ચુંવાળ પંથકમાં આવેલ બહુચરાજીમાં પાવૈયાના ભેખની ગાદી સ્થપાઈ. આ આખો લેખ શ્રી બહુચર આરાધના પુસ્તકમાં શ્રી બળવંતભાઈ ભાસ્કરજીએ લખ્યો છે જે અહીં મારા શબ્દોમાં વર્ણવવાનો પ્રયત્ન કરું છું.
દ્વાપરયુગમાં દ્રુપદ રાજાનો પુત્ર શિખંડી વ્યઢંળ હતો. તે દ્રૌપદીનો ભાઈ હતો. તેણે માતાજીના આશીર્વાદથી અને શ્રી કૃષ્ણની આપેલી પ્રેરણાથી યુદ્ધમાં ભીષ્મ પિતામહ જેવા મહારથીનો વધ કર્યો હતો. આ વાતને કારણે તેની ખ્યાતિ તો થઈ પરંતુ વ્યઢંળ હોવાને કારણે તેની લોકો હાંસી પણ ઉડાવવા લાગ્યા.
શિખંડી શરમના માર્યો પાંચાલ પ્રદેશ છોડીને સંન્યાસ તરફ ચાલ્યો ગયો. તેને તેનું જીવન વ્યર્થ લાગવા માંડયું. તે એકવાર ભટકતો ભટકતો ધર્મારણ્ય (ધર્મનું વન) માં આવ્યો. આ ધર્મારણ્યમાં ચુંવાળ પંથક આવેલું છે. (સ્કંદપુરાણમાં ધર્મારણ્યનો ઉલ્લેખ છે)
શિખંડી ચુંવાળ પ્રદેશમાં આવ્યો હતો જયાં આદ્યશક્તિ બાળા સ્વરૂપે યુગોયુગો પહેલા પ્રગટ થયા હતા. ચુંવાળમાં બાળા સ્વરૂપે માં બહુચરને પ્રગટ થયાને એક અબજ એંસી કરોડ બાર લાખ બોતેર હજાર સાતસો ચાર વર્ષ થયા તેમ સ્કંદપુરાણમાં ધર્મારણ્યની કથામાં ઉલ્લેખ છે.
શિખંડી મૂળ આદ્યસ્થાન વરખડીના ઝાડ નીચે આવેલ માતાજીના ગોખના દર્શન કર્યા. ત્યાં સજીવન માનસરોવર હતું. તે માનસરોવરમાં તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો પણ તેને એ વાતની જ્ઞાત નહોતું કે આ સજીવન માનસરોવરમાં સ્નાન કરવાથી નારીમાંથી નર બની જવાય છે. આ માનસરોવરની ચોકી કરવા માટે બાળા બહુચરાએ જાંબૃક નામના યક્ષને બેસાડયો હતો.
શિખંડીએ યક્ષ જાંબૃકને પોતાની સઘળી સત્ય વાતો કહી. યક્ષ જાંબૃકને તેની પર દયા આવી તેથી યક્ષ જાંબૃકે શિખંડીને આત્મહત્યા કરવાને બદલે કહ્યું કે “તું આ માનસરોવરમાં સ્નાન કર, તું નારીમાંથી નર થઈ જઈશ અને તું પૂર્ણ પુરુષાતન પામીશ”
યક્ષ જાંબૃકે શિખંડીને સજીવન માનસરોવર જળમાં સ્નાન કરવાની મંજૂરી આપી. સ્નાન કરતાની સાથે જ શિખંડી પૂર્ણ પુરુષાતન પામ્યો. તે સમયે અચાનક ત્યાં યક્ષ જાંબૃકના ગુરુજી યક્ષ યંગળ આવી પહોંચ્યા.
ગુરુજીએ જોયું કે તેમના શિષ્ય યક્ષ જાંબૃકે તેમની મંજૂરી વગર શિખંડીને સજીવન માનસરોવરના જળમાં સ્નાન કરવાની મંજૂરી આપી હતી. તેઓ આ વાત પર ખૂબ જ ગુસ્સે ભરાયા અને તેમણે તેમના શિષ્ય જાંબૃકને શ્રાપ આપ્યો કે “તું પાવૈયો થા”.
ગુરુજીએ ગુસ્સામાં આવીને શિષ્ય જાંબૃકને શ્રાપ તો આપ્યો પણ યક્ષ જાંબૃકે ગુરુજીની ક્ષમાયાચના માંગતા ગુરુજીએ શ્રાપનું નિવારણ આપતા કહ્યું “તું અહીં પાવૈયાના ભેખની ગાદીનું સ્થાપન કર અને અહીં સ્ત્રી વેશે માઁ બાલા ત્રિપુરા બહુચરના ગુણગાન ગા તેથી તું બીજા જન્મમાં પૂર્ણ પુરુષાતન પામીશ.
ગુરુજી યક્ષ યંગળે વ્યઢંળોના ઉદ્ધાર માટે કહ્યું કે આજથી આ સ્થળ પાવૈયાના ભેખનું કેન્દ્રસ્થાન બનશે. જે વ્યઢંળ અહીં આવીને સ્ત્રીવેશે માતાજીના ગુણગાન ગાશે તેનો ઉદ્ધાર થશે અને બીજા જન્મમાં પૂર્ણ પુરુષાતન મળશે અને “મારું આ વચન મિથ્યા નહી જાય”.
આ ઘટના પછી કળિયુગમાં આ સજીવન માનસરોવર માં સ્નાન કરવાથી તેજપાલ સોલંકીની ઘોડીમાંથી ઘોડો બન્યો હતો, તેની કૂતરીમાંથી કૂતરી બન્યો હતો અને તેજપાલ સોલંકી પોતે પણ નારીમાંથી નર બન્યો હતો.
આજે પણ બહુચરાજી મંદિરમાં મૂળ વરખડીના આદ્યસ્થાનની નીચે તે સજીવન માનસરોવર છે પણ તેનો દુરુપયોગ ના થાય તે માટે તેને પૂરી દેવામાં આવ્યું છે. આજે પણ વ્યઢંળો આવતા જન્મમાં પૂર્ણ પુરુષાતન પામે તે માટે ત્યાં બેસીને માતાજીના ગુણગાન થાય છે.
જયારે પણ બહુચરાજી જાઓ ત્યારે વ્યંઢળોને ટાપુ (દાન દક્ષિણા) આપજો. તેઓને રાજી કરવાથી આપણને અખૂટ આશીર્વાદ મળે છે.
બોલો શ્રી બહુચર માતાની જય.
જય બહુચર માં.