⦿ દર વર્ષે રાજનગર (અમદાવાદ) માં આવેલા નવાપુરામાં ભાદરવા સુદ એકમની રાત્રે માં બહુચરની આંગી બદલાય છે, મુખ્ય મંદિરમાં તથા માનસરોવરે મહાઆરતી થાય છે અને માતાજીના છડીદાર શ્રી નારસંગવીર દાદાની વિશેષ પ્રક્ષાલન પૂજા થાય છે.
⦿ ભાદરવા સુદ બીજની સવારે માં બહુચરને પાલખીમાં બિરાજમાન કરીને પંચતીર્થની યાત્રા વાજતેગાજતે કરાવવામાં આવે છે અને જે માંઈભકતો શારીરિક તકલીફના કારણે મંદિરે દર્શન કરવા નથી આવી શકતા તેમને માં સ્વયં પાલખીમાં બિરાજમાન થઈને તેમના આંગણે પધરામણી કરવા જાય છે. તમે સમજોને નવાપુરાવાળી માતાનો ધામધૂમથી વરઘોડો નીકળે છે.
⦿ શ્રી બહુચર માતાજીની પાલખી જયારે નિજમંદિરેથી નીકળે ત્યારે શ્રી નીલકંઠ મહાદેવ (કાંકરિયા), શ્રી ભૈરવ દાદા મંદિર (ભૈરવનાથ), શ્રી નૃસિંહજી મંદિર (ચંડોળા તળાવ), શ્રી અંબાજી મંદિર (દાણીલીમડા ગામ), શ્રી ગંગનાથ મહાદેવ (બહેરામપુરા) એમ પાંચ મુખ્ય તીર્થ ફરે છે. તે ઉપરાંત વૈકુંઠ ધામ મંદિરે તથા પાલખીના માર્ગે આવતા માંઈભક્તોના ઘરે માતાજીની પાલખીની પધરામણી થાય છે. આ પરંપરા કંઈ આજ કાલની નથી પણ આશરે ૩૦૦ વર્ષ જૂની છે.
⦿ ભાદરવા સુદ બીજના દિવસે એટલે કે પંચતીથીના વરઘોડાના દિવસે મંદિરે આવતા કેટલાક માંઈભકતોના ઘરે વર્ષોથી નૈવેધ બને છે અને તેઓ તેમના ઘરે માતાજીનો થાળ ધરાવીને પ્રસાદ ગ્રહણ કરે છે
⦿ એક જાણવા જેવી વાત એમ છે કે અહીં આખો શ્રાવણ મહિનો શિવ અને શકિતની વિશેષ મહાપૂજા થાય છે જે મહાપૂજા માતાજીની પાલખીના દિવસ સુધી થાય છે. શ્રાવણ મહિનામાં મહાદેવજીની આરતી પહેલા થાય છે અને શ્રી બહુચરમાંની આરતી પછી થાય છે.
⦿ પંચતીથીની પાલખીમાં શ્રીબહુચરમાંની અતિસુંદર મૂર્તિ બિરાજે છે (અહીંયા ગર્ભગૃહમાંથી માતાજીની મૂર્તિ કયારેય બહાર કાઢવામાં આવતી નથી ). શ્રી બહુચર માતાજીની પાવડી વર્ષમાં એક જ વાર ભકતોના મસ્તકે મૂકવા બહાર નીકળે છે.
⦿ આજે રાત્રે શનિવારે માતાજીની આંગીના દર્શન રાત્રે ૧૧ વાગે છે. કાલે સવારે રવિવારે માતાજીની પાલખી સવારે ૯ વાગે નિજમંદિરેથી પ્રયાણ કરશે અને રાત્રે ૮:૩૦ વાગે નિજમંદિર પરત આવશે.
જય બહુચર માઁ.