આઈ આજ મુને આનંદ વાધ્યો અતિ ઘણો માં,
ગાવા ગરબા છંદ બહુચર માત તણો માં. (૧ )
અળવે આળ પંપાળ અપેક્ષા આણી માં,
છો ઈચ્છા પ્રતિપાળ દ્યો અમૃત વાણી માં. (૨ )
સ્વર્ગ મૃત્યુ પાતાળ વાસ સકળ તારો માં,
બાળ કરી સંભાળ કર ઝાલો મારો માં. ( ૩ )
તોતળા મુખ તન તો તો તોય કહે માં,
અર્ભક માંગે અન્ન નિજ માતા મન લહે માં. ( ૪ )
નહિ સવ્ય અપસવ્ય કવિ કાહે જાણું માં,
કવિ કહાવા કાવ્ય મન મિથ્યા આણું માં. ( ૫ )
કુલજ કુપાત્ર કુશીલ કર્મ અકર્મ ભર્યો માં,
મૂર્ખ મન વહે મીન રસ રટતા વિચર્યો માં. ( ૬ )
મૂઢ પ્રમાણે મત્ય મન મિથ્યા માપી માં,
કોણ લહે ઉત્પત્ય વિશ્વ રહ્યા વ્યાપી માં. ( ૭ )
પરાક્રમ પ્રૌઢ પ્રચંડ પ્રબળ ન પળ પીછું માં,
પૂરણ પ્રગટ અખંડ અજ્ઞ થકો ઈચ્છું માં. ( ૮ )
અર્ણવ ઓછે પાત્ર અકલ કરી આણું માં,
પામુ નહિ પળ માત્ર મન જાણું નાણું માં. ( ૯ )
રસના યુગ્મ હજાર તે રટતા હાર્યો માં,
ઈશે અંશ લગાર લઈ મન્મથ માર્યો માં. ( ૧૦ )
મારકંડેય મુનિરાય મુખ માહાત્મય ભાખ્યું માં,
જૈમિનિ ઋષિ જેવાય ઉર અંતર રાખ્યું માં. ( ૧૧ )
અણગણ ગુણ ગતિ ગોત ખેલ ખરો ન્યારો માં,
માત જાગતી જયોત ઝળહળતો પારો માં. ( ૧૨ )
જશ તૃણવત ગુણ ગાથ કહું ઉંડળ ગુંડળ માં ,
ભરવા બુદ્ધિ બે હાથ ઓધામાં ઉંડળ માં. ( ૧૩ )
પાગ નમાવી શીશ કહું ઘેલું ગાંડુ માં,
માત ના ધરશો રીસ છો ખુલ્લું ખાંડુ માં. ( ૧૪ )
આદ્ય નિરંજન એક અલખ અકળ રાણી માં,
તુથી અવર અનેક વિસ્તરતા આણી માં. ( ૧૫ )
શકિત સરજવા શ્રેષ્ઠ સહેજ સ્વભાવ સ્વલ્પ માં,
કિંચિત કરૂણા દષ્ટ ક્રત ક્રત કોટિ કલ્પ માં. ( ૧૬ )
માતંગી મન મુક્ત રમવા મન કીંધું માં,
જોવા જુક્ત અજુક્ત રચિયા ચૌદ ભુવન માં. ( ૧૭ )
નીર ગગન ભૂતેજ સહેજ કરી નિરમ્યા માં,
મારૂત વસ જે જે ભાંડ કરી ભરમ્યા માં. ( ૧૮ )
તત્ક્ષણ તનથી દેહ ત્રણ કરી પેદા માં,
ભવકૃત કરતા જેહ સરજે પાળે છેદા માં. ( ૧૯ )
પ્રથમ કર્યો ઉચ્ચાર વેદ ચાર વાયક માં,
ધર્મ સમસ્ત પ્રકાર ભૂ ભણવા લાયક માં. ( ૨૦ )
પ્રગટી પંચમહાભૂત અવર સર્વ જે કો માં,
શકિત સર્વ સંયુક્ત શકિત વિના નહી કોઈ માં. ( ૨૧ )
મૂળ મહી મંડાણ મહા માહેશ્વરી માં,
