાઈ ગયો. તેણે માનસરોવરના જળથી તરસ છીપાવી.પાણીની તરસ છીપાયા બાદ રાક્ષસ સ્વભાવે દંઢાસૂરની દાનત આ નાનકડી બાળા પર બગડી. તેણે બાળાને કહ્યું કે હે કન્યા ! મે મારા પરાક્રમથી આ ત્રણે લોક જીત્યા છે અને જો તું પણ આટલી જ શક્તિશાળી હોય તો તું તારી માયાથી જલદીથી યૌવન સ્વરૂપ ધારણ કરીને કુમારિકા બની જા તેથી હું તને મારી પત્ની બનાવીને ભોગ કરી શકું અને આપણે બંને આ પૃથ્વી પર સદાય આધિપત્ય જમાવીશું.
બાળા દંઢાસૂરની વાત સાંભળીને ક્રોધે ભરાઈને કહ્યું કે હે મૂર્ખ રાક્ષસ ! તું પહેલા મને દીકરી કહે છે પછી મારી પર દાનત બગાડે છે. તો સાંભળી લે હું એ જ જગદંબા છું જેણે તારા પૂર્વજ ધ્રૂમલોચનનો વધ કર્યો હતો અને હવે નિશ્ચિત તારો પણ વધ કરવાની છું.
બાળા વિરાટ સ્વરૂપ ધારણ કરીને ચંડિકા બની. પોતાના કેશ છૂટા કરીને બાળાએ તેના જેવી અનેક શક્તિઓ ઉત્પન્ન કરી. બાળાની તમામ શક્તિઓ દંઢાસૂરના દૈત્યગણોને મારવા લાગી. બાળા અને દંઢાસૂર વચ્ચે ઘોર યુદ્ધ થયું. આ પ્રચંડ યુદ્ધથી ધરા ધ્રૂજવા લાગી. દંઢાસૂર બાળાની સાથે યુદ્ધ કરતા કરતા બાળાની શક્તિથી ગભરાઈ ગયો. બાળા દંઢાસૂરને મારવા લાગી. બાળાએ દંઢાસૂરને આમ તેમ દોડાવ્યો. બહુ હંફાવ્યો. બાળાથી ડરી ગયેલો દંઢાસૂર જયાં ઘણા બધા મરધા-કૂકડા રમતા હતા ત્યાં જઈને બાળાથી બચવા માટે પોતાની માયાથી મરઘો બની ગયો.
બાળાને એમ થયું કે મારાથી આ સર્વ નિર્દોષ મરધા-કૂકડાઓનો વધ ના થાય તેથી તેણે પોતાના લલાટમાં લગાવેલ કંકુ સર્વ મરધા-કૂકડા પર નાંખ્યું. બધા મરધા-કૂકડા માતાના કંકુથી રંગબેરંગી થઈ ગયા. દંઢાસૂર જે મરઘો બન્યો હતો તે તેમનો તેમ રહ્યો. તે પોતાના મૂળ રાક્ષસ સ્વરૂપમાં આવી ગયો.
બાળાએ દંઢાસૂરની છાતીમાં ત્રિશૂળ મારયું. બાળા તેનું શરીર ચિરવા માંડી. દંઢાસૂર કૂકવા (બરાડા) પાડવા માંડયો અને તેનો જીવ ગયો. બાળાએ જયાં દંઢાસૂરનો વધ કર્યો તે સ્થળ દેત્રોજ પાસે આવેલું કૂકવાઈ ગામ છે.
સમગ્ર મરધા કૂકડાઓની જાતિએ બાળાને વિનંતી કરી અમારી જાતિમાં ભળીને દંઢાસૂરે અમારી જાતિ અભળાવી છે તેથી હવે અમારૂં કોણ માં ? બાળા બોલી આજ પછી હું તમારા પર અશ્વાર થઈશ તેથી હું કૂકડેશ્વરી કહેવાઈશ.
આમ બાળાએ દંઢાસૂરને હંફાવી હંફાવીને માર્યો. બાળા દંઢાસૂરને મારવા માટે બહુ ફરી અને બહુ ચરી ( ફરી ) એટલે બાળા “બહુચરી” કહેવાઈ. બાળાએ દંઢાસૂરને મારવા માટે બાળા, કુમારિકા અને પ્રૌઢા ( પુખ્ત ઉંમરનું સ્ત્રી સ્વરૂપ ) એમ ત્રણ સ્વરૂપો ધર્યા તેથી ત્રિપુરાસુંદરી કહેવાઈ.
ચુંવાળમાં આદ્યસ્થાન (મૂળસ્થાન) ત્યાં બાળા પ્રગટ થયા. મધ્ય સ્થાન (અક્ષયપાત્રની દેરીની બાજુમાં છે તે ) ત્યાં કુમારિકા સ્વરૂપ અને મુખ્ય સ્થાન (જયાં આપણે મુખ્ય મંદિરમાં દર્શન કરીએ છે તે ) ત્યાં પ્રૌઢા સ્વરૂપે બિરાજીને માતા આખા ચુંવાળની શોભા વધારે છે.
આવતીકાલે ચુંવાળમાં શ્રી બહુચરાજીનું દ્વિતીય પ્રાગટય વિસ્તૃતમાં…..
જય બહુચર માં.