ચુંવાળ ચોકમાં ઘણા વર્ષોથી પ્રાચીન પરંપરા મુજબ દર પૂનમે, દશેરાએ, ચૈત્ર અને આસો માસની સુદ આઠમે એમ વર્ષમાં પંદર વખત માતાજીની પાલખી નીકળે છે. ચૈત્રી અને આસો માસની પૂનમે માતાજીની પાલખી શંખલપુર જઈને નિજ મંદિરે પરત આવે છે.
દર પૂનમે માતાજીની પાલખી રાત્રે ૯.૩૦ વાગે નીકળે છે અને ગામમાં ફરીને રેલ્વે સ્ટેશન જઈને પાલખી નિજમંદિરે પરત આવે છે. આસો સુદ દશેરાએ માતાજીની સવારી શસ્ત્રપૂજન માટે બેચરગામે ખીજડીયાવાળી જગ્યાએ જાય છે.
આ પ્રાચીન પરંપરા કેટલાય વર્ષોથી ચાલતી આવે છે.જેમાં વર્ષો પહેલા બહુચરાજી ગામના બ્રાહ્મણો અબોટિયુ પહેરીને માતાજીની પાલખીને ઉચકતા હતા અને ગામમાં ફેરવતા હતા. બીજા બધા ભક્તો સેવામાં રહેતા પણ કળિયુગનો પ્રકોપ એવો છે કે અત્યારે માતાજીની મૂર્તિને બધાય અડે છે અને પાલખીને બધાએ ઉચકે છે અર્થાત્ પહેલા જેવી પવિત્રતા હવે જળવાતી નથી.
જયારે માતાજીની મૂર્તિને મંદિરમાંથી પાલખીમાં બિરાજમાન કરવામાં આવે ત્યારે માતાજીની વિશેષ પૂજા અર્ચના થાય છે. “માં ની ચૂંદડી”ગવાય છે. માં ની આરતી થાય છે. ત્યારબાદ પાલખીને ગામમાં ફેરવીને રેલવે સ્ટેશન લઈ જવામાં આવે ત્યાં માતાજીના વધામણા થાય છે. ત્યાં આરતી થાય છે.આરતી મંદિરે પરત આવે ત્યારે માનસરોવર પાસે માતાજીને વિસામો કરાવીને ફરીથી આરતી કરવામાં આવે છે.
હવે જયારે પાલખી મંદિરમાં પરત ફરે ત્યારે બહુચરાજીની પોલીસ માતાજીને ગાર્ડ ઓફ ઓનરની સલામી આપે છે.ત્યારબાદ મંદિરમાં ફરીથી માતાજીની આરતી થાય છે.
આપણી સરકારી ગાડીઓમાં સરકારમાં હોય તેની ગાડીના માથે લાલ લાઈટ લાગતી પણ હવે કાયદો એવો આવ્યો છે કે કોઈને લાલ લાઈટ લગાવાની પરમીશન નથી પણ ચુંવાળ બહુચરાજી માતાની પાલખીની ઉપર વર્ષોવર્ષથી લાલ લાઈટ લાગે છે અને આજીવન લાગતી રહેશે કારણકે મોટામાં મોટી સરકાર બહુચરાજી છે. આપણે જેને વોટ આપીને ચૂંટીએ છે તે લોકો સરકાર નહી પણ જનતાના સેવકો કહેવાય. આપણે તેમને જનતાની સેવા કરવા ચૂંટયા છે.
જયારે ચુંવાળમાં માતાજીની પાલખી નીકળે ત્યારે બેન્ડબાજા સાથે ઠાઠમાઠથી નીકળે છે. માતાજીની લાલ ધજા,છડીદાર,માતાજીની પાલખી ઉપર છત્રી અને માતાજીની પાલખી ઉપર લાલ લાઈટ લાગેલી હોય છે.
બહુચરાજીના ગામવાસીઓ અને પૂનમે આવતા યાત્રાળુઓ માતાજીને પુષ્પોથી વધાવે છે. મીઠાઈ ધરાવે છે. પાલખીને ઉચકનારા ગામવાસીઓને લાલ કલરની જય બહુચર માં લખેલી ટી શર્ટ આપવામાં આવી છે તે જ લોકો પાલખી ઉચકે છે અને પાલખીને તે રીતે વ્યવસ્થિત રાખે છે કે નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકને માતાજીના દર્શન થાય છે. કેટલાક માંઈભક્તો ફટાકડા ફોડીને માતાજીના આગમનનું સ્વાગત કરે છે.
હવે કોઈને પ્રશ્ન એમ થાય કે માતાજીની પાલખી કેમ નીકળે છે ? તેનું મહત્વ શું ? તો તેનો સરળ જવાબ એમ છે કે ચુંવાળ બહુચરાજીમાં માતાજી રાજરાજેશ્વરી સ્વરૂપે છે. જેમ રાજા પ્રજાને દર્શન આપવા,પ્રજાના પ્રશ્નોના સમાધાન માટે,પ્રજાને મળવા માટે પોતાના મહેલમાંથી બહાર આવીને રથમાં બેસીને નગરમાં આંટો મારે તેમ રાજરાજેશ્વરી બહુચર માતા ભક્તોના મનને રાજીપો થાય,ભક્તો તેના દર્શન કરીને આનંદ પ્રાપ્ત કરે,ભક્તોના જીવનના પ્રશ્નોના સમાધાન મળે તે માટે તે સ્વયં પાલખીમાં સવાર થઈને આખા બહુચરાજી ગામમાં ફરીને દર્શન આપે છે.
જય બહુચર માઁ.