આ વર્ષ સનાતન હિંદુ વર્ષ વિક્રમ સંવત ૨૦૮૦ ચાલી રહ્યું છે.આજથી ૩૭૧ વર્ષ પહેલા એટલે કે સંવત ૧૭૦૯ ની સાલ ફાગણ સુદ ત્રીજના બુધવારના દિવસે શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજીએ “આનંદના ગરબા”ની રચના કરી હતી.
આખા જગતને “આનંદ”માં રહેવાની વાત શ્રી બહુચર માં એ શીખવી અને માધ્યમ એમના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજીને બનાવ્યું.ગુરુ પરમાનંદજીએ શ્રી વલ્લભ ભટ્ટજીને બાલાનો બીજ મંત્ર “ઐ કલીં સૌઃ” આપ્યો. એ મંત્ર શ્રી ભટ્ટજીએ નવાપુરાની પવિત્ર ભૂમિ પર આવીને જપ્યો.માં ભટ્ટજી સામે નવાપુરાની ભૂમિ પર પ્રગટ થયા અને માં એ શ્રી વલ્લભ ભટ્ટજીને બુદ્ધિ તથા વાણી આપીને “આનંદના ગરબા”ની રચના કરાવી.
આનંદનો ગરબો એ સાત્વિક પાઠ છે જે બેઠા ગાવાનો ગરબો છે.આપણે જે નવરાત્રીમાં “દીવા કે ગરબા” ની ફરતે ગોળ ગરબા રમીએ છે તે મૂળ “ગરબી”છે પણ આનંદનો ગરબો આપણા હ્દયમાં માંનો દીવો પ્રગટાવીને આપણું ભ્રમિત મન જે ગોળ ધૂમી રહ્યું છે એને એક ચિત્તે માં બહુચરના ચરણોમાં સ્થિર કરીને બેઠા ગવાય એ ગરબો છે.
કળિયુગમાં આનંદનો ગરબો ત્રણ વખત કરવામાં આવે તો એક “ચંડીપાઠ” કર્યા બરાબર છે. ચંડીપાઠ એ શકિતનો સાત્વિક પાઠ છે જે એક આસને બેસીને થાય એમ “આનંદનો ગરબો” એક આસીને બેસીને થાય કારણકે બાળા એક ચિત્તે એક ધ્યાને આનંદને પરમાનંદ સુધી લઈ જાય છે.
આખી દુનિયા સુખી કયારે થાય ખબર છે ?? સૌ કોઈ “આનંદ”માં રહે ત્યારે ! આનંદમાં કોઈ કયારે રહે ?? તો એ હંમેશા માં ની પાસે રહે,માં ના સાંનિધ્યમાં રહે,માં ના ચરણોમાં રહે. નિત્ય આનંદનો ગરબો કરનાર “આનંદ”માં રહે છે એ વાતને ભલુ કોણ નકારી શકે ?
હે માં ! તમે સ્વયં પ્રગટ થઈને “આનંદ” વહેંચશો એવું કોને ખબર હતી !! હે માં ! તમે શ્રી વલ્લભ ભટ્ટજીને આનંદના ગરબાના રચયિતા બનાવશો એવું કોને ખબર હતી !! હે માં ! તમે રાજનગર ( અમદાવાદ ) ની મધ્યે આવેલા નવાપુરામાં આ ઈતિહાસ લખાવશો એવું કોને ખબર હતી !! હે માં ! તમે અમ બાળકોને “આનંદનો ગરબો” કરીને “આનંદ”માં રાખશો એવું કોને ખબર હતી !! હે માં ! તમારા નાના નાના પાવન ચરણો અમારા મસ્તકે રાખશો એવું કોને ખબર હતી ?
હે માં ! અમારા હ્દયની વાત તમે સાંભળો છો ને ?? આમ સાંભળતા જ રહેજો હોં ને.કોઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો હોં ને.
આનંદના ગરબાની ભેટ આપનાર શ્રી બહુચર માં તથા શ્રી બહુચર માં ના પરમ પાવન ભકત શ્રી વલ્લભ ભટ્ટજીને લાખ લાખ વંદન………
ખાસ અગત્યની વાત
શ્રી બહુચરમાંનો બીજ મંત્ર ” ઐ કલીં સૌ: છે. જે મંત્ર આપણને કોઈ ગુરુજી દિક્ષામાં આપે તો જ કરાય. ઘણા મંદિરોમાં આ બીજ મંત્રની આગળ ૐ લખેલું હોય છે પણ.શક્તિના બીજ મંત્ર આગળ ૐ લાગે નહી કારણકે આ જગત સ્વયં આદિ પરાશક્તિથી ઉત્પન્નર થનારું છે. એ જ શક્તિએ બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કર્યા અને તેમની ત્રણ દેવીઓ મહાસરસ્વતી,મહાલક્ષ્મી અને મહાકાલી ઉત્પન્ન કર્યા અર્થાત્ આદિ પરાશક્તિ સ્વતંત્ર છે જે શૂન્યાનાં શૂન્યસાક્ષિણી ( જયારે કશું જ નહોતું માત્ર શૂન્ય હતું તે શૂન્યની સાક્ષી છે ) જે સ્વયં મણિદ્વીપમાં બિરાજે છેમાટે શક્તિનો બીજ મંત્ર હંમેશા સ્વતંત્ર હોય છે.
બીજો તર્ક આપું તો બાલા તો કુમારિકા છે તો બાલાના બીજ મંત્ર આગળ ૐ કેવી રીતે લાગે ?
અહીંયા ૐ નો કોઈ વિરોધ નથી.મહાદેવ મને બહુ વ્હાલા છે.કાશી વિશ્વનાથ મને પ્રાણપ્રિય છે પરંતુ સર્વજનો સત્ય જાણે,સમજે અને સ્વીકારે એ માટે જણાવ્યું છે. શ્રી પરમાનંદ ગુરુજીએ શ્રી વલ્લભ ભટ્ટજી અને ધોળા ભટ્ટજીને બીજ મંત્ર “ઐં કલીં સૌ:” ગુરુ દિશામાં આપ્યો હતો.આપને કોઈ સાત્વિક ગુરુ બીજ મંત્ર દિક્ષામાં આપે તો જ કરવો અન્યથા આનંદનો ગરબો કરીને આનંદમાં રહેવું.
જય બહુચર માં.