યુગ સચરાચર જાણ જય વિશ્વેશ્વરી માં. ( ૨૨ )
જળ મધ્યે જળસાઈ પોઢયા જુગજીવન માં,
બેઠા અંતરિક્ષ આઈ ખોળે રાખી તન માં. ( ૨૩ )
વ્યોમ વિમાનની વાટ ઠાઠ ઠઠયો આછો માં,
ઘટ ઘટ સરખો ઘાટ કાચ બન્યો કાચો માં. ( ૨૪ )
જનમ જનમ અવતાર આકારે જાણી માં,
નિર્મિત હિત નરનાર નખશિખ નારાયણી માં. ( ૨૫ )
પનંગ પશુ પક્ષી પૃથક પૃથક પ્રાણી માં,
યુગ યુગમાં ઝંખી રૂપે રૂદ્રાણી માં. ( ૨૬ )
ચક્ષુ મધ્યે ચેતન વચ આસન ટીકી માં,
જણાવવા જન મન મધ્ય માતા કીકી માં. ( ૨૭ )
અન્નચર તૃણચર વાયુ ચર વારી ચરતા માં,
ઉદર ઉદર ભરી આયુ તુ ભવની ભરતા માં. ( ૨૮ )
રજો તમોને સત્વ ત્રિગુણાત્મક ત્રાતા માં,
ત્રિભુવન તારણ તત્વ જગત તણી જાતા માં. ( ૨૯ )
જયાં જયમ ત્યાં ત્યમ રૂપ તેજ ધર્યુ સઘળે માં,
કોટિ કરેલા ધૂપ કોઈ તુજને ન કળે માં. ( ૩૦ )
મેરૂ શિખર મહીમાય ધોળાગઢ પાસે માં,
બાળી બહુચર આઈ આદ્ય વસે વાસો માં. ( ૩૧ )
ન લહે બ્રહ્મા ભેદ ગૂહ્ય ગતિ તારી માં,
વાણી વખાણે વેદ શી મતિ માહેરી માં. ( ૩૨ )
વિષ્ણુ વિમાસી મન ધન્ય એમ ઉચ્ચરિયા માં,
અવર ન તુજથી અન્ય બાળી બહુચર્યા માં. ( ૩૩ )
માને મન માહેશ માત મયા કીધે માં,
જાણે સુરપતિ શેષ સહુ તારે લીધે માં. ( ૩૪ )
સહસ્ત્ર ફણાધર શેષ શકિત સબળ સાધી માં,
નામ ધર્યુ નાગેશ કીર્તિ તો વાધી માં. ( ૩૫ )
મચ્છ કચ્છ વારાહ નૃસિંહ વામન થઈ માં,
એ અવતારો તારાય તે તે તુંજ મહી માં. ( ૩૬ )
પરશુરામ શ્રી રામ રામ બળી બળજે માં,
બુધ કલંકી નામ દશવિધ ધારી દેહ માં. ( ૩૭ )
મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું માં,
તે નાંખી મોહજાળ બીજું કોઈ નહોતું માં. ( ૩૮ )
કૃષ્ણ કૃષ્ણ અવતાર કળી કારણ કીધું માં,
ભકિત મુકિત દાતાર થઈ દર્શન દીધું માં. ( ૩૯ )
વ્યઢંળ નપુંસક નાર નહી પુરુષા પાંખુ માં,
એ આશ્ચર્ય સંસાર શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યું માં. ( ૪૦ )
જાણી વ્યઢંળ કાય જગમાં અણજુગતી માં,
માત મોટે મહિમાય ન લહે ઈન્દ્ર યુકત માં. ( ૪૧ )
મેરામણ મથમેર કીધો રવૈયો સ્થિર માં,
આકર્ષણ એક તેર વાસુકિના નેતર માં. ( ૪૨ )
સુર સંકટ હરનાર સેવકને સન્મુખ માં,
અવિગત અગમ અપાર આનંદો અધિસુખ માં. ( ૪૩ )
