ગોવાળોના બાળકોને પ્રગટ પરચો આપ્યા બાદ ચુંવાળમાં શ્રી બહુચરાજીનું પ્રાગટય અષાઢ મહિનાના શુકલ પક્ષમાં થયું હતું. વરખડીવાળું બાળાનું મૂળ સ્થાન પુન: સ્મૃતિમાં ત્યારે આવ્યું જયારે સંવત્ ૭૮૭ માં કાલરીના રાજાના પુત્ર તેજપાલ સોલંકી નારીમાંથી નર બન્યો હતો.
પ્રાચીન ગ્રંથોમાં વિસ્તૃતમાં આ પ્રસંગ વર્ણવ્યો છે કે કાલરીના રાજા વજેસિંહ ૧૦૮ ગામના ધણી હતા તેવી જ રીતે પાટણના રાજા નારસિંહ ચાવડાનું ઘણું મોટું રાજય હતું. આ બંને ગાઢ મિત્રો હતા.
બંને મિત્રો વચ્ચે એટલો સ્નેહ હતો કે એકવાર પાટણના ચાવડા રાજાએ કાલરીના સોલંકી રાજાને કહ્યું કે “મારી રાણી સગર્ભા છે અને તમારી રાણી પણ સગર્ભા છે. જો એકને દીકરી જન્મે અને બીજાને દીકરો જન્મે તો આપણે તેમના વિવાહ કરીશું. જો બંનેના ઘરે દીકરા અથવા દીકરી જન્મે તો આ શરત ફોક. સોલંકી રાજાને આ પ્રસ્તાવ ગમ્યો કારણકે તેઓ મિત્રમાંથી સંબંધી બને તેવું ઈચ્છતા હતા. તેથી તેમણે ચાવડા રાજાની વાતને માથે ચડાવી.
કાલરીના સોલંકી રાજા વજેસિંહને અને તેમની રાણીને બહુચર માતા પ્રત્યે અનન્ય શ્રદ્ના હતી. તે બંનેને તેમના ઘરે દીકરો જન્મે તેવી ખૂબ આશ હતી પરંતુ સંજોગો બન્યા એવા કે તેમને ત્યાં દીકરીનો જન્મ થયો. આ બાજુ પાટણના ચાવડા રાજાને પણ દીકરી જન્મી પરંતુ સોલંકી રાણીએ માં બહુચર પર એવી શ્રદ્ધા હતી કે તેમની દીકરી પણ માંની કૃપાથી દીકરો થઈ જશે. તેમણે દાસી મારફત એવો ઢંઢેરો પીટાયો કે તેમને દીકરો અવતર્યો છે. આ સમાચાર વાયુવેગે આખા કાલરીમાં અને પાટણના ચાવડા રાજા સુધી પહોંચી ગયા. બંને મિત્રોએ એકબીજાને આપેલા વચન પ્રમાણે મિત્રમાંથી વેવાઈ બન્યા.
સોલંકીની રાણી તેમની દીકરીને દીકરાની જેમ ઉછેર કરવા માંડયા. તેમણે તેને દીકરાના વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા. શસ્ત્રવિદ્યા અને ઘોડેસવારી વગેરેની તાલીમ અપાવી.પોતાની દીકરીને એક પુરુષ જેવા ગુણો આવે તેથી છોકરાઓ સાથે મિત્રતા પણ કરાવવી.
સમયાંતરે આ દીકરી જેનું નામ પણ પુરૂષનું રાખ્યું હતું તે તેજપાલ સોલંકી મોટા થયા અને ચાવડાની દીકરી સાથે લગ્ન લેવાયા. લગ્ન તો થઈ ગયા પણ રાત્રિ રોકાણ દરમ્યાન સમગ્ર ભેદ ખૂલી જશે તે બીકથી તેજપાલ સોલંકી તેમની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નાસી છૂટયા. તેમની પાછળ પાછળ તેમની કૂતરી પણ દોડી.
