આપ સૌને પહેલો પ્રશ્ન તો એમ થશે કે “માનસરોવર” એટલે શું ? તો માનસરોવર એટલે “માતાજીના મનથી ઉદભવેલું સરોવર એટલે માનસરોવર”
જે સરોવરના દર્શન માત્રથી મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેને માનસરોવર કહેવાય છે. આવું એક માનસરોવર માતાજીના નિવાસસ્થાન મણિદ્વીપમાં છે.
કૈલાસ પર્વત જેને આનંદના ગરબામાં શ્રી વલ્લભ ભટ્ટજીએ ધોળો ગઢ કહ્યો છે ત્યાં પણ એક માનસરોવર છે. ત્યાં માતા પાર્વતીજી નિત્ય સ્નાન કરે છે. આ પવિત્ર માનસરોવરના જળને મસ્તકે અડાડવાથી ભવોભવના પાપ ટળે છે.
પૂર્વે દંઢાસૂર નામનો દૈત્ય જયારે પાણીની તરસ છીપાવવા ચુંવાળ આવ્યો હતો ત્યારે વરખડીના ઝાડ નીચે એક નવ વર્ષની બાળાને તેણે જોઈ. તે બાળા પાસે દૈત્ય પીવા પાણી માંગ્યું.
આ બાળાએ જમણા પગની ટચલી આંગળી જમીન પર અડાડી ત્યાં એક “માનસરોવર” ઉત્પન્ન થયું. દંઢાસૂરે તેમાંથી પાણી પીધું. દંઢાસૂરની તરસ છીપાયા પછી તેણે દૈત્ય સ્વભાવે નવ વર્ષની બાળા પર દાનત બગાડી. તેણે બાળાને ક્હ્યું કે “જો તું આમ ચમત્કાર કરીને આખું માનસરોવર પ્રગટ કરી શકતી હોય તો તું હમણા જ મોટી થઈ જા. હું તારું પાણિગ્રહણ કરીશ. આપણે બંને આ પૃથ્વી પર રાજ કરીશું”.
દૈત્યની આ વાત સાંભળીને બાળા ક્રોધે ભરાઈને કહ્યું કે હે મૂર્ખ ! પહેલા દીકરી કહે છે અને પછી દાનત બગાડે છે. હું આજે તને મારીશ”. બાળાએ દંઢાસૂરનો વધ કર્યો.
શ્રી બહુચર આરાધના નામક એક પ્રાચીન પુસ્તકમાં શ્રી બળવંતભાઈ ભાસ્કરે દ્વાપરયુગમાં આ સજીવન માનસરોવર વરખડીના ઝાડ નીચે હતું તેમ ઉલ્લેખ કર્યો છે.
આ પુસ્તકમાં વર્ણન છે કે મહાભારતમાં ભીષ્મ પિતામહ જેવા મહારથીને યુદ્ધમાં પછાડનાર દ્રૌપદીનો ભાઈ શિખંડી વ્યંઢળ હતો. ભીષ્મને હણ્યા બાદ શિખંડીની વાહવાહી તો થઈ પરંતુ તે વ્યઢંળ હતો તેથી તેની હાંસી પણ થઈ તેથી શિખંડી શરમાઈને પાંચાલ દેશથી ગુજરાતના ચુંવાળ પંથકમાં આવ્યો હતો.
ચુંવાળમાં આવેલા સજીવન માનસરોવરની રક્ષા કરવા માટે બાળાએ જાંભૃક નામના એક યક્ષને ત્યાં બેસાડયો હતો. શિખંડી માનસરોવર પાસે આવ્યો.જાંબૃકે ગુરુ યક્ષ યંગળની આજ્ઞા લીધા વિના શિખંડીને સજીવન માનસરોવરમાં સ્નાન કરવા માટે કહ્યું.
સજીવન માનસરોવરમાં સ્નાન કરવાથી શિખંડી પૂર્ણ પુરુષાતન પામ્યો પરંતુ ગુરુ યંગળ યક્ષને આ વાત જાણ થતા તેમણે શિષ્યને શ્રાપ આપ્યો કે “તું પાવૈયો થા”.
જાંબૃકે ગુરુ યક્ષ યંગળની માફી માંગી ત્યારે તેમણે કહ્યું કે “જે આ સ્થાનમાં સ્ત્રીના વેશે બાળા કુમારીના ગુણગાન ગાશે તેને બીજા જન્મમાં પૂર્ણ પુરુષાતન પ્રાપ્ત થશે. ત્યારબાદ ત્યાં જે માનસરોવર હતું ત્યાં “પાવૈયાના ભેખની ગાદી સ્થપાઈ”.
આ પછી કળિયુગમાં સોલંકીના સમયે તેજપાલ સોલંકી અહીં આવ્યા હતા. તેમની કૂતરી આ માનસરોવરમાં ન્હાવાથી કૂતરો બની ગયો હતો. પછી ધોડી પણ ધોડો બન્યો હતો અને તેજપાલ સોલંકી નારીમાંથી નર બન્યો હતો. ત્યારબાદ આ માનસરોવરનો ખોટો ઉપયોગ ના થાય તે માટે તેને પૂરાવી દીધું હતું. આ માનસરોવર વરખડીવાળા મૂળ સ્થાનકની નીચે છે.
સંવત ૧૮૩૯ માં વડોદરાના રાજવી અને શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રીમંત માનાજીરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરના નિર્માણ વખતે મંદિરના પશ્વિમ ભાગે પ્રાચીન બાંધણીના પથ્થરોથી “માનસરોવર” બંધાવ્યું હતું. તેની લંબાઈ ૧૯ મીટર અને પહોળાઈ ૧૮ મીટર હતી.
અહીં મંદિરમાંથી બાધાવાળા બાળકોની લટ લેવડાવ્યા બાદ મુંડન કરાવી બાળકોને સ્નાન કરાવવામાં આવતું હતું. તે સમયે શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરતા હતા. તે વખતે એવી માન્યતા હતી કે અહીં માનસરોવરમાં સ્નાન કરવાથી ભયંકર રોગો મટી જતા હતા. આ માનસરોવરની ફરતે શિવાલયો હતો અને એક કાલિકાનું નાનું મંદિર હતું.
હાલમાં જે બહુચરાજી મંદિરનો જીર્ણોદ્વાર થયો છે ત્યાં ફરીથી એક મોટું માનસરોવર બાંધવામાં આવ્યું છે પણ આ ઉંડા માનસરોવરમાં કોઈ જાનહાનિ ના થાય તે માટે તેની ઉપર જાળી બાંધવામાં આવી છે.હાલ પણ અહીં શિવાલયો છે અને કાલિકાનું નાનું મંદિર પણ છે.
શ્રી બહુચર માતાજીનું માનસરોવર કેવું છે ? તો તે માતાજીના હ્દયની જેમ અતિવિશાળ છે. જેમ માનસરોવર ઉંડુ છે તેમ માતાજીનો મહિમા ઉંડો અને ગૂઢ છે. માતાજીનું પાવન મન જેમ આનંદિત અને પ્રફુલ્લિત રહે છે તેમ આ માનસરોવર તેટલું જ રમણીય રહે છે.
માતાજીના માનસરોવરના દર્શન કરવાથી દરેક ભક્તોના મનની ચિંતાઓ હળવી થાય છે અને ભક્તોને અત્યંત શાંતિની અનૂભુતિ થાય છે.
હવે બહુચરાજી જાઓ તો
માનસરોવરના દર્શન ચોકક્સ કરજો..હોં ને..
બોલો જય બહુચર માં.