સનકાદિક મુનિ સાથ સેવી વિવિધ વિધે માં,
આરાધી નવનાથ ચોર્યાસી સિદ્ધે માં. ( ૪૪ )
આવી અયોધ્યા ઈશ નામી શીશ વળ્યા માં,
દશ મસ્તક ભુજ વીશ છેદી સીતા મળ્યા માં. ( ૪૫ )
નૃપ ભીમકની કુમારી તમ પૂજયે પામી માં,
રૂક્ષ્મણી રમણ મોરાર મનગમતો સ્વામી માં. ( ૪૬ )
રાખ્યા પાંડુ કુમાર છાના સ્ત્રી સંગે માં,
સંવત્સર એક બાર વામ્યા તમ અંગે માં. ( ૪૭ )
બાંધ્યો તન પ્રદ્યુમન છૂટે નહી કોઈથી માં
સમરી પુરી શંખલ ગયો કારાગૃહેથી માં. ( ૪૮ )
વેદ પુરાણ પ્રમાણ શાસ્ત્ર સકળ સાખી માં,
શકિત સંકળ મંડાણ સર્વ રહ્યા રાખી માં. ( ૪૯ )
જયાં જયાં જે જોઈ ત્યાં ત્યાં તુ તેવી માં,
સમ વિભ્રમ મતિ ખોઈ કહી ન શકું કેવી માં. ( ૫૦ )
ભૂત ભવિષ્ય વર્તમાન ભગવતી તું ભવની માં,
આદ્ય મધ્ય અવસાન આકાશે અવની માં. ( ૫૧ )
તિમિર હરણ શશિસૂર તે તારો ધોખો માં,
અમિ અગ્નિ ભરપૂર થઈ શોખો પોખો માં. ( ૫૨ )
ષટ ઋતુ ષટ રસ માસ દ્વાદશ પ્રતિબંધે માં,
અંધકાર ઉજાસ અનુક્રમ અનુસંધે માં. ( ૫૩ )
ધરતી તું ધન ધાન્ય ધ્યાન ધરે ના”વે માં,
પાલણ પ્રજા પર્જન્ય અણચિંતવે આવે માં. ( ૫૪ )
સકળ શ્રેષ્ઠ સુખદાયી પયીદધિ ધૃત માંહે માં,
સર્વે રસ સરસાઈ તુજ વિણ નહી કાંહે માં. ( ૫૫ )
સુખ દુ:ખ બે સંસાર તારા ઉપજાવ્યા માં,
બુદ્ધિ બળ ને બલિહાર ઘણું ડાહ્યા વાહ્યા માં. ( ૫૬ )
ક્ષુધા તૃષા નિંદ્રાય લઘુ યૌવન વૃદ્ધા માં,
શાંતિ શૌર્ય ક્ષમાય તું સઘળે શ્રદ્ધા માં. ( ૫૭ )
કામ ક્રોધ મોહ લોભ,મદ મત્સર મમતા માં,
તૃષ્ણા સ્થિર થઈ ક્ષોભ શાંતિ ને સમતા માં. ( ૫૮ )
ધર્મ અર્થ ને કામ મોક્ષ તું મંમાયા માં,
વિશ્વ તણો વિશ્રામ ઉર અંતર છાયા માં. ( ૫૯ )
ઉદે ઉદાહરણ અસ્ત આદ્ય અનાદેની માં,
ભાષા ભૂર સમસ્ત વાક્ય વિવાદેની માં. ( ૬૦ )
હર્ષ હાસ્ય ઉપહાસ્ય કાવ્ય કવિત વિત્ત તું માં,
ભાવ ભેદ નિજ ભાર્ય ભ્રાંત ભલે ચિત્ત તું માં. ( ૬૧ )
ગીત નૃત્ય વાંજિત્ર તાલ તાને માં,
વાણી વિવિધ વિચિત્ર ગુણ અગણિત ગાને માં. ( ૬૨ )
રતિ રસ વિવિધ વિલાસ આસ સકળ જગની માં,
તન મન મધ્યે વાસ મંમાયા મગની માં. ( ૬૩ )
જાણે અજાણે જગત બે બાધા જાણે માં,
જીવ સકળ આસકત સહુ સરખુ માણે માં. ( ૬૪ )
