હે બહુચર માં ! હું આ હાથથી રોજ ખોટા કામ કરું છું છતાં તું તારું નામ અને તારી ગાથા લખાવે છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! આ આંખોથી રોજ કંઈક ખોટું જોવાઈ જાય છે પણ તોય તું તારા રોજ દર્શન કરાવે છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! આ મુખેથી રોજ ગાળો કે અપશબ્દો બોલાઈ જાય છે પણ તોય આ મુખેથી તારું નામ બોલવા દે છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! મારા આ પગ મને રોજ કયાંક ને કયાંક ખોટી જગ્યાએ લઈ જાય છે તોય તું તારા ધામે મને બોલાવે છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! આ કાનેથી રોજ કંઈક ખોટું સંભળાઈ જાય છે છતાં તું રોજ તારું નામ મને સંભળાવે છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! મારા આ પાપી મન કે મગજમાં રોજ કંઈક ખોટા વિચારો આવી જાય છે છતાં પણ તું તારો એક વિચાર આપી દે છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! મારાથી રોજ થતા દરેક સારા-ખોટા કર્મને તું જાણે છે, તારાથી કંઈ છુપું નથી તે છતાં તું મન મોટું રાખીને મને કાયમ માફ કરી દે છે તે તારી કૃપા છે.
હે બહુચર માં ! મારી પાસે આવડત, બુદ્ધિ, જ્ઞાન અને લખવાની ક્ષમતા આવી છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! તે મને દરરોજ આનંદમય રહેવાની, હકારાત્મક રહીને લોકોને હકારાત્મકતા અને આનંદ વહેંચવાની શક્તિ આપી છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! કોઈ મારું ખોટું કરે છે, મારા વિશે ખોટું વિચારે છે કે જગજાહેર મારા ખરાબ ગુણોને જાહેર કરીને મારા વિશે ખોટું બોલે છે તેવા તારા જ બાળકોને મને માફ કરવાની ક્ષમતા આપી છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! તું મારી ભૂલો જાણી મને માફ કરી શકે છે તો હું કોઈની ભૂલને કેમ ના માફ કરી શકું તેવો મારે મન ભાવ પ્રગટાવ્યો છે એ તારી કૃપા છે.
હે બહુચર માં ! તે હંમેશા મને તારી છત્રછાયામાં રાખ્યો છે.હું જયારે રડતો આવ્યો ત્યારે તે મને હસાવ્યો છે. મારી સધળી ચિંતાને તે બુદ્ધિ આપીને મને ચિંતામુકત કર્યો છે.તારા કારણે આ બધા લોકો મને પ્રેમ કરે છે એ તારી કૃપા છે.
બાકી મને કંઈ નથી આવડતું. હું અપૂર્ણ જ્ઞાની છું તેથી વધારે છલકાઉં છું.મારો જેવા અજ્ઞાનીનો ઘડો છલકાઈ જાય ત્યારે તારી પાસે જ ફરીથી એ ઘડો ભરવા આવું છું અન્યથા તને વર્ણવી શકું,તારી ગાથા લખી શકું એવો સક્ષમ હું નથી.
અરે ! હું તારી કૃપા વગર પાંદડું પણ હલાવી શકું એમ નથી.હું તારા વિશે કંઈક સારું કે ઉત્તમ ના લખી શકું કે તારા વિશે લખતા કંઈક ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજે અને આ લેખ જે પણ વાંચે કે જે ના પણ વાંચે એની પર પણ જેમ મારી પર કૃપા કરી તેમ તેની પર કૃપા કરજે હોં ને…….
જય બહુચર માં.