તેજપાલ સોલંકીની પાછળ ચાવડા રાજાનું આખું લશ્કર પડયું. તેજપાલ સોલંકી ભાગતા ભાગતા ચુંવાળ પંથક આવ્યા. ત્યાં વરખડીના ઝાડની નીચે માં બહુચરનો ગોખ તથા સજીવન માનસોવર હતું ત્યાં આવીને બેઠા. થોડી વાર પછી તેજપાલ સોલંકીની કૂતરી માનસરોવરમાં ન્હાવા પડી. ન્હાઈને બહાર આવી તો તે કૂતરી કૂતરો થઈ ગયો. તેજપાલ આ જોઈને આશ્ચર્ય પામ્યા. તેમણે તેમની ઘોડીને માનસરોવરમાં મોકલી તે પણ માનસરોવરના ચમત્કારિક જળથી ઘોડો થઈ ગયો.
સમી સાંજે જયારે થોડું અંધારું થયું ત્યારે તેજપાલનું શરીર નારીનું હોવાથી કોઈ જોઈ ના જાય એ રીતે તેમણે વસ્ત્રો કાઢીને સજીવન માનસરોવરના જળમાં સ્નાન કરવા ઉતર્યા અને તેઓ નારીમાંથી નર થઈ ગયા.
તેજપાલ સોલંકીના હરખનો કોઈ પાર ના રહ્યો. તેમણે કાલરી પહોંચી સમગ્ર ઘટના વર્ણવી. પાટણના ચાવડા રાજાને પણ આ ચમત્કારની જાણ કરવામાં આવી. સોલંકી રાણીની માં બહુચરાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા ફળી. કાલરી અને પાટણના પ્રજાજનો ભાવવિભોર થઈને આનંદ કરવા લાગ્યા.ચુંવાળ વરખડીવાળા મૂળસ્થાને લોકોના ટોળેટોળા બહુચરાજીના દર્શન કાજે ઉમટી પડયા.
હાલ જે વરખડીવાળુ મૂળ સ્થાન છે ને ત્યાં સજીવન માનસરોવર હતું તે સોલંકી રાજાએ દુરુપયોગ ના થાય તે માટે પૂરાવી દીધું અને વરખડીવાળા ઝાડની નીચે જયાં માં બહુચરનો ગોખ હતો ત્યાં વરખડીનું ઝાડ અંદર રહે તે રીતે દેરું બંધાવ્યું.આ દેરુ સંવત ૭૮૭ માં બંધાવ્યું હતું તેવું પ્રમાણ ઐતિહાસિક ગ્રંથોમાં મળી આવેલ છે. આ દેરામાં માતાજીનું મુખ ઉત્તર દિશા બાજુ રહે એમ માતાજીની ચાર ભુજાવાળી મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરી.આ માતાજીનું ચતુર્થ પ્રાગટય કહેવાયું.
શ્રી બહુચર માતાના દયાળુ ભક્ત શ્રી દયારામજીએ “સોલંકીનો ગરબો” લખ્યો છે તેમાં આ વાતનો ઉલ્લેખ મળે છે કે આ પ્રસંગ સંવત ૭૮૭ માં બન્યો હતો કારણકે તેમણે આ ગરબો સંવત ૧૮૯૨ માં લખ્યો હતો.
તેઓ ગરબામાં લખે છે કે
“મોઢ બ્રાહ્મણે અનુભવ લીધો, માના પારે આવી વાસ કીધો
માના પારે આવી પ્રેમરસ પીધો, ગરબો બાણુની સાલમાં કીધો”
શ્રી બહુચરાજી માતાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજીએ ઘણા ગરબા રચ્યા છે. તેમણે તેમના રચેલા અનેક ગરબામાં સોલંકી રાજાના આ પ્રસંગને વારંવાર વર્ણવ્યો છે.
બોલો શ્રી બહુચર માતની જય.
જય બહુચર માં.