ચુંવાળ પંથકમાં પ્રસ્થાપિત થયેલું માં બાળા બહુચરનું આદ્યસ્થાન પુન: જાહેર કરવા માટે કળિયુગમાં ગોવાળોના બાળને માં બહુચરે પ્રગટ પરચો આપ્યો હતો.
ઈતિહાસ અનુસાર ચુંવાળ પંથકમાં બોરોના જંગલમાં ગોવાળોના બાળકો દરરોજ ગાયો ચરાવવા નીકળતા. એક વખત ગાયો ચરાવતા એક નાનકડા ગોપાલકને કુલડી મળી તેણે અન્ય બાળકોને કહ્યું કે ચલો આપણે આ કુલડીની રમત રમીએ.
ગોવાળોના બાળકોએ કુલડીમાં કંઈ રાંધવાનું નક્કી કર્યું.કોઈ પોતાના ઘરેથી તાંદુલ ( ચોખા ) લઈ આવ્યું તો કોઈ બાજુના માનસરોવરમાંથી પાણી લઈ આવ્યું.બે ત્રણ બાળકોએ ભેગા મળીને જાતે માટીનો ચૂલો તૈયાર કર્યો.બાળકોએ તાંદુલ રાંધવા મૂકયા.તાંદુલ હમણા રંધાઈ જશે તેમ કરતા કરતા બાળકો માતાની માયાથી નિંદ્રાાધીન થઈ ગયા.
આ બધા નિંદ્રાધીન ગોવાળોના બાળકોમાંથી એક બાળકને સપનામાં સાક્ષાત્ બાળા ત્રિપુરા સુંદરીના દર્શન થયા. ત્રિપુર સુંદરીએ કહ્યું હે મારા બાળકો ! વરખડીના ઝાડ નીચે મારો વાસ છે.તમે તે સ્થાને જઈને મારા આશીર્વાદ પામો.
આ બાળક ઝબકીને જાગ્યો. તેણે નિંદ્રાધીન બાળકોને ઉઠાડીને સમગ્ર વાત કહી.બધા બાળકોએ સાથે મળીને વખરડીના ઝાડ નીચે બાળાનું આદ્યસ્થાન શોધી કાઢયું. ત્યાં એક નાનકડા ગોખમાં દીવો પ્રગટતો હતો. બાળકોએ ત્યાં દર્શન કર્યા અને સૌએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે બધાએ પેલા જે તાંદુલ ( ચોખા ) રાંધવા મૂક્યા છે તે રંધાઈ ( બફાઈને ભાત થઈ ) ગયા હશે તે ભાત માં બહુચરને ધરાવીએ અને પછી પ્રસાદ તરીકે આપણે સૌએ આરોગીએ.
આ વાતનું એક પાક્કું પ્રમાણ ઐતિહાસિક પંક્તિમાં છુપાયેલું છે જે પ્રાચીન ગ્રંથો ફેંદતા મળી આવી છે તેમાં આ વાતને બે પંક્તિમાં વર્ણવી છે કે…
“તાંદુલ બાફો કુલડી માંહી,
બાલા બહુચર જમશે ભાવ ધરી”.
બાળકોએ તાંદુલ લાવીને વરખડીવાળા મૂળસ્થાને બાળા બહુચરના ગોખે ધરાવ્યા.( એ વખતે માત્ર ગોખ જ હતો.મૂર્તિ નહોતી ).એવામાં જ એક રાજા પોતાનું લશ્કર ( કટક ) લઈને ત્યાં આવી પહોંચ્યા. રાજાએ બાળકોને પૂછયું. તમે કેમ અહીં વનમાં એકલા છો ? અહીં શું કરો છો ? ડર નથી લાગતો ?..
બાળકોએ કહ્યું કે અહીં અમારી માતાજીનો ગોખ છે. અમે અહીં પ્રસાદ ધરાવીએ છે.રાજા હસતા હસતા બોલ્યા કે તો પ્રસાદ અમને પણ વહેંચો.રાજાનું આટલું મોટું લશ્કર જોઈને બાળકોને મનોમન વિચાર આવ્યો કે રાજાની આટલી મોટી સેનાને આ કુલડીમાંથી આટલો જ પ્રસાદ છે તો વહેંચીશું કેમનો ? છતાં માં બાળા બહુચર પર શ્રદ્ધા રાખીને બાળકોએ તાંદુલનો પ્રસાદ વહેંચવાનો શરૂ કર્યો.પ્રસાદ વહેંચ્યો એવી રીતે કે જાણે બધાને ભોજન કરાવ્યું તોય નાનકડી કુલડીમાંથી બનાવેલો તાંદુલનો પ્રસાદ ખૂટયો નહી.રાજાનું લશ્કર પ્રસાદ લઈને ત્યાંથી ચાલ્યું ગયું.આખા ગામમાં વાત વહેતી થઈ ગઈ.આ ચમત્કારથી વરખડીવાળો માં બાળા બહુચરનો ગોખ પુન:જાહેર થયો.
આ સત્ય ઘટનાને શ્રી બહુચર બાવનીમાં બિંદુ ભગતજીએ વર્ણવી છે કે
“ગોવાળોના બાળ રમે, કુલડીમાથી કટક જમે.
એવી તારી લીલા માત, વેદ પુરાણે જાણી વાત”
આવતીકાલે શ્રી બહુચર માતાનું ચતુર્થ પ્રાગટય વિસ્તૃતમાં.
જય બહુચર માં.