વિવિધ ભોગ મરજાદ જગ દાખ્યુ ચાખ્યુ માં,
ગરથ સુણતા તે સ્વાદ પદ પોતે રાખ્યું માં. ( ૬૫ )
જડ થડ શાખા પત્ર પુષ્પ ફળે ફળતી માં,
પરમાણુ એક માત્ર ઈતિ વાસર ચળતી માં ( ૬૬ )
નિપટ અટપટી વાત નામ કહું કોનું માં,
સરજી સાતે દ્યાત માત અધિક સોનું માં ( ૬૭ )
રત્નમણિ માણેક નંગ મંગિયા મુકતા માં,
આભા અધિક અટંક અન્ય ન સંયુકતા માં ( ૬૮ )
નીલ પીત આરક્ત શ્યામા શ્વેત સરખી માં,
ઉભય વ્યકત અવ્યકત જગત જને નીરખી માં ( ૬૯ )
નગજે અધિકુળ આઠ હિમાચલ આધે માં,
પવન ગવન ઠઠી ઠાઠ તું રચિતા સાધે માં. ( ૭૦ )
વાપી કૂપ તળાવ તું સરિતા સિંધુ માં,
જળ તારણ ત્યમ તાર તું તારણ બંધુ માં ( ૭૧ )
વનસ્પતિ ભાર અઢાર ભૂ ઉપર ઉભા માં,
ક્રત ક્રત તું કિરતાર કોશ વિધા કુંભા માં. ( ૭૨ )
જડ ચૈતન્ય અભિધાન અંશ અંશ ધારી માં,
માનવ મોટે માન તે કરણી તારી માં. ( ૭૩ )
વર્ણ નિજ કર્મ ધર્મ સહિત સ્થાપી માં,
બે ને બાર અપર્મ અનુચર વર આપી માં. ( ૭૪ )
વાડવ વન્હી નિવાસ મુખ માતા પોતે માં,
તૃપ્તે તૃપ્તે ગ્રાસ માત જગન્ન જોતે માં. ( ૭૫ )
લક્ષ ચોર્યાસી જંત સહુ તારા કીધા માં,
આણ્યો અસુરનો અંત દંડ ભલા દીધા માં ( ૭૬ )
દુષ્ટ દમ્યા કંઈ વાર દારૂણ દુ:ખ દેતા માં,
દૈત્ય કર્યા સંહાર ભાગ યજ્ઞ લેતા માં ( ૭૭ )
શુદ્ધ કરણ સંસાર કર ત્રિશુળ લીધું માં,
ભૂમિ તણો શિરભાર હરવા મન કીધું માં. ( ૭૮ )
બહુચર બુદ્ધિ ઉદાર ખળખોળી ખાવા માં,
સંત કરણ ભવપાર સાધ્ય કરે સહાવા માં ( ૭૯ )
અધમ ઓધારણ હાર આસનથી ઉઠી માં,
રાખણ યુગ વ્યવહાર બધ્ય બાંધી મૂઠી માં. ( ૮૦ )
આણી મન આનંદ માં માંડે પગલા માં,
તેજ પુંજ રવિચંદ્ર દે નાના ડગલા માં. ( ૮૧ )
ભર્યા કદમ બે ચાર મદમાતી મદભર માં,
મનમાં કરી વિચાર તેડાવ્યો અનુચર માં. ( ૮૨ )
કુર્કુટ કરી આરોહ કરૂણા કર ચાલી માં,
નંખ પંખીમય મેલ્યો પગ પૃથ્વી હાલી માં. ( ૮૩ )
ઉડીને આકાશ થઈ અદભુત આવ્યો માં,
અધક્ષણમાં એક શ્વાસ અવનિતળ લાવ્યો માં. ( ૮૪ )
પાપી કરણ નિપાત પૃથ્વી પડ માંહે માં,
ગોઠયું મન ગુજરાત ભીલા ભડ માંહે માં. ( ૮૫ )
ભોળી ભવાની માંય ભાવ ભર્યા ભાલે માં,
કીધી ઘણી કૃપાય ચુંવાળે આવી માં ( ૮૬ )
નવખંડ ન્યારી નેટ નજર વજર પેઠી માં,
