પૂર્વે ચુંવાળ પ્રદેશમાં બાળા દંઢાસૂરને હણવા માટે યુદ્ધે ચડ્યા હતા ત્યારે દંઢાસૂર બાળાના પરાક્રમથી ગભરાઈને કૂકવાઈ ગામે ઘણા બધા મરઘાઓની વચ્ચે કૂકડો બની ગયો હતો. બાળાએ માયાવી દંઢાસૂરને શોધવા માટે તેમના લલાટનું કંકું લઈને તમામ કૂકડાઓ પર છાંટયું.બધા મરધા રંગબેરંગી કૂકડા થઈ ગયા અને દંઢાસૂર પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો.બાળાએ તેની છાતીમાં ત્રિશૂળ મારીને દંઢાસૂરનો વધ કર્યો.
તમામ કૂકડાઓએ બાળાને ત્યારે વિનંતી કરી કે હે માં ! દંઢાસૂરે અમારી જાતિમાં આવીને અમારી જાતિ અભળાવી છે. હવે અમારું કોણ ? અમને કોણ સ્વીકારશે ? બાળાએ કહ્યું ” આજથી હું તમારા પર અશ્વાર થઈશ અને કુર્કુટેશ્વરી કહેવાઈશ”.
શ્રી બહુચર માતાના સવારી કૂકડાનું મહત્વ જણાવું તો કૂકડો શક્તિ અને સામર્થ્યનું પ્રતિક છે. કૂકડો “કૂકડે કૂક” બોલીને રોજ સવારે જગાડે છે,યુદ્ધમાં કુશળતા ધરાવે છે, તે એકલો નહી પણ બધાની સાથે જમે છે,મુશ્કેલીમાં આવેલી સ્ત્રીની રક્ષા કરે છે, કૂકડો જમીન પર ચાલે છે અને હવામાં પણ ઉડે છે.આવા અનેક ગુણોનો ભંડાર ધરાવનાર કૂકડો શ્રી બહુચર માતાની કૃપાથી આ બધા ગુણો પામે છે.
પ્રાચીન ગ્રંથોમાં શ્રી બહુચર માતાને કુર્કુટવાહિની તરીકે સંબોધાઈ છે. પંજાબ રાજયમાં બહુચર માતાને “મુર્ઘેવાલી માતા” કહેવામાં આવે છે.
સોલંકી કુળના રાજાઓ પોતાના રાજયની ધજામાં કૂકડાનું ચિહ્ન રાખતા હતા. એ ધ્વજને તેઓ કૂર્કુટધ્વજ કહેતા હતા. કૂર્કુટધ્વજ પરથી ખખડધજ નામનો શબ્દ ઉદભવ્યો જેનો અર્થ શક્તિશાળી થાય તેમ ઈતિહાસના પાનાઓમાં આલેખાયેલું છે.
શ્રી બહુચર માતાનું વાહન કૂકડો આપણને રોજ સવારે ઉંઘમાંથી જગાડે છે તેમ શ્રી બહુચર માતા અજ્ઞાનરૂપી ઉંધમાંથી જગાડીને સાચું જ્ઞાન આપીને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે.
જય બહુચર માં.