ત્રણેય ગામ તરભેટ ઠેઠ્ય અડી બેઠી માં ( ૮૭ )
સેવક સારણ કાજ શંખલપુર છેડે માં,
ઉઠયો એક અવાજ ડેડાણા નેડે માં. ( ૮૮ )
આવ્યા શરણા શરણ અતિ આનંદ ભર્યા માં,
ઉદિત મુદિત રવિ કર્ણ દશ દિશ યશ પ્રસર્યા માં ( ૮૯ )
સકળ સમય જગ માત બેઠા ચિત્ત સ્થિર થઈ માં,
વસુધા મધ્ય વિખ્યાત વાત વાયુ વિધ ગઈ માં. ( ૯૦ )
જાણે સહુ જગ જોર જગત જનની જોખે માં,
અધિક ઉડાડયો શોર વાસ કરી ગોખે માં. ( ૯૧ )
ચાર ખૂટ ચોખાણ ચર્ચા એ ચાલી માં,
જન જન પ્રતિ મુખ વાણ્ય બહુચર બિરદાળી માં. ( ૯૨ )
ઉદો ઉદો જયકાર કીધો નવખંડે માં,
મંગળ વરત્યા ચાર ચૌદે બ્રહ્માંડે માં. ( ૯૩ )
ગાજયા સાગર સાત દૂધે મેહ ઉઠ્યા માં,
અધર્મ ધર્મ ઉત્પાત્ત તે કીધા જુઠ્ઠા માં. ( ૯૪ )
હરખ્યા સુરનર નાર મુખ જોઈ માતાનું માં,
અવલોકી અનુરાગ મુનિ મન સરખાનું માં. ( ૯૫ )
નવગ્રહ નમવા કાજ પાય પડી આવ્યા માં,
ઉપર ઉતરવા કાજ મણિ મુક્તા લાવ્યા માં. ( ૯૬ )
દશ દિશના દિગ્પાળ દેખી દુ:ખ વામ્યા માં,
જન્મ મરણ જંજાળ જીતી સુખ પામ્યા માં. ( ૯૭ )
ગુણ ગાંધર્વ યશ ગાન નૃત્ય કરે રંભા માં,
સ્વર સુણતા તે કાન ગતિ થઈ ગઈ સ્થંભા માં. ( ૯૮ )
ગુણનિધિ ગરબો જેહ બહુચર માં કેરો માં,
ધારે ધરીને દેહ સફળ ફરે ફેરો માં. ( ૯૯ )
પામે પદારથ પાંચ શ્રવણે સાંભળતા માં,
ન આવે ઉની આંચ દાવાનાળ બળતા માં. ( ૧૦૦ )
શસ્ત્ર ન ભેદે અંગ આદ્યશક્તિ રાખે માં,
નિત નિત નવલે રંગ શમ દમ ક્રમ પાખે માં. ( ૧૦૧ )
જળ જે અનધ અગાધ ઉતારે બેડે માં,
ક્ષણ ક્ષણ નિશદિન પ્રાત ભવ સંકટ ફેડે માં. ( ૧૦૨ )
ભૂત પ્રેત જાબુંક વ્યંતર ડાકેણી માં,
ના આવે આડી અચૂક શામા શાકેણી માં. ( ૧૦૩ )
ચરણ કરણ ગતિ ભંગ ખુંગ પુંગ વાળે માં,
ગુંગ મુંગ મુખ અંગ અબધ બધી ટાળે માં. ( ૧૦૪ )
સેણ વિહોણા નેણ નેણા તું આપે માં,
પુત્ર વિહોણા કેણ મેણા તું કાપે માં. ( ૧૦૫ )
કળી કલ્પતરુ ઝાડ જે જાણે તેને માં,
ભક્ત લડાવે લાડ પાડ વિના કેને માં. ( ૧૦૬ )
પ્રગટ પુરુષ પુરુષાઈ તું આલે પલમાં માં,
ઠાલે ઘેર ઠકરાઈ દ્યો દલ હલબલ માં. ( ૧૦૭ )
નિર્ધનને ધન પાત્ર તે કરતા તું છે માં,
રોગ દોષ દુ:ખ માત્ર તું હરતા છે માં. ( ૧૦૮ )
હય ગજ રથ સુખપાલ આલ વિના અજરે માં,
બિરદે બહુચર બાળ ન્યાલ કરો નજરે માં, ( ૧૦૯ )
ધર્મ ધજા ધન ધાન્ય ન ટળે ધામ થકી માં,
મહિપતિ મુખ દે માન માંના નામ થકી માં. ( ૧૧૦ )
નર નારી ધરી દેહ હેતે જે ગાશે માં,
કુમતિ કર્મ કૃત ખેહ થઈ ઉડી જાશે માં. ( ૧૧૧ )
ભગવતી ગીત ચરિત્ર જે સુણશે કાને માં,
થઈ કુળ સહિત પવિત્ર ચઢશે વૈમાને માં. ( ૧૧૨ )
તુથી નથી કંઈ વસ્ત જેથી તું તર્પુ માં,
પુરણ પ્રગટ પ્રશસ્ત શી ઉપમાં અર્પુ માં. ( ૧૧૩ )
વારંવાર પ્રણામ કર જોડી કીજે માં,
નિર્મળ નિશ્ચલ નામ જગ જનનીનું લીજે માં. ( ૧૧૪ )
નમો નમો જગ માત સહસ્ત્ર નામ તારા માં,
માત તાત ને ભ્રાત તું સર્વે મારા માં. ( ૧૧૫ )
સંવત શતદશ સાત નેવું ફાલ્ગુન સુદે માં,
તિથી તૃતિતા વિખ્યાત શુભ વાસર બુધે માં. ( ૧૧૬ )
રાજનગર નિજ ધામ પુર નવિન મધ્યે માં,
આઈ આદ્ય વિશ્રામ જાણે જગ બધે માં. ( ૧૧૭ )
કર દુર્લભ સુલભ રહે સૌ છેવાડો માં,
કર જોડી વલ્લભ કહે ભટ્ટ મેવાડો માં. ( ૧૧૮ )
– ભક્ત કવિ શ્રી વલ્લભ ભટ્ટજી
શ્રી વલ્લભ ભટ્ટજી રચિત આનંદનો ગરબો શક્તિની સાધના કરવાનો ઉત્તમ પાઠ છે.ઘણી બધી પુસ્તકોમાં આનંદના ગરબાના ખોટા શબ્દો હોય છે.કેટલીક પુસ્તકોમાં અપભ્રંશ કરેલા શબ્દો હોય છે અને કયાંય ભૂલથી છપાયેલા શબ્દોના આધારે આનંદના ગરબાના યોગ્ય શબ્દોનું ઉચ્ચારણ થતું નથી.
શ્રી બહુચર માતા મને પ્રેરણા કરી હોય તેમ આ ક્ષતિને છેલ્લા શ્રાવણ મહિનાથી સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.મેં કેટલાય ગ્રંથો, પ્રાચીન પુસ્તકો, વિદ્વાન બ્રાહ્મણોનું માર્ગદર્શન તથા ગુજરાતી વ્યાકરણના પ્રણેતાઓની મદદ લઈને આનંદ ગરબાનું શૂદ્ધિકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી સૌ કોઇ યોગ્ય રીતે તે શબ્દોનું ઉચ્ચારણ કરીને ગાઈ શકે.
આનંદના ગરબો ફાગણ સુદ ત્રીજ બુધવારના રોજ સંવત ૧૭૦૯ ની સાલમાં શ્રી બહુચર માતાની કૃપાથી શ્રી વલ્લભ ભટ્ટજીએ રચ્યો હતો.જગતનું કલ્યાણ થાય તે હેતુથી શ્રી વલ્લભ ભટ્ટજીએ આનંદનો ગરબો વહેંચ્યો હતો તેથી આપ સૌ પણ બને તેટલો આનંદનો ગરબો વહેંચજો.આનંદ વહેંચવાથી વધે છે.
આનંદમાં રહેવું અને આનંદને વહેંચતા રહેવું.
જય બહુચર માં.